Sat Oct 10 2026

Logo

આર્થિક તંગીને કારણે ચેન સ્નેચિંગ કરનારો અભિનેતા પકડાયો

2026-09-21 20:58:00
Author: Yogesh C. Patel
આર્થિક તંગીને કારણે ચેન સ્નેચિંગ કરનારો અભિનેતા પકડાયો

મુંબઈ: આર્થિક મુશ્કેલીને કારણે સાંતાક્રુઝમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન આંચકી ફરાર થયેલા ઊભરતા કલાકારની પોલીસે ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ સાંતાક્રુઝ પૂર્વમાં રહેતા આશિષ અત્તરચંદ શર્મા તરીકે થઈ હતી. તેની પાસેથી વૃદ્ધાની ચેન હસ્તગત કરાઈ હતી.

વાકોલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે વૃદ્ધા તેના ઘરે હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો. વૃદ્ધાએ પહેરેલી સોનાની ચેન આંચકી આરોપી નાસી ગયો હતો. આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઘટના ગીચ ચાલમાં બની હોવાથી સીસીટીવી કૅમેરા કે ઘટનાને જોનારી કોઈ વ્યક્તિ નહોતી, જેને પગલે પોલીસને શરૂઆતમાં આરોપીની ઓળખ મેળવવામાં મુશ્કેલી પડી હતી. જોકે ફરિયાદીએ આપેલા શકમંદના વર્ણનને આધારે પોલીસે આસપાસના પરિસરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. આખરે એક ફૂટેજમાં શકમંદ નજરે પડ્યો હોવાનું સબ-ઈન્સ્પેક્ટર સુશાંતકુમાર પાટીલે જણાવ્યું હતું.

પોલીસે શકમંદની તસવીર સ્થાનિક ખબરીઓમાં ફરતી કરી હતી. ખબરીની માહિતી પરથી પોલીસે શ્યામ સુંદર ચાલમાંથી શર્માને તાબામાં લીધો હતો. નાણાંભીડને કારણે તે ગુનેગારી તરફ વળ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું. શમાએ અમુક ભોજપુરી ફિલ્મમાં નાની ભૂમિકાઓ ભજવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)