રોજ બરોજ -અભિમન્યુ મોદી
હવાઈ યાત્રા દરેક માનવીના જીવનમાં અનેરો આનંદ લઈને આવે છે. પરંતુ પ્લેન ક્રેશના વધતા બનાવોથી યાત્રા યાતનામાં પરિવર્તિત થઈ જાય છે, વિમાન વિનાશ લઈને આવે છે. નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સનું વિમાન એટીઆર-૭૨ પ્લેન ટેકરી સાથે અથડાયું અને ખાડામાં પડ્યું, ધડાકો થયો. એ બાદ તો જે બન્યું તેના વીડિયોઝ સોશિયલ મીડિયામાં દુનિયાએ નિહાળ્યા. માનવીએ પરિવહનના ૩ માર્ગ શોધી કાઢ્યા છે. દરિયો, આકાશ અને ભૂમિ. પરિવહનનું એક પણ માધ્યમ એવું નથી જેમાં સુરક્ષાની ખાતરી આપી શકાય. આ અકસ્માત કેમ થાય છે તેની ચર્ચા વ્યર્થ છે પરંતુ તેને અટકવવા માટે પગલાં કેમ નથી લેવાતા એ તો મુદ્દો ગંભીર છે. નેપાળમાં વારંવાર વિમાની દુર્ઘટના સર્જાય છે. છતાં નેપાળ સરકાર કોઈ ઠોસ પગલાં લેતી નથી. નેપાળ તો શું અમેરિકા કે બ્રિટન જેવી મહાસત્તા પણ સુરક્ષા બાબતે દુર્લક્ષતા દાખવે છે. આ યાદીમાં હિન્દુસ્તાન પણ સામેલ છે.
ભારતમાં એક દાયકા પહેલાં મિગ વિમાન તૂટી પડવાની ઘટનાઓ એટલી બધી વધી ગઇ હતી કે મિગ વિમાનને ફ્લાઇંગ કોફિન તરીકે ઓળખવામાં આવતાં. કેન્દ્ર સરકારે મિગ વિમાન તૂટી પડવાનાં કારણો શોધવા માટે તપાસ પણ નીમી હતી. લાખોના ખર્ચે તાલીમ લીધેલા મિગના પાઇલટ્સ તેમાં મૃત્યુ પામ્યા છે અને મિગ ઉડાવવું એટલે કોફિનમાં બેસવા બરાબર હતું. ૨૦૦૫થી ૨૦૧૫ સુધીમાં કુલ ૧૨ મિગ વિમાન ક્રેશ થયા હતા છતાં તેનું કારણ કે તારણ સામે આવ્યું નથી.
રવિવારે જે વિમાન ક્રેશ થયું તે વિમાન એટીઆર-૭૨, ૪૨ વર્ષ જૂનું હતું. ૧૯૮૧માં તેની રચના થઈ હતી અને ૧૦૦થી વધુ દેશની લગભગ ૨૦૦ એરલાઇન્સમાં વિમાન એટીઆર-૭૨ને સામેલ કરવામાં આવ્યું હતું. નેપાળના ઉડ્ડયન ઉદ્યોગમાં છેલ્લા ૩ દાયકામાં જોરદાર તેજી આવી હોવા છતાં અહીં બનતા વિમાન અકસ્માતમાં કોઈ ઘટાડો થયો નથી. નેપાળમાં છેલ્લા ૩૦ વર્ષમાં આ ૨૮મી વિમાન દુર્ઘટના બની છે.
૨૦૧૯માં કાઠમંડુ જઈ રહેલું એર ડાયનેસ્ટી કંપનીનું હેલિકોપ્ટર એક ટેકરી સાથે અથડાયું હતું. જેમાં નેપાળના પર્યટન મંત્રી રવીન્દ્ર અધિકારી અને ઉદ્યોગસાહસિક આંગ શિરિંગ શેરપા સહિત ૭ લોકો માર્યા ગયાં હતાં.૧૨ માર્ચ ૨૦૧૮ના રોજ, યુએસ-બાંગ્લા એરલાઇન્સનું ૭૬-સીટર વિમાન ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું, જેમાં ૫૧ લોકો માર્યા ગયાં હતાં. ફેબ્રુઆરી ૨૦૧૬માં પોખરાથી જોમસન જતું પ્લેન ટેકઓફ થયાના આઠ મિનિટ બાદ ગુમ થયું હતું, જેમાં ૨૩ લોકોનાં મોત થયાં હતાં. વિમાનનો કાટમાળ બાદમાં નેપાળના મ્યાગદી જિલ્લામાંથી મળી આવ્યો હતો.સપ્ટેમ્બર ૨૦૧૨માં સીતા એર ફ્લાઇટ ૬૦૧ ક્રેશ થતાં ૧૯ લોકોનાં મોત થયાં હતાં.
આ વર્ષની શરૂઆતમાં અહીં અન્ય એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં ૧૫ લોકોનાં મોત થયાં હતાં. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ, બુદ્ધ એરવેઝનું વિમાન ૧૯૦૦ડી લલિતપુરમાં ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ ૨૨ લોકો માર્યા ગયા હતા, જેમાં ૧૦ ભારતીય નાગરિકો હતા. ડિસેમ્બર ૨૦૧૦માં, તારા એરલાઈન્સનું એક વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ ક્રેશ થયું હતું. ત્રણ ક્રૂ મેમ્બર સહિત બોર્ડમાં સવાર તમામ ૨૦૨૨ લોકો માર્યા ગયા હતા. તે જ વર્ષે, અન્ય એક વિમાન દુર્ઘટનામાં ૧૪ લોકો મૃત્યુ પામ્યા હતા. નેપાળમાં સૌથી મોટી અને સૌથી ઘાતક વિમાન દુર્ઘટના જુલાઈ ૧૯૨૨માં થઈ હતી, જ્યારે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન કાઠમંડુ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ ૧૬૭ લોકો માર્યા ગયાં હતાં. આટલા ગંભીર બનાવ બાદ પીએન દુર્ઘટનાનો સિલસિલો યથાવત્ છે.
આ એજ વિમાન છે જેણે કુદરતી કે માનવ સર્જિત દુર્ઘટનાઓ સમયે થયેલા સામૂહિક સ્થળાંતરોમાં અનેક વિક્રમો સર્જાયા છે.૧૯૯૧માં ઇથોપિયામાં ભયંકર યુદ્ધ થયું ત્યારે ત્યાં વસતા યહૂદીઓનું સ્થળાંતર કરવા માટે ઇઝરાયેલે ઇથોપિયન સરકાર સાથે ગુપ્ત સમજૂતી કરી હતી.તે અંતર્ગત હાથ ધરાયેલા ઓપરેશ સોલોમન હેઠળ માત્ર છત્રીસ કલાકમાં ઇઝરાયેલી વિમાનોએ ૩૫ ઉડાન ભરી ૧૪૨૩૫ લોકોનું સ્થળાંતર કર્યું હતું. સામૂહિક સ્થળાંતરોની બાબતમાં ભારતના નામે પણ એક ગૌરવવંતો વિક્રમ આલેખાયો છે. ૧૯૯૧માં ઇરાકે કુવૈત ઉપર હુમલો કર્યો. ૭૦૦ ટેન્ક સાથે એક લાખ ઈરાકી સૈનિકો કુવૈતમાં ઘુસી ગયા હતા. કુવૈતમાં એ સમયે ૧.૭૦ લાખ ભારતીય નાગરિકો હતા. એ વખતે પણ ઇરાક અને જોર્ડને મદદ કરી. એ સમયે ૬૩ દિવસમાં ૪૮૮ ફ્લાઇટ દ્વારા ૧.૭૦ લાખ ભારતીયોનું સ્થળાંતર કરાયું. સૌથી વધારે નાગરિકોનું હવાઈ સ્થળાંતર કરવાની આ ભવ્ય સિદ્ધિ ભારતના નામે છે. છતાં આજે વિમાન અકસ્માત કોયડો બનીને રહી ગયા છે. વિશ્ર્વના અનેક સ્થળોએ વિમાન અકસ્માત થયા છે. દુર્ઘટના બાદ કોર્ટ કેસ થાય, દલીલબાજીમાં દાયકાઓ વીતી જાય અને ન્યાય મળે ત્યારે તો દિવંગતોના અડધા પરિજનો ખુદ દિવંગત બની ગયા હોય.
આધુનિક સુવિધાઓથી યુક્ત અને મોંઘા ભાડાં વસૂલતા આ વિમાન ક્રેશ કઈ રીતે થાય છે? શું તેમાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા જ નથી કે પછી પાયલટ પાસે નામની ડિગ્રી છે ઉડાનનો કોઈ અનુભવ જ નથી! આ વિમાન દુર્ઘટનાની તપાસમાં ફરી બ્લેક બોક્સનો મુદ્દો ઉછળ્યો છે. ‘બ્લેક બોક્સ’ એક એવું ડિવાઈસ જે દુર્ઘટના કેમ સર્જાઈ તેનો સંપૂણ ચિતાર આપે છે. કેટલી હાસ્યસ્પદ વાત કહેવાય કે અકસ્માત કેમ થયો એ જાણવાના સંસાધન દરેક રાષ્ટ્રમાં છે પરંતુ અકસ્માત નિવારવા માટેના સાધનોની શોધ હજુ પણ ચાલે છે અને કદાચ સદીના અંત સુધી ચાલતી જ રહેશે. ઓછું હોય તેમ વિમાન લેન્ડ થવાનું હોય ત્યારે અથવા તો ઉડાન ભારે એવા સમયે પણ બર્ડ હિટની ઘટના બને છે. ફ્લાઇટના તોતિંગ ભાડાં ચૂકવ્યા બાદ પણ મુસાફરોને શું મળે છે? સુવિધાના નામે ‘શૂન્ય’. ઉડ્ડયન મંત્રાલય યોજનાઓ બહાર પાડે છે પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ એક વાર પણ દેશના એરપોર્ટની મુલાકાતે નથી જતા. યુક્રેનથી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે પબ્લિસિટી એકઠી કરવા નેતાઓ પહોંચી ગયા પરંતુ અચાનક મુલાકત લઈને ઍરપોર્ટમાં ચાલતા ગોરખધંધાની તપાસ ન કરી શકે?
આજે તો ઍરપોર્ટ અને એસટી સ્ટેન્ડમાં કોઈ જ અંતર નથી રહ્યું. બન્નેમાં એક સરખી ભીડ થાય છે. નવી વાત તો એ છે કે જેને વ્હાઇટ કોલર પ્રવાસીઓ કહેવાય છે એવા લોકો વિમાનની અંદર ફેટમબાજી કરે ત્યારે આશ્ર્ચર્ય થાય છે. સામાન્ય સંજોગોમાં શાંત-સૌમ્ય દેખાતા અને વર્તતા મુસાફરો પોતાને પડેલી અગવડની દાઝ ઍરહોસ્ટેસ પર કાઢતા હોય છે. વારંવાર તેને બોલાવીને ક્ષુલ્લક પ્રશ્ર્નો પૂછીને મીઠો આનંદ લૂંટતા હોય છે. તેમાંય છેલ્લા બે મહિનામાં બનેલી કેટલીક આઘાતજનક ભારતીય પ્રવાસીઓ વિશ્ર્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ૨૭મી ડિસેમ્બરે બેંગકોકથી દિલ્હી જતા સ્માઇલ ઍરવેઝના વિમાનમાં પ્રવાસીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. એ બે મુસાફર વચ્ચેના ઝઘડામાં અન્ય પ્રવાસીઓ પણ હાથ હળવા કરવા લાગતા આકાશમાં ઊડતા વિમાનમાં રમખાણ ફાટી નીકળ્યું હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. તેના વીડિયો પણ વાયરલ થયા અને રીલ્સમાં રેકોર્ડ બ્રેક લાઈક પ્રાપ્ત કરી. આવા વીડિયો ને લાઈક પ્રતિબંધિત કરવા જોઈએ. તેમાંથી લોકમાનસમાં શિખામણ નહીં બર્બરતાનો જ ખ્યાલ ઉપજે છે.
આ મારામારી તો સમજ્યા પણ બીજી બે ઘટનાના કારણે ભારતીયોની વિશ્ર્વમાં સૌથી વધારે અસભ્ય પ્રવાસીઓ તરીકે બદનામી થઇ રહી છે. ૨૬મી નવેમ્બરે ન્યૂ યોર્કથી નવી દિલ્હીની ફ્લાઇટમાં શંકર મિશ્રા નામના મુસાફરે ૭૦ વર્ષની વૃદ્ધા પર લઘુશંકા કરી તે ઘટના ભારે ચકચારી બની. આ ઘટનાની શાહી નહોતી સુકાઈ ત્યાં છઠ્ઠી ડિસેમ્બરે પેરિસ નવી દિલ્હી ફ્લાઇટમાં વધુ એક પ્રવાસીએ મહિલા મુસાફરના બ્લેન્કેટ પર લઘુશંકા કરી હોવાનો બનાવ અખબારોમાં ચમક્યો. વિમાનમાં મારામારી, અભદ્ર વર્તન, ધમકી આપવી વગેરે ઘટનાઓ વારંવાર બનતી રહે છે. આવી બધી ઘટનાઓ માટે કહેવાની જરૂર નથી કે દારૂનું વધુ પડતું સેવન પણ કારણભૂત હોય છે. નશાની અસરમાં માણસ વિવેકભાન ગુમાવી દે છે. પરિણામે આવી શરમજનક ઘટનાઓ બને છે. તો નિયમ પાલન માટે કોને ટકોર કરવી જનતાને કે ઉડ્ડયન વિભાગને! વાયરલ વીડિયોથી પ્લેન ક્રેશ સુધીનો વિમાનનો ઇતિહસ એટલો વિવાદિત છે કે તેની ચર્ચા માત્રથી હવાઈ દુનિયાની હોશ ઉડાવતી ઘટનાઓ સામે આવે છે. લાખોના ખર્ચે બનેલા વિમાન પણ છકડાની જેમ ખોટકાઈ જાય તો શું કામનું? ક્યાં સુધી વિમાન યાંત્રિક ખામીને કારણે ક્રેશ થશે? શું ખામીનું નિવારણ ક્યારેય મળશે?