નવી દિલ્હી: થાણે મ્યુનિસિપલ કમિશનર અભિજિત ભાંગરએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૪,૩૭૦ કરોડનું નવા કરવેરા વિનાનું બજેટ મંગળવારે રજૂ કર્યું હતું.
બજેટ રજૂ કર્યા બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે બજેટમાં ચોખ્ખાઈ, હૅલ્થકેર, શિક્ષણ અને ખાડામુક્ત રસ્તાઓ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ભંડોળ એકઠું કરવા માટે ટીએમસીએ ઑપન માર્કેટમાં રૂ. ૫૦ કરોડના બૉન્ડ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. બૉન્ડ પર સરકાર ૧૩ ટકા સબસિડી આપતી હોવાને કારણે આ નિર્ણય
લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
પાલિકાને મિલકત વેરા મારફતે રૂ. ૭૬૧.૭૨ કરોડ, ડેવલપમેન્ટ ફંડ મારફતે રૂ. ૫૬૫ કરોડ, સ્થાનિક સંસ્થા કર મારફતે રૂ. ૧૨૬૭.૭૯ કરોડ, પાણીવેરા મારફતે રૂ. ૨૨૫ કરોડ, ફાયર ટૅક્સ મારફતે રૂ. ૧૩૨ કરોડ અને એસ્ટેટ ઈન્કમ મારફતે રૂ. ૧૯.૬૫ કરોડની આવક થવાની અપેક્ષા છે, એમ તેમણે કહ્યું હતું.
રૂ. ૧૬૬૦ કરોડના મૂડી ખર્ચનો અને રૂ. ૨૭૦૮.૮૩ કરોડના મહેસૂલી ખર્ચનો બજેટમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
પાલિકાએ ઝીરો ગાર્બેજ પ્રોગ્રામ માટે રૂ. ૮૦ કરોડ, ટ્રાન્સફર સ્ટેશન માટે રૂ. ૨૩ કરોડ, મટિરિયલ રિકવરી સેન્ટર માટે રૂ. ૪૫ કરોડ, રોડની સફાઈ માટે રૂ. ૮૫ કરોડ, રસ્તાના સમારકામ માટે રૂ. ૩૦૦ કરોડ અને દિવાસ્થિત પ્રોસેસિંગ પ્લાન્ટ માટે રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે.
શહેરના ૯૦૦ કરતા પણ વધુ શૌચાલયને સુધારવા માટે ટીએમસી મેગા ઝુંબેશ હાથ ધરશે.
જાહેર શૌચાલયની જાળવણી માટે રૂ. ૧૦ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
શહેરના સુશોભીકરણ માટે રૂ. ૩૦ કરોડ, શહેરના તળાવના સુશોભિકરણ માટે રૂ. ૧૦ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
મુખ્ય પ્રધાન માતૃત્વ સુરક્ષા યોજના અંતર્ગત પ્રસૂતિગૃહને સશક્તિકરણ માટે રૂ. ૧૨ કરોડ ફાળવવામાં આવ્યા છે.
કલવાસ્થિત છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલની ક્ષમતા હાલના ૫૦૦ પલંગથી વધારીને બમણી એટલે કે ૧૦૦૦ પલંગની કરવામાં આવશે.
વંદનીય બાળાસાહેબ ઠાકરે હૉસ્પિટલનો વ્યાપ વધારવા રૂ. ૧૦ કરોડ ફાળવવામાં આવશે.
શૈક્ષણિક માળખું સુધારવા પાલિકા તેનાં અધિકારક્ષેત્રના વિસ્તારમાં સીબીએસઈ સ્કૂલો શરૂ કરશે.
પ્રાથમિક શિક્ષણમાં સુવિધા સુધારવા માટે રૂ. ૩૨ કરોડ ફાળવવામાં આવ્યા છે.
(અટલ મિશન ફૉર રિજ્યૂવેનેશન ઍન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) અમૃત-ટૂ યોજના હેઠળ પાણીપુરવઠોે સુધારવા રૂ. ૧૦૦ કરોડ, દિવા-મુંબ્રા વિસ્તારમાં પાણીપુરવઠા માટે રૂ. ૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ક્લ્સ્ટર ડેવલપમેન્ટ માટે રૂ. ૭૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમનાં ઘર રિડેવલપમેન્ટમાં ગયાં છે તેમની સગવડ માટે સરકારી જમીન પર ટેનામેન્ટ બાંધવાની પણ યોજના છે.
ધર્મવીર આનંદ દીઘે સ્વયં રોજગાર યોજના હેઠળ વંચિત મહિલાઓની મદદ માટે રૂ. ૧૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. મહિલા અને બાળકલ્યાણ માટે રૂ. ૩૩ કરોડ અને હૅન્ડિકૅપ વેલ્ફેર યોજના માટે રૂ. ૧૪ કરોડ ફાળવવામાં આવ્યા છે.
રૂ. ૨૩૦ કરોડના ટ્રાન્સપોર્ટ બજેટમાં ડબલડેકર બસ અને વધારાની ઈલેક્ટ્રીક ઍરકન્ડિશન્ડ બસનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)