Homeઉત્સવનવોન્મેષ - નવાં આહ્વાન - નવો સૂરજ - નવા પડકાર

નવોન્મેષ – નવાં આહ્વાન – નવો સૂરજ – નવા પડકાર

આજે આટલું જ -શોભિત દેસાઈ

બહુ આગળ જવાનું છે
અજાણ્યાને ગણી ઇશ્ર્વર, બહુ આગળ જવાનું છે
નવાં સંધાન આંખે ભર, બહુ આગળ જવાનું છે
સફર પોતે છે મંઝિલ, ક્યાં તુ મંઝિલ શોધવા બેઠો!
ફરી શરૂઆત મનમાં ધર, બહુ આગળ જવાનું છે
ઝડપ પર કાપ મૂકવાના, નકામા લાગણીવેડા
નયન નાહક ન ભીનાં કર, બહુ આગળ જવાનું છે
વહેતું જળ તું, ખળખળવાનો તારો ધર્મ છે કાયમ
અટકવાના ફગાવી ડર, બહુ આગળ જવાનું છે
મૂકી મૂર્તિ, મહાલય, માન્યતા-માણસ બની જા તું
વટાવી દે બધા પથ્થર, બહુ આગળ જવાનું છે
શરાફત, ખાનદાની ક્યાં સીમિત છે આ જનમ પૂરતી?
રટી લેજે અઢી અક્ષર, બહુ આગળ જવાનું છે
આપણે કોઇ પાસે કે પરમાત્મા પાસે સુધ્ધા કૈં પણ માંગીએ એ પહેલા આપણે પોેતે કયા લક્ષ સાધવાના છે એ જાણવા અને જણાવવા માટે જ આજે નવા વર્ષના પહેલા રવિવારે વાત આમ માંડી છે.
‘મરીઝ’ એમની સાવ જ નોખી મરીઝીયત સાથે એક શેરમાં કૈં અજબ જ વાત કરે છે, દર વખતની જેમ જ…
તમે આવ્યાં હતાં, પાછાં જવાને, તો ભલે જાઓ
તમે મારું જીવન છો, તમને થોભાવી નથી શકતો
ચાલી જતી પ્રિયતમાથી લઇને ચાલ્યાં જતાં વર્ષ સુધીની પહોંચ જોઇ તમે?! મને આજે આ શેઅર જુદા સંદર્ભમાં યાદ આવ્યો. હજી હમણાં ૧૯૮૮માં ૩૨ વર્ષનો હું, ૪૮ વર્ષના કૈલાસ પંડિત અને ૪૯ વર્ષના ચિનુ મોદી ‘સુખનવર-શ્રેણી’ના સંપાદન- અનાવરણ નિમિત્તે મળ્યા… હજી હમણાં એ દિવસોમાં ચિનુભાઇએ મને -કૈલાસને- મનહર મોદી-લાભશંકર ઠાકર-સુભાષ શાહ- રાજેન્દ્ર શુકલ અને અન્ય અમદાવાદ-વડોદરાના સુંદર મિત્રો સાથે ઘનિષ્ઠતાની ગાંઠે બાંધ્યા… હજી હમણાં કૈલાસ-મનહર-મનોજ- લાભશંકર મોત પામ્યાં… આ બધું હજી હમણાં થયું છે… ૩૫-૩૬ વરસ પહેલાં અને માં…. એટલી વારમાં હું ૬૬નો ય થઇ ગયો… મારે હવે ચિનુ મોદી અને કૈલાસ પંડિત બનીને નવા શોભિત દેસાઇઓને બધા સ્વજનો સાથે ઓળખાણ કરાવવાનો સમય થઇ જ ગયો છે. તો ચાલો, હમણાં જ જે દીપોત્સવ અને નવ વર્ષની રમઝટ આવી ગઇ એને કેવી રીતે સ્વમાંથી બહાર નીકળી સર્વનું કલ્યાણ એ ઉજવણીમાં પરોવીને ઉજવી શકાય એ તરફ નમણો પણ સજાગ અંગુલીનિર્દેશ કરતી બે ગઝલ જોઇએ. જેવી મારી પાસે ગઝલ આવી, તરત જ શાયરનાં નામની પૃચ્છા શરૂ કરી અને ગાયત્રી રિષભ દ્વારા સત્વરે જાણ થઇ જ ગઇ. તમારા સુધી વાત પહોંચે અને તમે આ ગઝલના અમુકમાં ભાગની ઉજવણી પણ આવતા વર્ષથી શરૂ કરો તો આ ગઝલના શાયર જનાબ અરવિંદ પંડયાની અને અમારા બધાની જહેમત લાગશે લેખે (અમારી તો નિમિત્ત બનવા પૂરતી જ…)
લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.
એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઇને મળો તો
છે દિવાળી.
છે ઉદાસી કોઇ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.
ઘાવ જે લઇને ફરે છે કૈંક
જૂના,
પીડ એની જો કળો તો
છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.
દીવડાઓ બહાર
પ્રગટાવ્યે થશે શું?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.
તો આવતા વર્ષની દીપાવલીનું તો ખઊગઞ આપણે નક્કી કરી નાખ્યું… બરાબર? હવે આવતા નવા વર્ષનો લિબાસ કેવો રાખવો એ જણાવવાનું કામ ઉપાડી લીધું છે કવયિત્રી જીજ્ઞા મહેતાએ…
માનવ બનીને કોઇના મન જાણીએ ત્યારે નવું આવે વરસ,
ખુલ્લા બદન પરની ગરીબી ઢાંકીએ ત્યારે નવું આવે વરસ.
ઘરનાં બધા સાથે મળીને બેસીએ ત્યારે નવું આવે વરસ,
અંતર વધેલા સ્હેજ જ્યારે કાપીએ ત્યારે નવું આવે વરસ.
જ્યાં જ્યાં દીવાલો હોય ત્યાં માણસ હજી રહેતા નથી એવું બને,
એ માણસોના પણ હૃદય પિગળાવીએ ત્યારે નવું આવે વરસ.
જે ટાઢ તડકો વેઠતાં રિબાય છે ફૂટપાથ પર કંતાનમાં,
ત્યાં હૂંફની દીવાલનું ઘર બાંધીએ ત્યારે નવું આવે વરસ.
જ્યાં તેલના ટીપાં વિના ભૂખ્યાજનો અંધારમાં સૂતાં હશે,
એ ઘેર ચૂલાનાં દિવા પ્રગટાવીએ ત્યારે નવું આવે વરસ.
આજે આટલું જ…

RELATED ARTICLES

Most Popular