Homeદેશ વિદેશનવી શિક્ષણ નીતિ: ૨૦૨૪-૨૦૨૫ના શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં સુધારો કરાશે

નવી શિક્ષણ નીતિ: ૨૦૨૪-૨૦૨૫ના શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં સુધારો કરાશે

તમામ નવાં પાઠ્યપુસ્તકો ડિજિટલ ફોર્મેટમાં સમાંતર રીતે ઉપલબ્ધ કરાવાશે

નવી દિલ્હી: નવી શિક્ષણ નીતિના અનુસંધાનમાં નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) દ્વારા નિર્મિત પાઠ્યપુસ્તકોમાં સુધારાની કાર્યવાહી શરૂ કરાઈ છે, એ સુધારિત પાઠ્યપુસ્તકો શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૦૨૫થી અમલમાં લાવવામાં આવનાર હોવાનું શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. પાઠ્યપુસ્તકો નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ) અનુસાર તૈયાર કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
શિક્ષણ ખાતાના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે નવાં પાઠ્યપુસ્તકો શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૦૨૫થી લાગુ કરવામાં આવશે. એ ભગીરથ કામગીરી છે, પરંતુ દોઢ વર્ષમાં એ કામ પૂરું કરવાનું અમારું લક્ષ્ય છે. નવા અભ્યાસક્રમ-એનસીએફ પ્રમાણે પાઠ્યપુસ્તકોમાં સુધારાનું કામ ચાલી રહ્યું છે. ઘણી મહેનત માગી લે એવું આ કામ છે. એ પાઠ્યપુસ્તકો ડિજિટલ ફોર્મેટમાં પણ ઉપલબ્ધ કરાવાશે. કરોના રોગચાળાના દિવસોમાં ડિજિટલ લર્નિંગનો મહિમા અને તેની માગ વધ્યા હોવાથી તમામ નવાં પાઠ્યપુસ્તકો ડિજિટલ ફોર્મેટમાં સમાંતર રીતે ઉપલબ્ધ કરાવાશે. જેથી જેને જરૂર જણાય એ પુસ્તકોને ડાઉનલોડ પણ કરી શકે. પાઠ્યપુસ્તકો બંધિયાર પ્રકારનાં ન લાગે એ માટે તેમાં સમયાનુસાર સુધારા-વધારાની કામગીરી માટે સંસ્થાકીય માળખું વિકસાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ની નવી શિક્ષણ નીતિમાં અભ્યાસક્રમ ભણાવવાની પદ્ધતિનું માળખું ” ૫+ ૩ + ૩ + ૪ નું રહેશે. નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં નિર્ધારિત કરાયેલી નવી શાળા શિક્ષણ પદ્ધતિ અનુસાર બાળકો પાંચ વર્ષ પાયાભૂત તબક્કા (ફાઉન્ડેશન સ્ટેજ)માં પસાર કરશે. ત્રણ વર્ષ સજ્જતા કેળવવા, ત્રણ વર્ષ મધ્યમ તબક્કામાં અને ચાર વર્ષ માધ્યમિક તબક્કામાં પસાર કરશે.
કેન્દ્ર સરકારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં નવા અભ્યાસક્રમ-એનસીએફ વિકસાવવા માટે ૧૨ સભ્યોની સ્ટીયરિંગ કમિટી નીમવામાં આવી હતી. બાળપણના પ્રારંભિક તબક્કા માટે, શાળા શિક્ષણ માટે, શિક્ષકના પ્રશિક્ષણ માટે અને પ્રૌઢ શિક્ષણ માટે એમ ચાર એનસીએફ-અભ્યાસક્રમો તૈયાર કરાઈ રહ્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ જિલ્લા સ્તરની જરૂરિયાતો, મોબાઇલ ઍપ સર્વે અને શિક્ષણ નીતિમાં તારવેલાં પચીસ ક્ષેત્રોના સ્ટેટ ફોકસ ગ્રૂપ્સના પોઝિશન પેપર્સના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને તેમના સ્ટેટ કરીક્યુલમ ફ્રેમવર્ક્સ તૈયાર કર્યા છે. (એજન્સી)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -