નવી દિલ્હી: કોવિડ-૧૯ વાઇરસના નવા વૅરિયન્ટ ‘એક્સબીબી.૧.૧૬’ના ૨૯ દરદી મહારાષ્ટ્રમાં અને એક દરદી ગુજરાતમાં સહિત દેશમાં ૭૬ દરદી નોંધાયા છે.
ઇન્ડિયન સાર્સ-કોવ-ટુ જેનોમિક્સ ક્ધસોર્શિયમ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ૭૬ સૅમ્પલ્સમાં નવા વૅરિયન્ટની ઉપસ્થિતિ લેબોરેટરી રિપોર્ટ્સમાં નોંધાઈ છે. નવા વૅરિયન્ટના ૩૦ કેસ કર્ણાટકમાં, ૨૯ કેસ મહારાષ્ટ્રમાં, ૭ કેસ પુડ્ડુચેરીમાં, પાંચ કેસ દિલ્હીમાં, બે કેસ તેલંગણમાં, ૧ કેસ ગુજરાતમાં, ૧ કેસ હિમાચલ પ્રદેશમાં, ૧ કેસ ઓડિસામાં મળીને કુલ ૭૬ કેસ નોંધાયા છે.
એક્સબીબી.૧.૧૬ વૅરિયન્ટ પહેલી વખત બે દરદીઓના સૅમ્પલ્સમાં જોવા મળ્યા હતા. ત્યારપછી ફેબ્રુઆરી મહિનામાં ૫૯ સૅમ્પલ્સના અને માર્ચ મહિનામાં ૧૫ સૅમ્પલ્સના ટેસ્ટ રિપોર્ટમાં એક્સબીબી.૧.૧૬ વૅરિયન્ટ નોંધાયો હતો. આ નવા વૅરિયન્ટને કારણે તાજેતરમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ સંભાળી ચૂકેલા ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઆઈઆઈએમએસ)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોરોના ઇન્ફેક્શનના કેસોમાં વધારો એક્સબીબી.૧.૧૬ના પ્રસારને લીધે અને ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં વધારો એચ-થ્રી એન-ટુના પ્રસારને લીધે થયો હોવાની શક્યતા જણાય છે. કોરોના અને ઇન્ફ્લુએન્ઝા બન્નેના દરદીઓમાં વૃદ્ધિ પર નિયંત્રણ માટે કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર ઉપયોગી નીવડી શકે. બિજનોરના ડૉ. વિપિન એમ. વશિષ્ઠે જણાવ્યું હતું કે એક્સબીબી.૧.૧૬ વૅરિયન્ટ ૧૨ દેશોમાં ફેલાયો છે. એ વૅરિયન્ટના સૌથી વધુ કેસ ભારતમાં અને
ત્યારપછીના ક્રમે અમેરિકા, બ્રુનેઈ, સિંગાપોર અને બ્રિટનમાં નોંધાયા છે. ડૉ. વિપિન વશિષ્ઠે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોના ઇન્ફેક્શનના કેસમાં ૨૮૧ ટકા અને કોરોના ઇન્ફેક્શનથી મૃત્યુના પ્રમાણમાં ૧૭ ટકા વધારો નોંધાયો છે. કોરોનાના અન્ય વૅરિયન્ટ્સને નિયંત્રિત કરી શકાયા છે. હવે એક્સબીબી.૧.૧૬ વૅરિયન્ટનું ધ્યાન રાખવાનું છે. (એજન્સી)
—
કોરોનાના કેસમાં ચાર મહિના બાદ મોટો ઉછાળો
નવી દિલ્હી: કોરોના ઇન્ફેક્શનના એક દિવસમાં નોંધાતા કેસની સંખ્યા ૧૨૬ દિવસ પછી ફરી ૮૦૦નો આંકડો પાર કરી ગઈ છે. એ સાથે ઍક્ટિવ કેસીસની સંખ્યા ૫૩૮૯ પર પહોંચી હોવાનું કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ચોવીસ કલાકમાં કોરોનાના ચાર દરદી મૃત્યુ પામ્યા હતા. તેમાં કેરળમાં બે, ઝારખંડમાં એક અને મહારાષ્ટ્રમાં એક દરદીના મૃત્યુનો સમાવેશ છે.
શનિવારે સવારે ૮ વાગ્યે નોંધાયેલા ચોવીસ કલાકના આંકડા અનુસાર ૮૪૩ નવા કેસ નોંધાતાં કેસલોડનો આંકડો ૪,૪૬,૯૪,૩૪૯ અને કોરોનાના દરદીઓનો મરણાંક ૫,૩૦,૭૯૯ પર પહોંચ્યો હતો. ઍક્ટિવ કેસનો ૫,૮૩૯નો આંકડો કોરોનાના હાલના કુલ
દરદીઓની સંખ્યામાં ૦.૦૧ ટકા છે. રાષ્ટ્રીય સ્તરે કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૮૦ ટકા નોંધાયો છે. કોરોનાના સાજા થયેલા દરદીઓનો આંકડો વધીને ૪,૪૧,૫૮,૧૬૧ નોંધાયો છે. કોરોનાના દરદીઓનો મૃત્યુદર ૧.૧૯ ટકા છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર નોંધાયેલા આંકડા પ્રમાણે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે દેશના નાગરિકોને અત્યાર સુધીમાં ઍન્ટિ કોવિડ વૅક્સિનના ૨૨૦.૬૪ કરોડ ડૉઝ અપાયા છે. (એજન્સી)