હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના સમાધિસ્થળની નવનિયુક્ત પ્રધાનોએ મુલાકાત લીધી

આમચી મુંબઈ

મુંબઈ: શિંદે જૂથ અને ભાજપ યુતિ સરકારમાં શિવસેનાના નવનિયુક્ત પ્રધાનોએ ગુરુવારે હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેની સમાધિ એવા સ્મૃતિસ્થળની મુલાકાત લીધી
હતી.
દાદરમાં છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક વિસ્તારમાં સમાધિસ્થળ પર વિનમ્ર અભિવાદન કરીને પ્રધાનપદાના કાર્ય માટે શિવસેનાપ્રમુખના આશીર્વાદ લીધા હતા. શિવસેનાપ્રમુખે વાવેલાં બે વૃક્ષ થોડા દિવસ નષ્ટ થયેલી અવસ્થામાં હતાં, જેને પુનર્જીવિત કરવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે શપથ લીધાના બે દિવસ બાદ પ્રધાનોને બાળાસાહેબ ઠાકરેની યાદ આવી હતી.
સમાધિસ્થળની બાજુમાં બાળાસાહેબ ઠાકરેએ પોતે વૃક્ષ વાવ્યાં હતાં જેને પુનર્જીવિત કરવામાં આવ્યાં હતાં. આ વૃક્ષોને પાલિકાના વૃક્ષ ઓથોરિટી દ્વારા પુનર્જીવિત કરવામાં આવ્યાં હતાં. આ અંગેની માહિતી પ્રધાનોએ મેળવી હતી.
મુંબઈમાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાની ઘટના બની હતી. રવિવારે રાતે થયેલા મુશળધાર વરસાદને કારણે ગુલમહોરનું ઝાડ પડી ગયું હતું. આ ઝાડ ખુદ બાળાસાહેબે વાવ્યું હતું. ત્યાર બાદ મુંબઈનાં ભૂતપૂર્વ મેયર અને શિવસેનાના નેતા કિશોરી પેડણેકરે ઘટનાસ્થળે જઇને તેની તપાસ કરી હતી અને બાદમાં તાબડતોબ તેને પુનર્જીવિત કરવામાં આવ્યું હતું.
ગુલમોહરનું આ વૃક્ષ બાળાસાહેબે ૨૫ વર્ષ અગાઉ વાવ્યું હતું. ઝાડ પડવાને કારણે સ્મૃતિસ્થળની વાડને નુકસાન થયું હતું. મુંબઈ મહાપાલિકા પ્રશાસને આ વૃક્ષનું એ જ ઠેકાણે પ્રત્યારોપણ કરવાનું નક્કી કર્યું અને બે જ દિવસમાં તેની અમલબજાવણી થઇ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.