નિઓમ શહેર-સૂચિત

વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ-હેમંત વાળા

સાઉદી અરેબિયાના રિયાધ શહેર નજીક દક્ષિણ-વાયવ્ય તરફ રાતા સમુદ્રના ૪૧ ટાપુઓના સમૂહ પાસે ૨૬,૫૦૦ ચો. કિ.મી.નો વિસ્તારમાં બનાવવામાં આવનાર નિઓમ શહેર વિશે થોડો વિચાર કરવો જેવો છે. કાચની બે સમાંતર ૨૦૦ મીટરના અંતરે આવેલા ૫૦૦ મીટર ઊંચી તથા ૧૭૦ કિ.મી. લાંબી દીવાલો વચ્ચેના આ સૂચિત શહેરને નગર-આયોજનના કેટલાંક મહત્ત્વના પ્રશ્ર્નોના જવાબ તરીકે લેખવામાં આવે છે, તો સાથે સાથે તેનાથી નવાં જ પ્રશ્ર્નો ઉદ્ભવવાની સંભાવન પણ તેટલી જ છે.
આ શહેરનું નામ નિઓમ પોતે જ અમુક બાબતો સ્પષ્ટ કરે છે. NEO અને M થી બનેલા આ શબ્દમાંNEO એ નવીનતાનો સૂચક છે, જ્યારે Mએ અરબી ભાષામાં ભવિષ્ય શબ્દનો પ્રથમ અક્ષર છે. આમ તો સન ૨૦૩૦માં જેની રચના પૂર્ણ થવાની હતી તેવાં આ શહેર પાસે જાણે માનવ-સમુદાયને ઘણી આશાઓ છે. ત્યાંના રાજવી પરિવારના સભ્ય દ્વારા સન ૨૦૧૭માં જ્યારે આ શહેરની પરિકલ્પના વહેતી મુકાઇ ત્યારથી અત્યાર સુધીમાં સમાજમાં કયાંક રોમાંચ તો ક્યાંક શંકાભરી નજર જોવા મળે છે.
એક અંદાજ પ્રમાણે આજના સમયે જ્યારે ૫૬ પ્રતિશત જેટલાં માણસો શહેરમાં વસવાટ કરે છે ત્યારે શહેરના આયોજન વિશે વધુ ગંભીરતા ઊભી થાય તે જરૂરી છે. આ સાથે આ માટે નવાં નવાં નગર આયોજનનાં વિચારોને પણ કયાંક પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવા જરૂરી છે. પ્રશ્ર્નો ઘણાં છે અને તે જટીલ પણ છે.
નગર આયોજનને અસર કરતાં પરિબળો પરસ્પર એ રીતે સંકળાયેલા છે કે તેમનો એકાકી ઉત્તર શકય નથી. આવાં પ્રયત્નો વધારે સારી આવતીકાલ માટે હોય છે.
નિઓમના મુખ્ય વિકાસ અધિકારી એન્ટોની વીવ્સના જણાવ્યા પ્રમાણે આશરે ૯૦ લાખ લોકોનો સમાવેશ કરી શકે તેવું આ શહેર ૩૪ ચો.કિ.મી.નો જમીનનો વિસ્તાર રોકશે. ને કાચની બે સમાંતર દીવાલો વચ્ચે બનાવાશે, જેની બહારની સપાટી આજુબાજુની કુદરતની પરિસ્થિતિને પ્રતિબિંબિત કરશે. તેની લંબાઇ આમ તો ૧૭૦ કિમી છે, પણ એન્ટોનીના જણાવ્યા પ્રમાણે આ શહેરમાં હાઇ સ્પીડ રેલવે ચાલશે જેનાથી એક છેડાથી બીજા છેડા વચ્ચેનું અંતર, માત્ર ૨૦ મિનિટમાં કાપી શકાશે.
આ એક સ્માર્ટ શહેર હશે જેમાં અન્ય શહેરોની જેમ જ મનોરંજનના, રમતગમત માટેના, શિક્ષણ તથા વહીવટ માટેના સ્થાનો હશે. આ સાથે આ શહેર રાતા સમુદ્ર પાસે બનાવવાનું હોવાથી તેમાં બંદર તથા તેને સંલગ્ન વ્યવસાય માટે સગવડતા પણ પ્રયોજાશે. વળી બાગ-બગીચા-પ્રવાસન સ્થાનો જેવી બાબતો તો ખરી જ. ટૂંકમાં જે અન્ય શહેરોમાં હોય છે તે અહીં પણ હશે. નજીકમાં એક અત્યાધુુનિક હવાઇ મથક પણ સૂચિત છે.
આ શહેર શતપ્રતિશત સૂર્ય, હાઇડ્રોજન તથા પવન ઊર્જાથી સંચાલિત
હશે. અહીં બધું જ નિયંત્રણ ડિજિટલ ટેક્નિકથી થશે. અહીં બાંધકામની
શૈલી પણ અત્યાધુનિક હશે જે ૩,૮૦,૦૦૦ જેટલી રોજગારની તકો ઊભી કરશે તેવો અંદાજ છે. એમ મનાય છે કે તેમાં ૫૦૦ બિલિયન ડૉલરનું
રોકાણ કરાશે. આ નગરની રચના ૨૦૦ મીટર સમાંતર કાચની દીવાલો વચ્ચે કરવાની હોવાથી તેના રેખાકિયતા મહત્ત્વની બની રહેશે; જે અમુક પ્રશ્ર્નો પણ ઊભાં કરશે.
પ્રશ્ર્નો ઘણાં છે. સૌપ્રથમ તો ૧૭૦ કિ.મી.ની લંબાઇ જ પ્રશ્ર્ન છે. આ અંતર અમદાવાદથી ભરૂચના અંતરથી થોડું ઓછું થાય. આટલું લાંબુ શહેર અને તે પણ માત્ર ૨૦૦ મીટર પહોળું. આમ તેની લંબાઇ અને
પહોળાઇનો ગુણોત્તર ૮૫૦:૧નો થાય. શું આ બાબત વિચિત્ર નથી
જણાતી! અમે તેમાં પણ જો એમ દાવો થતો હોય કે એક છેડેથી બીજા છેડે માત્ર ૨૦ મિનિટમાં પહોંચી શકાશે તો શું ટ્રેનની ઝડપ કલાકે ૫૦૦ કિ.મી.થી
વધુ હશે. તેમાં પણ વચ્ચે સ્ટેશનો આવશે? કાચની “મજબૂત દીવાલો
વચ્ચે ૫૦૦-૬૦૦ કિ.મી.ની ઝડપે ટ્રેન દોડે ત્યારે તેના કંપનની અસરો
કેવી રહેશે.
આ શહેર માટે ઊડતી કારનો પણ ક્ધસેપ્ટ છે. જો આયોજન પ્રમાણે આ શહેર સૂચિત સમય રેખામાં તૈયાર થઇ જાય તો શું તેટલા સમયમાં ઊડતી કારનું ઉત્પાદન શરૂ થઇ ગયું હશે! અને માત્ર ૨૦૦ મીટર પહોળાઇવાળા આ શહેરમાં આવી ઊડતી કારનો વિચાર કેટલો વ્યવહારુ ગણાય! અહીં તો આ નગર માટે કૃત્રિમ ચંદ્ર બનાવવાનું આયોજન પણ છે.
રણ પ્રદેશ જ્યાં સાચા ચંદ્રને તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં માણી શકાય
ત્યાં કૃત્રિમ ચંદ્રની કલ્પના થોડી “પર્યાવરણની દૃષ્ટિએ અસ્વિકાર્ય
નથી જણાતી? અને આ શહેર તો પર્યાવરણના જતનની તો ખૂબ ખૂબ વાતો કરે છે.
શહેરની બહારની કાચની દીવાલોમાં જે આજુબાજુની કુદરતી પરિસ્થિતિનું પ્રતિબિંબ ઝીલી પર્યાવરણ-કુદરતને માણવાની વાત છે તે પણ ક્યાંક દંભી લાગે છે. ત્યાંના ડુંગરાળ વિસ્તારમાં ડુંગર સામે દર્પણ મૂકી તે દર્પણમાં ડુંગરને માણવાની શી મઝા! અને તે પણ એ જાણી લીધાં પછી કે આ પ્રતિબિંબ માત્ર છે. હકીકતમાં તો આ કાચની “સખત દીવાલ બહાર અને અંદરના સ્થાનોને સાવ જ અલગ પાડી દે; બધી જ રીતે.
અહીં માનવીય સંબંધોમાં પણ પ્રશ્ર્નો થાય. ૧:૮૫૦ના ગુણોત્તરવાળા શહેરમાં અમુક લોકો વધારે પડતાં નજીક આવી જાય તો અમુક અનિચ્છનીય માત્રામાં દૂર જતાં રહે. આ બાબત વ્યવહારમાં તો પ્રશ્ર્નો ઊભા કરે જ પણ તેનાથી મનોવૈજ્ઞાનિક પ્રશ્ર્નો પણ ઊભા થાય. શહેર આયોજન એ માત્ર ઉપયોગિતા માટેનું પ્રકરણ નથી. તેમાં માનવીય સંવેદનાઓને પણ હકારાત્મક પ્રતિભાવ સામેલ કરવો પડે. આવા સાંકડા તથા લાંબા શહેરમાં નવાં જ પ્રકારના સામાજિક પ્રશ્ર્નો ઊભા થાય જેમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સમીકરણને
નુકસાન પહોંચે.
ઇતિહાસ સાક્ષી છે કે શહેર-નગર-માનવ વસાહત એ કુદરતી રીતે આકાર પામતી ઘટના છે. તેના પર આક્રમક જબરદસ્તી જોખમી ગણાય. અને તેથી જ કદાચ આ પરિકલ્પનાનું અમલીકરણ લગભગ ટળાતું જાય છે. છતાં પણ ચર્ચા તો થવી જ જોઇએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.