નેપાળના વડા પ્રધાન પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ના પ્રમુખ રબી લામિછાનેને નેપાળના ગૃહ પ્રધાન તરીકે પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યા પછી RSPએ રવિવારે દેશના શાસક ગઠબંધનમાંથી બહાર નીકળવાની ધમકી આપી હતી. આરએસપીના કેન્દ્રીય સભ્યો અને સાંસદોની સંયુક્ત બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લામિછાને (48) ગત વર્ષે નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં ચિતવન-2 બેઠક પરથી ચૂંટાયા હતા.
મળતી માહિતી અનુસાર 27 જાન્યુઆરીએ નેપાળની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમણે સંસદની સભ્યતા ગુમાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમણે સંસદીય ચૂંટણી લડવા માટે જે નાગરિકતા પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું તે અમાન્ય હતું. આવી સ્થિતિમાં તેમનું મંત્રી પદ અને પાર્ટી અધ્યક્ષનું પદ પણ જતું રહ્યું હતું, કારણ કે આ પદો પર રહેવા માટે વ્યક્તિનું નેપાળી નાગરિક હોવું જરૂરી છે. 29 જાન્યુઆરીએ, તેમણે ફરીથી નેપાળની નાગરિકતા મેળવી હતી અને તે પછી તેઓ પ્રચંડને મળ્યા હતા અને તેમને ગૃહ પ્રધાન તરીકે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી. પરંતુ વડા પ્રધાને તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
લામિછાને ગયા વર્ષે 26 ડિસેમ્બરે નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે પહેલા, તેમનો પક્ષ, આરએસપી, સંસદમાં ચોથા સૌથી મોટા દળ તરીકે ઉભરી આવ્યો હતો, તેણે સંઘીય ચૂંટણીમાં 20 બેઠકો જીતી હતી. આરએસપીની સેન્ટ્રલ કમિટીની સંયુક્ત બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લામિછાણેએ કહ્યું કે ભૂતકાળમાં પણ તેમને ઘણા વિવાદોમાં ફસાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ હંમેશા તેમાંથી બહાર આવવામાં સફળ રહ્યા હતા.
આરએસપીના ગઠબંધન સરકારમાંથી બહાર નીકળવાની ધમકીથી વડાપ્રધાન પ્રચંડના રાજકીય ભવિષ્ય સામે પણ હાલમાં અનિશ્ચિતતાના વાદળ છવાઇ ગયા છે.