તો શું યુપી + બિહાર = ગઇ મોદી સરકાર હકીકત બનશે???

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બિહારના રાજકારણમાં રોજ નવા દાવા કરવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમાર બીજેપીથી અલગ થયા બાદ વિપક્ષો ગેલમાં આવી ગયા છે. તેઓ નીતીશ કુમારની આગેવાનીમાં ત્રીજો મોરચો રચવાના અને ભાજપને માત કરવાના સપના જોવા માંડ્યા છે. નીતીશ કુમારને 2024માં વિપક્ષના પીએમ ઉમેદવાર બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. એવો જ એક પ્રયાસ યુપીમાં પણ જોવા મળી રહ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીના કાર્યાલય બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેના પર લખવામાં આવ્યું છે કે, ‘યુપી + બિહાર = ગઇ મોદી સરકાર.’

લખનઊમાં સમાજવાદી પાર્ટીના પ્રદેશ કાર્યાલયની બહાર બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને સપા પ્રમુખ અખિલેશ યાદવના આવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે કે જો યુપી અને બિહાર એક થઈને ભાજપના લોકસભા સભ્યોની સંખ્યામાં ઘટાડો કરવામાં સફળ રહે તો કેન્દ્રની ભાજપ સરકારને તેઓ હરાવી શકે છે. આવા પોસ્ટર સપા કાર્યકરોની ઓફિસની બહાર લગાવવામાં આવી રહ્યા છે. સપા નેતા આઈપી સિંહે કહ્યું કે આ પ્રકારનું અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવશે.

બિહારમાં JDU ભાજપ છોડીને રાષ્ટ્રીય જનતા દળમાં જોડાયા બાદ વિપક્ષનો આત્મવિશ્વાસ વધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી મિશન 2024 ભાજપ માટે પડકારરૂપ બની ગયું છે.

મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ તાજેતરમાં દેશભરના ઘણા મોટા નેતાઓને મળ્યા હતા અને વિપક્ષને એક થવાનો સંદેશ આપ્યો હતો. યુપી વિધાનસભા ચૂંટણીમાં પણ સપા ગઠબંધનને 125 બેઠકો મળી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યુપીમાં સપા ભાજપને સખત ટક્કર આપશે.

યુપી અને બિહારમાં કુલ 120 લોકસભા બેઠકો છે. ભાજપે 2019ની ચૂંટણીમાં અહીં 100થી વધુ બેઠકો જીતી હતી. વિપક્ષ આ રાજ્યોમાં બેઠકો ઘટાડીને ભાજપને કેન્દ્રની સત્તામાંથી બહાર કરવાની યોજના બનાવી રહ્યું છે.

બિહારમાં, ભાજપે JD(U) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને 40 માંથી 39 બેઠકો જીતી હતી. હવે ભાજપથી JDU અલગ થવાને કારણે રાજ્યમાં ભાજપને મોટી સંખ્યામાં બેઠકો ગુમાવવી પડી રહી હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પણ શિવસેના બીજેપીથી અલગ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં 2024માં ભાજપનો રસ્તો મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.