આજે ભારતીય આર્થિક વર્ષ એટલે કે ફાઈનાન્શિયલ યરનો અંતિમ દિવસ. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ ફાઈનાન્શિયલ યર કેલેન્ડર યરની જેમ 31મી ડિસેમ્બરના ના પૂરું થતાં 31મી માર્ચે જ કેમ પૂરું થાય છે? તો આજે તમારા આ સવાલનો જવાબ તમને અહીં લેખ પૂરો થાય ત્યાં સુધીમાં મળી જશે. વાત જાણે એમ છે કે બ્રિટીશકાળથી આ પરંપરા ચાલતી આવી છે. આપણું વર્ષ જાન્યુઆરીથી ચાલુ થાય અને ડિસેમ્બરમાં પૂરું થાય છે. પણ ફાઈનાન્શિયલ યરની બાબતમાં એવું નથી. ફાઈનાન્શિયલ યર એપ્રિલથી શરૂ થાય છે અને માર્ચમાં પૂરું થાય છે. પરિણાને બધી જ કંપનીઓ પોતાના આર્થિક લેખા જોખા તૈયાર કરીને નફા-નુકસાનના સમીકરણ તૈયાર કરે છે અને શરૂ થઈ રહેલાં નવા વર્ષ માટેની આર્થિક જગોવાઈ પણ કરે છે.
દર વર્ષે સરકાર દ્વારા આર્થિક બજેટ રજૂ કરવામાં આવે છે અને આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અને નવા કાયદા કાનૂન પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવે છે. એપ્રિલથી માર્ચ વચ્ચે સરકારી તિજોરીમાં કેટલા પૈસા જમા થયા, કેટલો ખર્ત થયો એનો હિસાબ કરીને દેશની આર્થિક સ્થિતિનો અંદાજ તૈયાર કરવામાં આવે છે, એટલે આ સમયગળાને નાણાંકીય વર્ષ એટલે કે ફાઈનાન્શિયલ યર એવું કહેવામાં આવે છે. આજથી 156 વર્ષ પહેલાં કે એટલે કે 1867માં બ્રિટિશરોએ નાણાંકિય વર્ષનો સમયગાળો નક્કી કર્યો હતો. તેમણે ઈંગ્લેન્ડની જેમ જ ભારતનું આર્થિક વર્ષ એપ્રિલથી માર્ચ એમ નક્કી કર્યું હતું. બ્રિટિશરો ગયા બાદ પણ ભારતીયો આ જ પરંપરાને અનુસરતા રહ્યા. ભારત એ ખેતીપ્રધાન દેશ છે અને એને કારણે કૃષિક્ષેત્રનો વિચાર કરીને પણ નાણાંકિય વર્ષ નક્કી કરવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. માર્ચ મહિનાના અંત સુધીમાં રબ્બી પાકનો સમયગાળો પૂરો થાય છે એટલે કૃષિક્ષેત્રના વ્યવહારનો અંદાજ સરકારને આવે છે અને જૂનથી શરૂ થઈ રહેલાં ચોમાસાનું પુર્વાનુમાન પણ એપ્રિલમાં લગાવવામાં આવે છે. આવા સંજોગોમાં નાણાંકિય સમીકરણોના તાળા મેળવવાનું ખૂબ જ સરળ થઈ જાય છે.
ભારત એ ખેતીપ્રધાન હોવાની સાથે સાથે જ વાર-તહેવાર તેમ જ ઉત્સવોનો દેશ છે. વિવિધ જાતિ અને ધર્મના લોકો અહીં રહે છે જેને કારણે સતત કોઈને કોઈ વાર-તહેવારની ઊજવણીઓ ચાલતી જ હોય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે દિવાળી, ક્રિસમસ સહિત અને મોટા તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારો દરમિયાન મોટા પ્રમાણમાં ખરીદી-વેચાણ થાય છે જેને કારણે બજારમાં મોટા પાયે આર્થિક ઉથલપાથલ થાય છે, એટલે તરત જ ડિસેમ્બરમાં આર્થિક વ્યવહારનો અંદાજ લગાવવાનું અઘરું થઈ જાય છે. આ બધા કારણોસર ભારતમાં નાણાંકિય વર્ષ 31મી ડિસેમ્બરના નહીં પણ 31મી માર્ચના પૂરું થાય છે અને પહેલી એપ્રિલથી નવા ફાઈનાન્શિયલ યરની શરૂઆત થાય છે.