વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર ઈઝરાયેલના પીએમ બનવા જઈ રહ્યા છે. બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગને ફોન કરીને દેશમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે અન્ય પક્ષો સાથે 38 દિવસ સુધી લાંબી વાતચીત બાદ ગઠબંધન માટે એક અભિપ્રાય બનાવવામાં આવ્યો છે. આ સાથે જ બેન્જામિન નેતન્યાહુ ફરીથી આરબ દેશોના કટ્ટર દુશ્મન ગણાતા ઈઝરાયેલ દેશના વડાપ્રધાન બનશે. આરબ દેશો સાથે ઈઝરાયેલની દુશ્મનાવટ જાણીતી છે. ઈઝરાયેલે 6 વખત આરબ દેશોને યુદ્ધમાં હરાવ્યા છે.
ઇઝરાયેલમાં વર્ષો સુધી, નેતન્યાહુ રાજકીય રીતે અજેય લાગતા હતા, પરંતુ વિવિધ પક્ષોના અભૂતપૂર્વ ગઠબંધન દ્વારા સત્તામાંથી હાંકી કાઢવામાં આવતા 2021માં તેમને કારમો ફટકો પડ્યો હતો. આ ગઠબંધનનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમને સત્તા પરથી હટાવવાનો હતો. 73 વર્ષીય નેતન્યાહુ પર 2019 માં લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારથી ઇઝરાયેલમાં રાજકીય મડાગાંઠ ચાલી રહી છે. નેતન્યાહુ ઇઝરાયેલના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન રહ્યા છે, તેમણે સતત 12 વર્ષ અને કુલ 15 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું છે. ગયા વર્ષે તેમને સત્તા પરથી હટી જવું પડ્યું હતું. હાલમાં બેન્જામિન નેતન્યાહુને સાથી પક્ષોનું સમર્થન મળી રહ્યું છે.
બેન્જામિન નેતન્યાહૂ જાન્યુઆરીની શરૂઆતમાં ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
લોકોના સમર્થન બદલ આભાર માનતા, બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેમની સરકાર તમામ ઇઝરાયેલી નાગરિકોના લાભ માટે કામ કરશે.