Homeમેટિનીકોઈનો ટેકો લઈને ક્યારેય ઊભા ન થવું, પછી એ ટોણા માર્યા કરે...

કોઈનો ટેકો લઈને ક્યારેય ઊભા ન થવું, પછી એ ટોણા માર્યા કરે કે આને તો મેં ઊભો કર્યો છે

અરવિંદ વેકરિયા

ગત-સપ્તાહે જાણીતી સંસ્થા ખેલૈયાનાં જાણીતા નિર્માતા કિરણ સંપટનો ફોટો (મારી) ભૂલથી છપાયો હતો. એમની વાતનું અનુસંધાન આ લેખમાં છે, વાચકોની જાણ ખાતર !!!!!
તો,
બીજા દિવસે હું શૈલેશ દવેના રિહર્સલમાં પહોંચી ગયો. બધાએ હર્ષભેર મારું સ્વાગત તો કર્યું પણ મને ‘ગીલ્ટ’ ફિલ થતું હતું. મને, મારા માટે લખેલો રોલ દેખાવા લાગ્યો. (પદ્મારાણીના ફાધરનો.) સનત વ્યાસ છે જ અફલાતૂન કલાકાર. કદાચ રોલ એ જ કરત. પણ ત્યારે તેના પોતાના અન્ય કમિટમેન્ટ હતા જેને કારણે એ પાત્ર ભજવવું એના માટે શક્ય નહોતું. એટલે એ સહાયક દિગ્દર્શક તરીકે જોડાયો જેથી ‘જય કલા કેન્દ્ર’ સંસ્થાના પરિવાર સાથે જોડાઈ રહે, અને આમ પણ, અજીત-હરીશ શાહ સાથે પારિવારિક સંબંધ તો હતા જ, જે આજે પણ છે. આ દરમ્યાન આવ્યું મારા નાટકનું દિગ્દર્શન…એટલે પ્રોબ્લેમ મારો થયો.ભગવાનનું કરવું કે સનતનો પ્રોબ્લેમ ‘સોલ્વ’ થઇ ગયો. એટલે એ પાત્રનું ‘તિલક’ સનતના કપાળે થયું. મને ‘પરિવાર’ સાથે બાંધી રાખવા એક ‘કેમીઓ’ રોલ મારે માટે લખાયો. ( પછી તો એ રોલ સંજય ગોરડીયાએ પણ કર્યો.) દવે અને અજીત-હરીશે જીદ કરીને, મારી અનુકૂળતાને ધ્યાનમાં રાખી, મને પણ સામેલ કરી દીધો. મને આ વાતનો આનંદ તો જરૂર હતો, પણ સ્વાભાવિક રીતે નાટકમાં સંકળાયેલ દરેક કલાકારો રિહર્સલમાં રોજ હાજર રહે એ સિરસ્તો હતો જે હું જાળવી નહોતો શકતો, ‘ગીલ્ટ’ મને એ વાતનું હતું. મને મારા નાટકના દિગ્દર્શન કરવા માટે દવેએ આઝાદી આપી દીધી હતી. મને થતું હતું કે કાલે ઊઠીને કોઈ એવી વાતો ન થાય કે હું સંકોચ અનુભવું. મારો સ્વભાવ એવો કે બને ત્યાં સુધી કોઈનો ટેકો લઈને ક્યારેય ઊભા ન થવું, પછી ટોણાં માર્યા કરે કે .. ‘આને તો મેં ઊભો કર્યો છે.’ જો કે આ મારા સ્વભાવની વાત છે. મારા દિગ્દર્શનનાં કામમાં હું ઊભો જ ધીમે-ધીમે થઇ રહ્યો હતો. જો કે અંદર ખાને ઉપર જણાવ્યું એવો ‘ટોણો’ કોઈ મારશે નહિ એની ખાતરી તો હતી, પણ આતો રંગભૂમિની ન સમજાય એવી દુનિયા..(મારા માટે).
નિર્માતા કદાચ મને આવી સ્વતંત્રતા આપે, પણ જો દિગ્દર્શક કોઈ વાંધો ઉઠાવે તો શૈલેશ દવે જેવા નામી અને નીવડેલા દિગ્દર્શકની વાત નિર્માતાએ માનવી જ પડે.શક્ય છે, હું કદાચ માત્ર મારા નાટકનું દિગ્દર્શન જ કરતો હોત.દવેએ રંગભૂમિના અનેક ચઢાવ-ઉતાર જોઈ, પૂરા પારદર્શક વિચારો સાથે એમની કલમ અને નિર્દેશન ઉપરાંત કલાકાર તરીકે પણ નંબર-વન સ્થાપિત થઇ ગયેલા. અને મને ‘જય કલા કેન્દ્ર’
સાથે જોડી રાખવા, મારા દિગ્દર્શનના કામને આગળ વધારવા, એમણે જ આ રસ્તો કાઢ્યો હતો. એમની એક દિગ્દર્શક તરીકેની ધીરજને ‘સલામ’. મારા કામને સાચવી પોતાના શિડયુલને એડજસ્ટ કરી મને રોલ આપવા માટે એમની ધીરજ માટે ખરેખર માન જ ઊપજેને ! ખુશીથી ધીરજ મળે અને ધીરજથી ખુશી. ફરક સમજો, ખુશી થોડો સમય ધીરજ આપે, જ્યારે ધીરજ હંમેશાં ખુશી..આ વાત કદાચ દવે સારી રીતે સમજતા હતા. સામે પક્ષે હું પણ એટલો જ સમર્પિત રહેવા પ્રયત્ન કરતો. આજે કબૂલ કરું છું કે મેં એક દિગ્દર્શક તરીકે આવું ‘એડજસ્ટમેન્ટ’ ન ચલાવ્યું હોત. ખેર ! નવોદિત દિગ્દર્શક અને અનુભવી કલાવંત વચ્ચેનો જ આ ફરક હોઈ શકે.
દવે મારી સાથે મારા નાટકના પ્રોગ્રેસની વાતો પણ હોશથી પૂછતા. વાતમાં કોઈ દેખાડો કે ડિપ્લોમસી નહિ. સમય કાઢીને મારા નાટકની કથાવસ્તુ માટે પૃચ્છા કર્યા કરતા. માત્ર રિહર્સલમાં આવું ત્યારે જ વાત કરતા એવું નહિ, પણ મને પોરસ ચડાવવાનો અને ગીલ્ટ ન અનુભવું એનું ધ્યાન રાખી, સમય કાઢી અમુક સમયાંતરે ફોન પણ કર્યા કરતા. આ સમય પણ ગજબનો ઈતિહાસ ધરાવે છે, સાહેબ ! કોઈનો પસાર નથી થતો અને કોઈ પાસે હોતો નથી, પણ દવે બંને વાતમાં અપવાદ હતા. એમના નાટકમાં ગળાડૂબ હોવા છતાં મારા નાટકના હાલ પૂછવા સમય કાઢી ફોન કરતા રહેતા.
એ દિવસે મેં રિહર્સલ કર્યા. લખાણ બાબત તો હું એમનો ‘અકસ્માત’ નાટકથી ઓળઘોળ હતો જ. માત્ર હું જ નહિ, અન્ય પ્રેક્ષકો પણ હશે જ અને એટલે જ એ અવ્વલ હશે. એમના નામ પર નાટકની ટિકિટોનું બુકિંગ ખુલતા જ ‘પ્લાન’ ભરાઈ જતા. મેં મારા નાટક માટે ટાઈટલ શું રાખવું એ પૂછ્યું. મને કહે કે હું તને એક-બે દિવસમાં કહું છું.
મારા નાટકની કથાવસ્તુ— કોલગર્લ માટે મિત્રની ચઢામણી કારણભૂત. કિશોર ભટ્ટનું ભોળા વેપારીનું પાત્ર. કિશોર દવે એનો પાર્ટનર, મહા લંપટ.કિશોર ભટ્ટ પૈસા પાત્ર. પૈસા ક્યારેક એવા કામ પાછળ
ખર્ચી જીવનનો આનંદ માણતા શીખવું જોઈએ… આવી મિત્રની ચઢામણી. આવી ચઢામણીથી ચડી જઈ પત્નીની ગેરહાજરીમાં બોલાવવા એ ભોળું પાત્ર તૈયાર થઇ જાય છે…એવી વાત હતી.
દવે મને કહે, મેં જે આપણા નાટકનું ટાઈટલ રાખવાનું નક્કી કર્યું છે એ તારા નાટક માટે પરફેક્ટ છે પણ એ તો….ચિંતા ન કરતો. તારા માટે બે-ચાર સારા ટાઈટલ એક-બે દિવસમાં શોધી કાઢીશ.મારા નાટક માટે એમણે કેપ્શન સરસ આપી.. ચા હોય કે ચરિત્ર, જ્યારે પણ પડે છે તો ડાઘ જરૂર લાગે.
હું અભિભૂત થઇ ગયો. મેં તરત જ આ કેપ્શન કાગળ પર ટપકાવી લીધી. દવે મારી સામે જોઈ હસતા-હસતા બોલ્યા, અત્યારથી ક્યા લખવા માંડ્યો, એકવાર નાટકનું ટાઈટલ ફિક્ષ થાય પછી એને અનુરૂપ આપણે કેપ્શન રાખીશું. મેં કહ્યું લખી તો રાખું. આ તમને અચાનક સૂઝયું છે, ફરી પાછું હું ભૂલી જાઉં કે તમારા સ્મરણમાં ન રહે તો? એટલે ટપકાવી રાખવું સારું.
નિર્માતા હરીશ શાહ બાજુમાં હતા એ તરત બોલ્યા, દાદુની વાત સાચી છે..આ જુઓ. કહી એમણે પોતાના ખિસ્સામાંથી નાની ડાયરી કાઢી. પછી બોલ્યા, ‘હું સવારે ઘરેથી નીકળું ત્યારે આજે કયા કયા કામ કરવાના છે’ એની નોંધ આ ડાયરીમાં લખી લઉં. મુંબઈની ફાસ્ટ લાઈફની ભાગદોડમાં ભૂલી ન જવાય..તમે આટલી સારી કેપ્શન આપી તો દાદુથી રહેવાયું નહિ અને ટપકાવી લીધી.
મેં પણ હરીશ શાહની વાતમાં ટાપસી પુરાવી. મેં મારી લાગણી વ્યક્ત કરતા દવેને કહ્યું, કોઈ પણ ભોગે એવી વ્યક્તિને ખાસ સાચવી લેવી જેણે આપણને ત્રણ ભેટ આપી હોય, સાથ, સમય અને સમર્પણ. સાચવી લેવી એ કદાચ ભારે અથવા ખોટો શબ્દ છે પણ આ મારો તમારા પ્રત્યેનો અહોભાવ છે. મારો ખભો થાબડતા દવેએ કહ્યું, ચાલ હવે લેખક બનવાનું બંધ કરી રિહર્સલ શરૂ કરીએ
નાટકમાં પદમારાણી, સનત વ્યાસ, પ્રમથેશ મહેતા, અપરા મહેતા, ચન્ના રૂપારેલ વગેરે… અને લટકામાં હું, જે અપરા મહેતાના પતિના પાત્રમાં હતો.
રિહર્સલ શરુ કર્યા. થોડો સમય ચાલ્યા. ત્યાં રંગભૂમિના માંધાતા, જેમનો કારોબાર વાપીમાં હતો… એ પહેલા ઘણાં નાટકો એમણે મંચન કરેલા એક નિર્માતા તરીકે. પણ પછી વાપીમાં કારોબાર શરૂ કર્યો. એ આવીને શૈલેશ દવેને ભેટ્યા. રિહર્સલ ત્યાં અટક્યા. ઘણા કલાકારો એમને જાણતા હતા. મને દવે કહે, દાદુ, આમને મળ… આ છે કિરણ સંપટ..
હશે નસીબમાં તો ઈશ્ર્વર તું સામેથી આપીશ મને,
બાકી માનતાઓ માની મારે તને મજબૂર નથી કરવો. !
ડબ્બલ રીચાર્જ
નીલેશભાઈનાં બંને ગોઠણની ઢાંકણી બદલાવ્યા પછી..
હવે એ પોતાનું નામ અંગ્રેજીમાં લખે છે…
ઊંગઊઊકઊજજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular