નવી દિલ્હીઃ આપના મનિષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો સંઘર્ષ ચરમ સીમા પર છે. મનિષા સિસોદિયાના બહાને ભાજપે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાનો સાધ્યો છે. હવે ભાજપ દ્વારા એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં સીએમ કેજરીવાલ પર નિશાનો સાધવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયા જેલમાં દેખાઈ રહ્યા છે. જૈન હવાલા પ્રકરણમાં અંદર ગયા છે એટલે તેમના હાથમાં પૈસા દેખાઈ રહ્યા છે, જ્યારે સિસોદિયા કથિત દારૂકાંડમાં અંદર ગયા છે એટલે તેમના હાથમાં દારૂની બાટલીઓ દેખાઈ રહી છે.
આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે આપ દ્વારા રજૂ કરાઈ રહ્યું છે જોડી નંબર વન, અરવિંદ કેજરીવાલ નિર્મિત ફિલ્મ તિહાર થિયેટરમાં રિલીઝ થઈ છે. ભાજપે આ પોસ્ટર શેયર કરીને કેપ્શનમાં લખ્યું છે કે સિસોદિયા-સત્યેન્દ્ર જૈન ઝાંકી હૈ, કેજરીવાલ અભી બાકી હૈ… દિલ્હીમાં ભાજપે આમઆદમી પાર્ટીના વિરોધમાં પ્રદર્શનો કર્યા છે. ભાજપ નેતા અને સાંસદ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે મનિષ સિસોદિયા સાથે જે બન્યું છે એ સીએમ કેજરીવાલ સાથે પણ બનશે. સીબીઆઈની સાથે સાથે ઈડીએ પણ પુરાવાના આધારે સિસોદિયાની ધરપકડ કરી છે. દિલ્હીની જનતા હવે તેમના પર વિશ્વાસ નહીં કરે, એવું પણ તિવારીએ વધુમાં ઉમેર્યું હતું.