રસ્તા પરના ખાડાઓ શોધવા નવી ટૅક્નોલોજીનો ઉપયોગ કરાશે

આમચી મુંબઈ

થાણેમાં ખાડા પૂરી રહેલા પાલિકાના કર્મચારીઓ. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારે વરસાદને કારણે રસ્તા પર પડેલા ખાડાઓને કોલ્ડમિક્સથી ભર્યા બાદ વરસાદમાં તે ધોવાઈ જાય છે અને રસ્તાઓ પર ફરી ખાડા પડી રહ્યા છે. તેથી હાલ ખાડાઓને પૂરવા માટે તાત્કાલિક ધોરણે પેવર બ્લોક વાપરવામાં આવી રહ્યા છે. પરંતુ તેને બદલે હવે ખાડાઓ માટે કાયમી સ્વરૂપે નવી ટૅક્નોલોજી શોધવાનો નિર્દેશ પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુએ રવિવારે મુંબઈના જુદા જુદા રસ્તાઓના નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને આપ્યો હતો.
છેલ્લા થોડા દિવસ દરમિયાન પડેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. વાહનચાલકોથી લઈને સામાન્ય નાગરિકો હેરાનપરેશાન થઈ ગયા છે. અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાએ મુંબઈના તમામ ૨૪ વોર્ડને રસ્તા પરના ખાડા પૂરવા માટે બે-બે કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. છતાં રસ્તાની હાલત ખરાબ છે. ભાજપ પણ છેલ્લા થોડા દિવસથી મુંબઈના રસ્તાઓની હાલતને લઈને પ્રશાસન પર સતત ટીકા કરી રહ્યું છે ત્યારે વરસાદે પોરો ખાતા રવિવારે પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુથી લઈને ટોચના અધિકારીઓ છેક રસ્તા પર ઊતર્યા હતા. મુંબઈમાં પશ્ર્ચિમ ઉપનગરના અનેક વિસ્તારમાં આવેલા રસ્તાઓનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન ખાડાઓ પૂરવા માટે નવી પદ્ધતિ શોધવા માટે પણ તેમણે અધિકારીઓને કહ્યું હતું. રવિવારે પી.વેલરાસુએ પશ્ર્ચિમ ઉપનગરમાં જુદા જુદા ઠેકાણે ખાડા પૂરવાની કામગીરીનો અહેવાલ લીધા બાદ જણાવ્યું હતું કે કોલ્ડમિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખાડા પૂરવામાં આવી રહ્યા છે. પંરતુ ભારે વરસાદ અને રસ્તા પર સતત થતી વાહનોની અવરજવરને કારણે ખાડાઓમાં મિશ્રણ ટકતું નથી અને તે ધોવાઈ જાય છે અને ખાડા પડી જાય છે અને રસ્તા પર ખડીઓ ફેલાઈ જાય છે. તેને કારણે ઍક્સિડન્ટ થવાનું જોખમ પણ વધી જાય છે. તેથી ખાડાઓની સમસ્યાથી કાયમી છૂટકારો મેળવવા માટે નવી ટૅક્નોલોજી, નવી પદ્ધતિનો અભ્યાસ કરવો અને તેને અમલમાં મૂકવાની આવશ્યકતા છે.
પી.વેલરાસુએ અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન તેમણને રસ્તા પરના ખાડા પૂરવા માટે કઈ નવી ઍન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય તેનો અભ્યાસ કરીને તેને અમલમાં મૂકવા માટેનો નિર્દેશ આપ્યો હતો.
———–
નવા તંત્રજ્ઞાનનો ઉપયોગ

હાલ રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવા માટે હાયડ્રોલિક પ્રેસ પદ્ધતિએ તૈયાર કરેલા પેવર બ્લોકએ તાત્પૂરતા ધોરણે વાપરવામાં આવી રહ્યા છે. જોકે હવે એમ ૬૦ ગ્રેડના અલગ અલગ આકારમાં મોટા આકારની લાદી બનાવીને (પ્રીકાસ્ટ કૉંક્રીટ પ્લેટ્સ) વાપરવાની પાલિકાની યોજના છે, તેથી ખાડા તાત્કાલિક ભરીને વાહનવ્યવહાર જલદી ચાલુ કરી શકાશે. તેમ જ જે-જે ઠેકાણે શક્ય છે ત્યાં એમ-૬૦ કૉંક્રીટ વાપરીને ખાડા ભરીને તે મજબૂત થાય નહીં ત્યાં સુધી સ્ટીલ પ્લેટ નાખવાની પણ પાલિકાની યોજના છે. આ પ્રમાણે ખાડા ભરવાથી ત્રણથી ચાર મહિના સુધી તે ટકી શકશે. એ સિવાય પાલિકા ફ્લાય ઍશ (રાખ) નો ઉપયોગ કરીને બનાવેલા બ્લોકનો પણ ખાડા પૂરવા માટે ઉપયોગ કરવાને લઈને અભ્યાસ કરવાની છે.
——–
૧૨,૦૦૦થી વધુ ખાડા પૂર્યા

મુંબઈમાં છેલ્લા એક પખવાડિયા દરમિયાન મુશળધાર વરસાદ રહ્યો હતો, તેને કારણે રસ્તા પર મોટી સંખ્યામાં ખાડાઓ પડી ગયા હતા. પહેલી એપ્રિલથી સાત જુલાઈ સુધી મુંબઈના રસ્તા પરના ૭,૦૦૦ ખાડાઓ પાલિકાએ પૂર્યા હતા. તો રવિવાર ૧૭ જુલાઈ સુધીમાં પાલિકાએ ૧૨,૧૯૯ ખાડાઓ પૂર્યા હોવાનો દાવો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) ઉલ્હાસ મહાલેએ કર્યો હતો.
ડામરના રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશન કરાશે
મુંબઈના રસ્તાઓેને કાયમી સ્વરૂપે ખાડા મુક્ત કરવા માટે પાલિકા મુંબઈના રસ્તાઓને કૉંક્રીટના બનાવવાની યોજના બનાવી છે. મુંબઈમાં ૨,૦૫૫ કિલોમીટરના રસ્તાઓનું જાળું ફેલાયેલું છે. તેમાંથી અત્યાર સુધી ૫૦ ટકા ડામરના રસ્તાઓને સિમેન્ટ કૉંક્રીટના બનાવી દેવામાં આવ્યા છે. એડિશનલ કમિશનર પી.વેલરાસુના કહેવા મુજબ ૧,૦૩૦ કિલોમીટરના રસ્તા સિમેન્ટ કૉંક્રીટના બનાવી દીધા છે અને બાકીના રસ્તાઓને આગામી પાંચ વર્ષમાં સિમેન્ટ કૉંક્રીટના બનાવી નાખવામાં આવશે. ડામરના રસ્તા સૂકા વાતાવરણમાં ટકે છે. ભારે વરસાદમાં તે ટકતા નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.