Wed Sep 16 2026

Logo

નવી જવાબદારી સાથે પરત ફરશે ‘વીર ચક્ર’ વિજેતા અભિનંદન! 22 વર્ષ IAFમાં સેવા બાદ લીધો મોટો નિર્ણય

2026-09-03 10:02:00
Author: Mumbai Samachar Team
નવી જવાબદારી સાથે પરત ફરશે ‘વીર ચક્ર’ વિજેતા અભિનંદન! 22 વર્ષ IAFમાં સેવા બાદ લીધો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ  ભારતીય વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન અભિનંદન વર્ધમાન સાથે જોડાયેલા એક વાવડ સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર અભિનંદને વાયુસેનાની નોકરી છોડી દીધી છે. વાવડ એવા મળ્યા છે કે, હવે અભિનંદન વર્ધમાન હવે ડોમેસ્ટિક એરલાઈન્સ FLY91 સાથે એક પાયલટ તરીકે જોડાશે. અભિનંદને એક વોર ઑપરેશન દરમિયાન પાકિસ્તાનની વાયુ સેનાના વિમાન F16ને હવામાં જ તોડી નાંખ્યું હતું. સૂત્રોમાં વિગત એવી સામે આવી છે કે, અભિનંદને ઓગસ્ટ મહિનામાં જ ગોવા સ્થિત એરલાઈન્સ સાથે એક પાયલટ તરીકેનું કામ શરૂ કરી દીધું છે. 

હૈદરાબાદ અને ગોવામાં ઑપરેશનલ યુનિટ
ફ્લાઈટ કંપનીના પ્રવક્તાએ હાલમાં અભિનંદન અંગે કોઈ જ જાણકારી આપવા માટે ના પાડી દીધી છે. પ્રવક્તાએ કહ્યું કે, આ એક કર્મચારીની અંગત જિંદગી સાથે જોડાયેલો મામલો છે. આ માટે એરલાઈન્સ અભિનંદન અંગે વધારાની કોઈ વિગત જાહેર કરશે નહીં. વર્ષ 2024માં FLY 91 કંપનીએ પોતાના ફ્લાઈટ ઑપરેશન શરૂ કર્યા હતા.આ એરલાઈન્સ પાસે અત્યારે છ જેટલા વિમાન છે. જ્યારે ઑપરેશનલ યુનિટ ગોવા અને હૈદરાબાદમાં છે. વર્ષ 2019 માં પાકિસ્તાન વાયુસેના સાથેની લડાઈ બાદ અભિનંદન વર્ધમાન ચર્ચામાં આવ્યા હતા. પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી, 2019 ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા. ત્યારબાદ, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. 

વીર ચક્રથી સન્માનિત પાયલટ
તા. 27 ફેબ્રુઆરીના રોજ, પાકિસ્તાને આક્રમણ માટે તેના ફાઇટર જેટ તૈનાત કર્યા હતા, જોકે ભારતીય વાયુસેનાએ તેમને ભગાડ્યા. આ લડાઈ દરમિયાન, અભિનંદને પોતાના મિગ-21 ફાઇટર વિમાનનો ઉપયોગ કરીને પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું, જોકે તેમનું પોતાનું વિમાન પણ ક્રેશ થયું. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા પરંતુ ભારત સરકારના દબાણને કારણે ત્રણ દિવસ પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. વર્ષ 2021માં અભિનંદનને વીર ચક્રથી સન્માનિક કરવામાં આવ્યા હતા. વીર ચક્રએ દેશનું ત્રીજું સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. જે સૈન્યના જવાનોને સન્માન હેતુ આપવામાં આવે છે. અભિનંદનને પોતાના કર્તવ્ય પ્રત્યે અસાધારણ સમર્પણ બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.