ઉત્તર પ્રદેશમાં નવપરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત, પરિવારે કર્યો દહેજ ઉત્પીડનનો આક્ષેપ
ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં એક નવપરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપતા જણાવ્યું હતું કે મૃતકના સંબંધીઓએ તેના સાસરિયાઓ પર દહેજમાં ફોર વ્હીલર ન આપવા બદલ દહેજ મૃત્યુનો આરોપ લગાવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો કોતવાલી નગરના પંચોપીરન શહેરનો છે, જ્યાં નવવિવાહિત રૂબી બાનોનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કુદ્વાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગંજેહડી ગામના રહેવાસી મૃતકના કાકા ઇઝહર ખાને જણાવ્યું છે કે 20 ઓક્ટોબર, 2022ના રોજ રૂબી (24)ના લગ્ન પંચોપીરન શહેરના રહેવાસી મોહમ્મદ સૈફ અહેમદ સાથે થયા હતા. ખાને આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ સૈફ અને તેના પિતા ઇન્તેઝાર અહેમદ રૂબીને પિયરિયાઓ પાસેથી ફોર વ્હીલર લઇ આવવાનું જણાવી રોજ માર મારતા હતા.
કોતવાલી નગરના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ (એસએચઓ) રામ આશિષ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, મૃતકના સાસરિયાઓએ જણાવ્યું હતું કે રૂબી રાત્રે સૂતી હતી ત્યારે તે ખાટલા પરથી પડી અને તેનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.