નવી દિલ્હીઃ મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ગોળીબાર કરવામાં આવ્યા પછી લોરેન્સ બિશ્નોઈની ગેંગે જવાબદારી લીધા પછી દિલ્હીના ડીસીપીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોરેન્સ બિશ્નોઈને સાહેબ કહીને વિપક્ષે ડીસીપીની આકરી ટીકા કરી છે.
દિલ્હી પોલીસના DCP અભિષેક ધાનિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. DCP અભિષેકે ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને સાહેબ કહેતા હવે એમના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. કોક્રોચ જનતા પાર્ટ (CJP)ના નેતા અભિજીત દીપકેએ આ મુદ્દા પર દિલ્હી પોલીસને ઘેરી છે.
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું હતું કે, લૉરેન્સ બિશ્નોઈ સાહેબ ગૅંગસ્ટર માટે દિલ્હી પોલીસના મનમાં જે સન્માન છે એ શિષ્ટાચાર કાશ એ વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ પ્રત્યે 10 ટકા દેખાડ્યો હોત. જેઓ માત્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
શું બોલી દિલ્હીના DCP?
આ વિષય પર DCP અભિષેકે આ મુદ્દાને માત્ર 'સ્લિપ ઓફ ટંગ' કહીને અટકાવી દીધો હતો. તેમણે કહ્યું કે, તાજેતરમાં પૂર્વ વરિષ્ઠ અધિકારી ઓમબીર બિશ્નોઈની મુલાકાત કરી હતી. એટલા માટે એમનું નામ દિમાગમાં હતું. આ કારણે એવું થયું. થોડા દિવસ પહેલા દિલ્હીમાં એક સોની વેપારી પર ફાયરિંગ થયું, આ કેસમાં પંજાબના લૉરેન્સ બિશ્નોઈ ગૅંગના 2 શખસોને પોલીસે પકડી લીધા હતા.
DCP અભિષેક દિલ્હી ફાયરિંગ કેસમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ચાલુ માઈક પર લૉરેન્સ બિશ્નોઈ સાહેબ બોલી ગયા હતા. DCP અભિષેકે પછી કહ્યું કે આ અજાણતા બોલાયું હતું અને ભૂલથી બોલાયું હતું. ઓમબીર બિશ્નોઈ પણ દિલ્હી પોલીસમાં એક મોટાપદ પર રહી ચૂક્યા છે.
ડ્રાઈવરને ગોળી વાગી
રવિવારે મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ ગોળીબારની એક ઘટનામાં ફસાઈ ગયો હતો. કાચના ટુકડા ઉડવાને કારણે ટાઈગરને ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગોળીઓ વાગી હતી.
જોકે, તેઓ બંને હાલમાં સ્વસ્થ છે અને કોઈ જોખમ નથી. આ હુમલો ત્યારે થયો જ્યારે ટાઈગર ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતા અને તેમની કાર જુહુના પુષ્પા પાર્ક પાસે ઊભી હતી. તે સમયે, મોટરસાઈકલ પર આવેલા ત્રણ શખસોએ ટાઈગરની કાર પર ગોળીબાર કર્યો હતો.