ન્યૂ યરનાં વધામણાં: ભાત ભાતની ભવિષ્યવાણીઓ

37

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: મોસમ ને માણસ ક્યારે બદલાય કંઇ કહેવાય નહીં. (છેલવાણી)
‘૨૦૨૩માં મંદી આવશે’ – જેવી એક આગાહી, ઘણીવાર આખી પૃથ્વીને એક ગમગીન ને વિશાળ વેઇટિંગ રૂમમાં ફેરવી નાખે છે. દર વરસે, મનુષ્યની નવા ભવિષ્યની શોધ મૃગજળની જેમ ચાલે જ રાખે છે!
એકવાર લેખક-ગીતકાર જાવેદ અખ્તરને અમે પૂછેલું: ‘તમે આટલાં વરસોથી ફિલ્મલાઇનમાં છો તો કંઇ વાત તમને એવી લાગે છે કે જે હજુયે બદલાઇ નથી?’ તો જાવેદે કહેલું: ‘૧૯૬૪થી હું એમ સાંભળતો આવ્યો છું કે ‘ફિલ્મલાઇનમાં ભાવિ સારું નથી’ આજે ફિલ્મો બ્લેક એંડ વ્હાઇટથી કલરમાં અને ૩૫ એમ.એમ.થી સિનેમાસ્કોપમાં અને સેલ્યુલોઇડથી ડિજીટલમાં આવી ગઇ પણ એનું ભાવિ હંમેશાં ખતરામાં જ રહ્યું છે.’
દર નવા વરસે ભવિષ્યની આગાહીઓ કે અનુમાનો વરસોથી આવે જ રાખે છે. ભવિષ્યવાણી ને મોસમની આગાહીઓનું પણ ‘પ્રેમ’ જેવું છે. એમાં ગમે તેટલું વિચારો પણ જે થવાનું હોય તે જ થાય. વળી “વરસાદ નહીં આવે તો આકાશ સાફ રહેશે જેવી અકળ આગાહીઓનો અર્થ અમને કયારેય સમજાયો નથી. જો કોઇ ડૉકટર તમને કહે કે- “શ્ર્વાસ ચાલતો રહેશે તો તમે જીવતાં રહેશો તો તમારી કેવી હાલત થાય? ઘણીવાર તો રાશિઓની ભવિષ્યવાણી લખનાર ને મોસમની આગાહી કરનાર એક જ વ્યક્તિ હોય એવું લાગે. હવામાનખાતું અને છાપાનું જ્યોતિષશાસ્ત્ર એકબીજા સાથે ટફ્ફ હરીફાઇમાં હોય છે.
ઘણીવાર છાપાંમાં લખેલું હોય કે- કુંભ રાશિ: “દિવસ દરમ્યાન ચિંતા જેવું લાગશે પણ સાંજ સુધી ચિંતાથી ટેવાઇ જશો -આ વાંચીને આખો દિવસ ઓટોમેટીક ચિંતા થવા માંડે અને ભવિષ્યવાણી સાચી હોય એમ લાગવા લાગે! ક્યારેક લખ્યું હોય કે- “કોઇ તમને સમજી નથી રહ્યું. લોકો તમારા સારાપણાંનો લાભ લઇ રહ્યા છે આવું વાંચીને સૌ તરત જ ‘સાચું’ માની લે! આવું વાંચીને લોકો હરખાય જ કારણ કે સૌને એમ જ થાય કે-
૧) ‘હું કેટલો સારો કે સારી છું’.
૨) ‘હું લોકોને લાભ આપું છું પણ મને એની ખબર પણ નથી કે પડી પણ નથી એવી કમાલની ફકીરી મારામાં છે!’
૩) ‘હું કોઇને માટે લાભકારક થઇ શકું’ એટલો/લી મહાન છું!
તમે જ કહો “ક્રિકેટ મેચ જીતશું તો દેશમાં આનંદનું વાતાવરણ છવાશે -એમાં ભાવિકથન ક્યાં આવ્યું? એમ તો અમે પણ કહી શકીએ કે: “રાજધાની એકસપ્રેસ પ્લેટફોર્મ નં.૩ પર આવશે તો એ પ્લેટફોર્મ નં.૪ પર નહીં આવે! રાજધાનીમાં બેઠા વિના કે રેલવે-બોર્ડમાં કામ કર્યાં વિના પણ આવું કહી જ શકાયને?
જોકે છતાંય આપણને આપણું ભાવિકથન જાણવું ને વાંચવું ગમે જ છેને?
ઇંટરવલ:
એક બરાહમનને કહા હૈ કિ યે સાલ અચ્છા હૈ! (ગાલિબ)
આજકાલ પોલિટિક્સની ચર્ચા એ સ્તરે આવી ગઇ છે કે રસ્તા પર ઝાડ પડી જાય તોયે લોકો આગાહી આપવા માંડે છે કે “આ સરકાર લાંબી નહીં ચાલે! એમાંયે ઇલેકશન વખતે ભાવિ ભાખનારાં ઓવરટાઇમ કરતા હોય છે.
આજકાલ લોકો નવી ફિલ્મનું ટ્રેલર જેવું બહાર પડે કે ફેસબૂક-ટ્વિટર પર એ રીતે ભવિષ્યવાણી કરવા માંડે છે જાણે દરેક ફિલ્મ કોઇ ‘રાષ્ટ્રીય ચિંતા’નો વિષય હોય! કદાચ એવાયે દિવસો અવશે કે કોઇ ફિલ્મકારનાં મનમાં ફિલ્મ બનાવવાનો માત્ર વિચાર પણ આવશે તોયે લોકો આગાહી આપી દેશે કે- એ ફિલ્મ હિટ જશે કે નહીં! ‘કઇ ફિલ્મ, કેટલાં કરોડ’નો ધંધો કરશે કે નહીં કરે એની આગાહી કરવામાં દેશ આખો ખૂબ બીઝી છે.
કોલેજકાળમાં અમારાં એક મિત્રને એક છોકરી બહુ ગમી ગયેલી પણ છોકરીએ બહુ ભાવ આપ્યો નહીં માટે મિત્રનું દિલ તૂટી ગયું અને એણે તરત આગાહી કરેલી કે “જોજે આ છોકરી લાઇફમાં ક્યારેય સુખી નહીં થાય! અમે પૂછયું, “એમ તને શેનાં પરથી લાગે છે? એણે મૂંગે મોઢે આસમાન તરફ જોયે રાખ્યું. અમને થયું કે આકાશમાંથી કોઇ ગેબી ઇશારો એને દેખાણો હશે એટલે અમે પણ ઉપર જોયું પણ ત્યાં તો થોડાક ઊડતાં કાગડાં, થોડાં સુકાતા કપડાંઓ સિવાય કાંઇ જ નહોતું! કદાચ મારા મિત્રનો કહેવાનો અર્થ હતો કે એને ઇશ્ર્વરની કોઇ ‘ગેબી ભવિષ્યવાણી’ સંભળાઇ છે! પણ અફસોસ, એ ડિવાઇન આગાહીની સર્વિસ માત્ર એનાં કાન સુધી જ લિમિટેડ હતી ને અમને ખબર ના પડી!
કવિઓ-શાયરોને પણ આગાહીઓ આપવામાં બહુ જ મજા આવતી હોય છે. “કહી દેજો દુશ્મનોને હું પાછો આવીશ.. જેવાં શેર વડે શાયરો વાહ-વાહી કમાઇ લે છે. “જમાનાને ખબર નથી કે મારી આવતીકાલ શું છે.- જેવી પંક્તિ લખનાર કવિની આવતીકાલ તો છોડો પણ એને વર્તમાનમાં પૈસાની તંગી હોય છે! “ગુજરાતી ભાષા મરી જશે એવી આગાહી અમે ગુજરાતી વાંચતાં શીખ્યાં ત્યારથી થઇ રહી છે ને એની સામે “ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો નહીં થાય એવી કાઉન્ટર આગાહીઓ પણ દાયકાઓથી માર્કેટમાં ફરી રહી છે.
જોકે આકાશમાંથી થતી આગાહીઓની આપણે વાર્તાઓ અનેકવાર સાંભળી છે: ‘હે રાજા, ફલાણાં દિવસે, જન્મનારો તારું મોત લાવશે’ એવી આકાશવાણી થાય કે પેલો રાજા બિચારો જીવવાનું છોડીને આખી લાઇફ પેલાં બાળકને શોધવામાં ભટકયાં કરે!
ઇન શોર્ટ, ભવિષ્યવાણીમાં ભવિષ્ય ઓછું અને વાણી વધારે હોય છે. ૨૦૨૩નું નવું વરસ ને નવી આગાહીઓ મુબારક!
એંડ ટાઇટલ્સ:
આદમ:વરસાદનું શું લાગે છે?
ઇવ:પડશે ત્યારે રસ્તા ભીના થશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!