હેન્રી શાસ્ત્રી
વિશ્વનાથ પાટેકર કહીએ તો સહેજ માથું ખંજવાળવું પડે એ હદે નાના પાટેકરના જીવનમાંથી અસલી નામની બાદબાકી થઈ હુલામણા નામ નાનાનું સામ્રાજ્ય ફેલાયું હતું. જોકે, નાના પાટેકર સાથે પ્રથમ મુલાકાત થઈ ત્યારથી એનું દેહાવસાન થયું ત્યાં સુધી અંગત અનુભવ કે પછી એને અત્યંત નિકટથી ઓળખતા લોકોના અનુભવ કે પછી એના વાંચેલી - સાંભળેલી વાતોમાં કોઈ પણ ફિલ્ટર વિનાની - એક ચેહરે પે કોઈ ભી ચેહરા નહીં લગાનેવાલી વ્યક્તિ તરીકે જ જાણ્યો છે.
ઉપરોકત તસવીરમાં ડાબી બાજુ છે એ AI Generated image -કૃત્રિમ તસવીર છે અને નાનાને જરા પણ શોભતી નથી એવું ફિલ્ટર રાખ્યા વિના કહી શકાય. જમણી બાજુએ ‘પ્રહાર’નો નાના એના અસલી વ્યક્તિત્વ સાથે ઘણો મેળ ખાય છે. પત્રકારત્વની કારકિર્દીના એક તબક્કે ફિલ્મ મેગેઝિન (‘રૂપેરી’) સાથે સંકળાયો હોવાને કારણે નાનાને મળવાનો યોગ થયો હતો. જોકે, બે અલગ અલગ પ્રસંગે ઉત્તર-દક્ષિણના અનુભવ થયા હતા, પણ એ જ રિયલ નાના હતો એ કાળક્રમે સમજાઈ ગયું હતું.
નાનાના અવસાન પછી આજે એના જે કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર ફરી વળ્યા છે એમાં એના અનિલ કપૂર, આમિર ખાન કે પછી વિશાલ ભારદ્વાજ સાથેના ઈન્ટરવ્યૂમાં જોશો તો સામી વ્યક્તિ ગોઠવી ગોઠવીને બોલતી હોય એવું તમને જણાશે, પણ નાના? જે મનમાં છે એ જ મોઢા પર આવે એવો જ જોવા મળે છે. જરાય સંકોચ રાખ્યા વિના એ આખાબોલા નાના તરીકે જ પેશ આવે છે.
વિશાલ ભારદ્વાજ જ્યારે કહે છે કે ‘તમારી પહેલી ફિલ્મ ‘અંકુશ’ જોઈ હું તમારી એક્ટિંગનો તમારા વ્યક્તિત્વનો ચાહક બની ગયો હતો.’ પછી બીજા અનુભવનું પણ વર્ણન કરે છે. નાના બધું કોઈ પણ અહોભાવ વિના નિર્લેપ ભાવે સાંભળે છે અને પછી સવાલ કરે છે કે ‘વિશાલ, તું કેટલા વર્ષથી ફિલ્મ દિગ્દર્શન કરે છે?’ ‘બાવીસ વર્ષ’ જવાબ સાંભળી નાના એના અંદાજમાં કહે છે કે ‘આટલા વર્ષો પછી તને લાગ્યું કે હું એક્ટર છું? આટલા વર્ષો સુધી શું હું જખ મારી રહ્યો જતો?’ આ છે નાના પાટેકર, અનફિલ્ટર્ડ, મહોરા વગરનો માણસ. આમિર અને અનિલ સાથે પણ.
જોકે, નાનાને ઓળખતા લોકોને એનું ક્યારેય માઠું નથી લાગતું. અવસાનના સમાચાર જાણ્યા પછી અનુપમ ખેરે યુએસથી રેકોર્ડ કરેલી નાનકડી ક્લિપમાં પણ પાટેકરની એક્ટિંગની તારીફ કરવા ઉપરાંત એ કેવો આખાબોલો હતો પણ એ વઢતો - ખિજાતો એમાં પણ સામી વ્યક્તિ માટે ભારોભાર લાગણી જ છલકાતી હોય એવું જણાવ્યું હતું.
‘રાજુ બન ગયા જેન્ટલમેન’ના શૂટિંગ વખતે નાનાએ વારંવાર વાળમાં હાથ પસવારતા શાહરુખ ને કહી દીધું હતું કે ‘હીરો કી તરહ બાલ મત બના. તૂ એક્ટર હૈ.’ આ સાંભળી શાહરુખની નર્વસનેસ દૂર થઈ ગઈ હતી. આ પ્રસંગના કેટલાક વર્ષ પછી શાહરુખે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘નાના કયારેય કોઈની જૂઠી તારીફ કે ખુશામત કરતા નહીં. સામેની વ્યક્તિ માટે સાંભળવું જરૂરી હોય એ જ કહેતા.’
અનફિલ્ટર્ડ સાથે અનપ્રિડિક્ટેબલ પણ ખરા નાના પાટેકર. અંગત અનુભવ જણાવું. ફિલ્મ મેગેઝિનના કાર્યકાળ દરમિયાન ફિલ્મસિટીમાં બી. સુભાષની ફિલ્મ ‘પ્યાર કે નામ કુર્બાન’ના શૂટિંગમાં જવાનું થયું હતું. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને ડિમ્પલ કાપડિયા હતા. ‘સાગર’ પછી ડિમ્પલની સેક્ધડ ઈનિંગ્સએ સ્પીડ પકડી હતી અને શૂટિંગ કવરેજ તેમ જ ડિમ્પલનો એક નાનકડો ઈન્ટરવ્યૂ કરવાનો હતો.
એ સમયે હરમન બાવેજા બી. સુભાષના સહાયક હતા. એમની સાથે વાતચીત થઈ રહી હતી ત્યાં કોઈને જોઈ એ અચાનક ઊભા થઈ ગયા. પાછળ વળીને જોયું તો નાના પાટેકર આવ્યા હતા. ખાસ ડિમ્પલને મળવા. બંનેની વાતચીત પૂરી થયા પછી નાના નીકળી રહ્યા હતા ત્યાં હું એમની પાસે ગયો અને ‘ચંદેરી’ (મરાઠી ફિલ્મ પાક્ષિક અને એનું ગુજરાતી પાક્ષિક ‘ચંદેરી’ જેની સાથે હું સંકળાયેલો હતો)ની વાત કરી. એ મેગેઝિન માટે લાગણી હોવાથી નાના તરત વાત કરવા તૈયાર થયા.
પોતે આર્મી ઓફિસરના જીવનને કેન્દ્રમાં રાખી એક ફિલ્મ ડિરેક્ટ કરવાના છે અને એમાં ડિમ્પલનો એક રોલ હોવાની પ્રાથમિક જાણકારી આપી. ફિલ્મમાં ‘ઈપ્ટા’ના નાટ્યકાર હબીબ તન્વર કામ કરવાના છે એ પણ જણાવ્યું. બીજી કેટલીક રસપ્રદ વાત થઈ અને છૂટા પડતી વખતે એ ફિલ્મ (જેનું નામ ‘પ્રહાર’ હતું)ના શૂટિંગ દરમિયાન આવવાની ઈચ્છા મેં વ્યક્ત કરી અને નાનાને પણ ‘નક્કી યે’ એમ કહ્યું.
આ પ્રસંગના એકાદ વર્ષ પછી ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં એક ઈન્ટરવ્યૂ માટે જવાનું થયું ત્યારે નાના પણ ત્યાં શૂટિંગ કરતો હોવાની જાણ થઈ. બ્રેક દરમિયાન મળવા ગયો અને નાનાને હેલો કરી ’પ્રહાર’નું શૂટિંગ શરૂ થઈ ગયું? એમ સહજ ભાવે પૂછ્યું. ‘કૌન હો તુમ? ઐસા સવાલ સીધા કૈસે કર સકતે હો?’ એટલું બોલી પોતાની સીટ પરથી ઊઠી જતા રહ્યા.
મને ઓળખ્યો જ નહીં એ સમજી શકાય એમ હતું, પણ હું ‘ચંદેરી’નો જૂનો રેફરન્સ તાજો કરાવું એ પહેલા તો ભાઈસાહેબએ ત્યાંથી ચાલતી પકડી. હું ભોંઠો પડી ગયો. ઓફિસમાં આવી એને નિકટતાથી ઓળખતા સહ કર્મચારીને આ વાત કરી તો એ ખડખડાટ હસી પડ્યો. ‘હું તો ઘણા સમયથી એને ઓળખું છું, પણ મને સુધ્ધાં આ પ્રકારનો અનુભવ થયો છે. ટેક ઈટ ઈઝી - નાના આહે જ તસા, નાના આવો જ છે.’
અભિનેતા નાના પાટેકર
સ્મિતા પાટીલના કહેવાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવેલા નાના પાટેકરની ફિલ્મ સફર શરૂ થઈ ‘ગમન’ અને ‘આજ કી આવાઝ’થી થઈ, પણ એને લોકપ્રિયતા મળી એન. ચંદ્રાની ‘અંકુશ’થી. વિજયા મહેતા (હમીદાબાઈચી કોઠી, પુરુષ, મહાસાગર નાટકો) જેવા દિગ્ગજ કલાવંતના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા નાના બહુ જલદી હિન્દી ફિલ્મોમાં છવાઈ ગયો.
એના ડાયલોગ્સ અને સંવાદ બોલવાના અંદાજ જાણીતા છે. ‘અંકુશ’ નો રવિ કેળકર, ‘પ્રહાર’નો કર્નલ ચૌહાણ, ‘પરિન્દા’નો અણ્ણા, ‘અગ્નિસાક્ષી’નો વિશ્વનાથ, ‘ખામોશી: ધ મ્યુઝિકલ’નો મૂક બધિર પિતા જોસેફ બ્રેગેન્ઝા, ‘ક્રાંતિવીર’નો પ્રતાપ નારાયણ મલિક, ‘અબ તક છપ્પન’નો ઈન્સ્પેક્ટર સાધુ આગાશે. ‘વેલકમ’નો ઉદય શેટ્ટીથી ‘નટસમ્રાટ’ના અપ્પા બેલવલકર સુધી વિવિધ રોલ કર્યા, પણ આ બધી ભૂમિકામાં ઉગ્ર સ્વભાવનો અને અસ્વસ્થ કરી દેતા સવાલો પૂછતો નાના અચૂક નજરે પડ્યો.
એ બધા વચ્ચે વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ 1996માં રિલીઝ થયેલી બે ફિલ્મનો, ‘અગ્નિ સાક્ષી’ અને ‘ખામોશી: ધ મ્યુઝિકલ’નો. બંનેમાં મનીષા કોઈરાલા હતી. એકમાં નાના મનીષાના આતંક તાંડવ કરતા અત્યાચારી પતિના રોલમાં છે અને બીજીમાં મનીષાના જ મૂક બધિર બાપના રોલમાં છે. બંનેમાં નાનાનો અવ્વલ અભિનય અને પછી પ્રશંસાનો વરસાદ....
એક્ટર નાના પાટેકર વિશે વધુ કંઈ કહેવાની જરૂર ખરી?