Homeટોપ ન્યૂઝરમઝાનમાં સાઉદી અરેબિયાના નિયમોથી મુસ્લિમો ખફાઃ જાણો શું છે કારણ

રમઝાનમાં સાઉદી અરેબિયાના નિયમોથી મુસ્લિમો ખફાઃ જાણો શું છે કારણ

ઈસ્લામ ધર્મના સમર્થકો માટે પવિત્ર તહેવાર રમઝાન 22મી માર્ચથી શરૂ થશે ત્યારે સાઉદી સરકારે બહાર પાડેલી નિયમાવલીએ તમામ મુસ્લિમ અને નોન-મુસ્લિમ દેશોનું ધ્યાન ખેંચ્યુ છે. આ નિયમાવલીનો વિરોધ કરનારાઓ દાવો કરી રહ્યા છે કે સાઉદી સરકારે જાહેર જીવનમાં ઇસ્લામના પ્રભાવને મર્યાદિત કરવાના પ્રયાસરૂપે આગામી રમઝાન મહિના માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

સાઉદી સરકારે મસ્જિદમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે બાળકોને મસ્જિદમાં લઈ જવાની પણ મનાઈ કરી છે. મસ્જિદની અંદરની નમાજનું ફિલ્માંકન ન કરવા અથવા મસ્જિદની અંદરની નમાઝના વીડિયો પ્રકાશન માટે કોઈપણ મીડિયા આઉટલેટને નહીં આપવા માટે જણાવવામાં આવ્યું છે. મસ્જિદની અંદર નમાઝના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મસ્જિદોને રોજા રાખનારા લોકો માટે ભોજનનું આયોજન કરવા માટે નાણાકીય દાન એકત્રિત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને તેમને આવા ભોજન સમારંભો જે ઈફતાર તરીકે ઓળખાય છે તે મસ્જિદની અંદરના બદલે મસ્જિદના પ્રાંગણમાં નક્કી કરેલા સ્થળોએ આયોજિત કરવા માટે જણાવવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર, રમઝાનમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે નહીં, આઈડી વિના કોઈ ઐતેકાફ (દસ દિવસ મસ્જિદમાં રહી અલ્હાની ઈબાદત) નહીં કરી શકે, અને મસ્જિદોની અંદર ઈફ્તાર નહીં થાય. આ અને આવા અનેક પ્રતિબંધો અને નિયમોને કારણે મુસ્લિમ સમાજના અનુયાયીઓ અને ધાર્મિક નેતાઓ નારાજ થઇ ગયા છે. તેમનું કહેવું છે કે સાઉદી અરેબિયા આવા નિયમો જાહેર કરીને જાહેર જીવનમાં ઇસ્લામનો પ્રભાવ ઓછો કરવા માંગે છે.
જોકે, સરકારે તેના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે અમે મસ્જિદોમાં ઇફ્તાર બંધ નથી કરી રહ્યા પરંતુ તેનું યોગ્ય આયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી કરીને કોઈપણ પ્રકારની મૂંઝવણ ન થાય. તેમજ મસ્જિદની પવિત્રતા અને સ્વચ્છતા જળવાઈ રહે. આ સાથે અહીં થતી ઈબાદતનું રેકોર્ડિગં અને પ્રસારણ પ્રતિબંધિત કરવામા આવ્યું છે જેથી તેનો ખોટો કે ભૂલભરેલો ઉપયોગ ટાળી શકાય.

ટીકાકારોએ એમ પણ નોંધ્યું છે કે સાઉદી સરકાર દેશમાં વિશાળ વિદેશી રોકાણોને આમંત્રિત કરીને, પશ્ચિમી કોન્સર્ટનું આયોજન કરીને અને વિદેશી પ્રવાસીઓને આકર્ષીને દેશને વધુ મુક્ત, ખુલ્લા સમાજમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
આપણા દેશમાં પણ મસ્જિદોમાં લાઉડસ્પીકરનો વિરોધ થઈ રહ્યો છે અને તેના પર પ્રતિબંધની માગણી થઈ રહી છે ત્યારે રમઝાન દરમિયાન પણ લાઉડ સ્પીકર પરનો પ્રતિબંધનો નિર્ણય મહત્વપૂર્ણ બની જાય છે. જોકે અઝાન દરમિયાન લાઉડ સ્પીકરનું વોલ્યુમ નક્કી માત્રામાં રાખવાનો નિયમ સાઉદી દેશોમાં ઘણા સમયથી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular