અમદાવાદઃ દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અદાણીએ મોટો ઝટકો આપ્યો હતો. અદાણી દ્વારા CNGમાં ભાવમાં ફરી એક વખત વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ વખતે અદાણીએ એક-બે રૂપિયા નહીં પરંતુ સીધો જ 4.45 રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. જે બાદ નવો ભાવ 98.47 રૂપિયા પર પહોંચ્યો છે.
અઢી મહિનામાં 8 રૂપિયાનો વધારો
છેલ્લે પહેલી ઓગસ્ટે અદાણી ગેસના ભાવ પહેલી ઓગસ્ટે ચાર રૂપિયા વધ્યા હતાં. એટલે કે અઢી મહિનામાં સીધા જ ગેસના ભાવમાં આઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સીએનજી રિક્ષા, ટેક્સી અને અન્ય વાહન ચાલકોને ઈંધણના ભાવમાં વધારાનો વધુ એક બોજ સહન કરવો પડશે. ગેસના ભાવમાં વધારો થતાં લોકલ ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ શકે છે. રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો પણ ભાડાં વધારવાની માગ કરી શકે છે.
કેમ વધાર્યો CNGનો ભાવ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવ વધારો થવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો થયો છે. પશ્ચિમ એશિયામાં તણાવ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપ થવાથી વૈશ્વિક ગેસના ભાવમાં પણ વધારો થયો છે. આયાતી એલએનજી મોંઘો પડે તો કંપનીને ગેસની ખરીદીનો ખર્ચ વધે છે. જેના કારણે દેશમાં લોકલ માર્કેટમાં અસર ઉભી થઈ શકે છે. દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોનું બજેટ પણ વધી શકે છે.
આજના ભાવ વધારા પહેલા અદાણીએ 1 ઓગસ્ટના રોજ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 4 રૂપિયાનો વધારો કરાયો હતો. જે બાદ શહેરમાં CNGનો ભાવ 94.02 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો. આ પહેલા 19 જુલાઈ, 2026ના રોજ અદાણી દ્વારા 2026માં સાતમી વાર CNGના ભાવ વધારવામાં આવ્યો હતો જે બાદ અમદાવાદમાં CNG ભાવ 90.02 રૂપિયા પર પહોંચ્યો હતો. આ પહેલા શહેરમાં છેલ્લે 27 મેના રોજ અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો.
1 જાન્યુઆરી, 2026ના રોજ અદાણી CNGના ભાવમાં રૂ. 1.21નો ઘટાડો કર્યો હતો, જેના પગલે અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.17 પર પહોંચ્યો હતો. જોકે, 23 જાન્યુઆરીના રોજ CNGના ભાવમાં 60 પૈસાનો વધારો કરી દેવાતા ભાવ રૂ. 81.77 પર પહોંચ્યા હતા. ત્યારબાદ 7 ફેબ્રુઆરીના રોજ ફરી CNGના ભાવમાં કિ.ગ્રા. પર 50 પૈસા, 2 એપ્રિલના રોજ ફરી રૂ. 1.50નો તોતિંગ વધારો કરવામાં આવતા શહેરમાં CNGના ભાવ રૂ. 83.77 પર પહોંચ્યો હતો. જે બાદ 16 મેના રોજ ફરી રૂ. 2.25, 27 મેના રોજ ફરી રૂ. 2 તેમજ 19 જુલાઈના રોજ પણ રૂ. 2નો વધારો કરવામાં આવ્યો હતો. 1 ઓગસ્ટે સીધો જ 4 રૂપિયાનો વધારો કરતાં ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોમાં રોષ ફેલાયો હતો.