ગુરૂવારે વહેલી સવારે ન્યુઝીલેન્ડની ધરતી ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠી હતી. ન્યુઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. રેકટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.0ની હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) ના જણાવ્યા અનુસાર ચીનના સ્થાનિક સમય મુજબ 8.56 વાગે ન્યૂઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો હતો.

યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.1 હતી અને ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ ન્યુઝીલેન્ડમાં સુનામી માટે પણ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે તુર્કેય અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ સીરિયા અને તુર્કીની બોર્ડર પર હતો જેના કારણે બંને દેશોમાં ભારે તબાહી મચી. જેમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 5,20,000 અપાર્ટમેન્ટ્સ સહિત 1,60,000 જેટલી ઈમારતો ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ હતી.