(અમારા પ્રતિનિધિ તરફથી)
બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટે (બેસ્ટ) દક્ષિણ મુંબઈમાં મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી ફ્રી પ્રેસ હાઉસ વચ્ચે નવી એસી ઈલેક્ટ્રિક બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. શુક્રવારથી આ બસ સેવા ચાલુ થશે.
બેસ્ટ પ્રશાસનના કહેવા મુજબ દક્ષિણ મુંબઈમાં સીએસએમટીથી ફ્રી પ્રેસ જંકશન વચ્ચે બસ દોડાવવાની પ્રવાસીઓ સતત માગણી કરી રહ્યા હતા. તેથી ૧૭ માર્ચ, ૨૦૨૩ શુક્રવારથી સીએસએમટીથી ફ્રી પ્રેસ હાઉસ વચ્ચે નવી ઍરકંડિશન્ડ બસ નંબર એ-૧૦૦ ચાલુ કરવામાં આવી રહી છે.
આ બસ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ -ડૉ. દાદાભાઈ નવરોજી માર્ગ, હુતાત્મા ચોક-અહિલ્યાબાઈ હોળકર ચોક (ચર્ચગેટ), હુતાત્મા રાજગુરુ ચોક (મંત્રાલય), ફ્રી પ્રેસ જનરલ માર્ગ- ફ્રી પ્રેસ હાઉસ રૂટ પર દોડશે.
સીએસએમટીથી પહેલી બસ સવારના આઠ વાગે ઊપડશે અને સાંજે છેલ્લી બસ ૮.૪૫ વાગે ઊપડશે. જ્યારે ફ્રી પ્રેસ હાઉસથી સવારના પહેલી બસ ૮.૧૫ વાગે અને છેલ્લી બસ નવ વાગે ઉપડશે. સોમવારથી શનિવાર તેમ જ સાર્વજનિક રજાના દિવસે પણ આ બસ દોડાવવામાં આવશે.