મહારાષ્ટ્રમાં સપ્તાહમાં નવી સરકાર રચાવાની વકી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજ્ય અને દિલ્હીમાં ઝડપથી બદલાતાં સમીકરણો, ફડણવીસ દિલ્હી જવા રવાના

ગણીલો માથાં: ગુવાહાટીની હોટેલમાં મહારાષ્ટ્રના શિવસેનાના અસંતુષ્ટ વિધાનસભ્યો અને અપક્ષના વિધાનસભ્યો. (પીટીઆઇ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ગુરુવારના દિવસે મોટી ઊથલપાથલ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં આગામી એક સપ્તાહમાં નવી સરકાર અસ્તિત્વમાં આવશે એવું ગુરુવારે ઝડપથી બદલાયેલાં સમીકરણો બાદ અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.
નવી સરકારમાં ભાજપ સહભાગી હશે એવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ તાકીદે દિલ્હી રવાના થયા હોવાના અહેવાલો મળ્યા બાદ હવે મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હીમાં પણ રાજકીય સમીકરણો બદલાવાના સંકેત મળી રહ્યા છે. બીજી તરફ એનસીપી સુપ્રીમો શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં દાવો કર્યો છે કે મહાવિકાસ આઘાડી પાસે બહુમત છે અને ફ્લોર ટેસ્ટમાં આ પુરવાર થશે, જે લોકો શિવસેના છોડીને ગયા છે તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ પહેલાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એકનાથ શિંદે સાથે ગયેલા વિધાનસભ્યોને ગંભીર પગલાંની ચેતવણી આપી હતી અને પછી લાગણીસભર અપીલ કરી હતી કે તમે એક વખત મુંબઈ આવો અમે મહાવિકાસ આઘાડીમાંથી બહાર નીકળવા તૈયાર છીએ. ચર્ચા દ્વારા માર્ગ નીકળી શકે છે. ગુલામી સ્વીકારવાને બદલે સ્વાભિમાનથી નિર્ણય લઈશું. જોકે, તેમની અપીલનો કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જોકે, કૉંગ્રેસ અને એનસીપી હજી પણ મહાવિકાસ આઘાડી બહુમત ધરાવે છે એવો દાવો કરી રહ્યા છે.
ગુવાહાટીમાં રહેલા એકનાથ શિંદેનો સાથી વિધાનસભ્યોને સંબોધી રહેલો એક વિડીયો બહાર આવ્યો હતો, જેમાં તેમણે કબૂલ કર્યું હતું કે ભાજપની સાથે જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપમાં એનસીપી-કૉંગ્રેસ કરતાં સારો વ્યવહાર કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભાજપ સાથે એકનાથ શિંદે જૂથની સરકાર બનાવવાની ફોર્મ્યુલા બહાર પાડવામાં આવી હતી, જેમાં એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાનપદ સહિત ૧૨ પ્રધાનપદાં અને કેન્દ્રમાં બે પ્રધાનપદાંનું આશ્ર્વાસન આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં સત્તાની સ્થાપના માટે ૧૪૪ વિધાનસભ્યોનો ટેકો આવશ્યક છે અને ભાજપ અને સમર્થન કરનારા ૧૧૪ વિધાનસભ્યો સાથે એકનાથ શિંદે સાથે રહેલા ૪૨ વિધાનસભ્યો સાથે બહુમતનો આંકડો સરળતાથી પાર કરી શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.