Homeઈન્ટરવલનથી જેલ કે નથી ઝેર જિંદગી, જીવતાં આવડે તો લહેર છે જિંદગી

નથી જેલ કે નથી ઝેર જિંદગી, જીવતાં આવડે તો લહેર છે જિંદગી

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

આજથી પાંચ દિવસ પહેલા ઠાકોરજીના લગ્ન યોજાઈ ગયા. માતા તુલસીજી સાથે ભગવાન શાલિગ્રામનો લગ્નોત્સવ યોજાઈ ગયો.જેને ‘તુલસી વિવાહ’ તરીકે આપણે સૌ જાણીએ છીએ. ઠાકોરજીના લગ્ન બાદ દુન્યવી લોકો લગ્નોત્સવનાં આયોજનો કરતા હોય છે. લગ્નો તો યોજાતા રહેશે પણ, આજકાલ લગ્ન વિચ્છેદની ઘટનાઓ છાસવારે બનતી જોવા મળે છે.
એક જમાનો હતો કે પુરુષ કે સ્ત્રી પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટે સ્વતંત્ર નહોતા. પોતાનાં મા બાપ કે વડીલો જે જીવનસાથી નક્કી કરે ત્યાં જ પરણવાનું ફરજિયાત હતું.અરે ઘણી વખત તો મા બાપ બાળક ગર્ભમાં હોય ત્યારે અર્થાત બાળકના જન્મ પહેલાં જ સગાઈ કરી નાખતા. જે બાબત ‘પેટે ચાંદલા કરવા’ તરીકે ઓળખાતી. આ બે બાળકોમાં જો બંને દીકરા જન્મે કે જો બંને દીકરી જન્મે, તો આ સગપણ ફોક થતું.અન્યથા સગપણ પાક્કું ગણવામાં આવતું.કહેવાનું તાત્પર્ય કે, આવી રીતે શરૂ થતો સંસાર પણ ચાલતો.નભી જતો. ન તો કોઈ પસંદગી હતી કે, ન તો કોઈ અવકાશ! તેમ છતાં જે જીવનસાથી મળે તેમાં જીવન વ્યતીત કરી લેતા અને ગૃહસ્થાશ્રમ ખૂબ જ સુવાસ ભર્યો ચાલતો પણ ખરો. અરે, એવા દંપતીઓ જોવા મળ્યા છે, કે પુરુષ ક્લાસ વન દરજ્જાના અધિકારી હોય અને પત્ની અક્ષર જ્ઞાન પૂરતું જ ભણેલી હોય, તેમ છતાં કોઈ લગ્ન વિચ્છેદ થયા હોય,એવું ક્યારેય જોવા મળ્યું નથી. એવા ઘણાં પૂર્વસુરીઓ કે મહા પુરુષો થઈ ગયા કે જે બંને યોગ્યતાની દૃષ્ટિએ અસમાનતા ધરાવતા હતા. તેમ છતાં પોતાનો સંસાર હૂબહૂ રીતે પાર પાડ્યો છે. ક્યારેય કોઈ ફરિયાદ કરવામાં આવતી નહીં. પોતાની યોગ્યતા મુજબનું પાત્ર સામે છે કે નહીં, તે બાબતે પણ કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર સંસાર નભાવી લેવામાં આવતો. જાણીતા હાસ્ય કલાકાર સાઈરામ દવે કટાક્ષમાં કહે છે, તેમ બંધ બાજી રમતાં તો પણ સંસાર સુખેથી નભી જતો !
હાલમાં તો મોટા ભાગના લગ્ન પસંદગીથી થાય છે. જીવનસાથી પસંદ કરવામાં મા-બાપનો રોલ આઈસોલેટ જ રહે છે. મોટા ભાગના લગ્ન તો પ્રેમ લગ્ન જ હોય છે અથવા પસંદગીથી કરેલા હોય છે. વેવિશાળ થતાં પહેલાં વર અને ક્ધયા બંને અનેક વખત મળી ચૂક્યા હોય છે. એકબીજાના વિચાર, રુચિ અને વલણ જાણી લીધા હોય છે. અનેક વખત ડેટિંગ પર જઈ આવ્યા હોય છે.તેમ છતાં આજે છૂટાછેડાના પ્રશ્ર્નો છાશવારે બનવા લાગ્યા છે. ઘણા લગ્ન તો બે પાંચ મહિના પણ ટકતા નથી. ઘણી વખત નાની નાની વાતોમાં પતિ કે પત્ની આપઘાત પણ કરી લેતા હોય છે. કોણ જાણે કેમ નાની નાની વાતોમાં વિવાદ સર્જાય છે. આવું કેમ બને છે? આવી ઘટનાઓ જોઈ એવું લાગે કે આ લોકોએ શું જોઈને પસંદગી કરી હશે? માત્ર રૂપ જોઈને લગ્ન કર્યા હતા? માત્ર શરીર ભૂખ સંતોષવા લગ્ન કર્યા હતા? માત્ર વાસના સંતોષવા પૂરતો જ સંસાર માંડવાનો હેતુ હતો? સહનશક્તિ બિલકુલ ખલાસ થઈ ગઈ હોય એવું દેખાય છે. આ સમસ્યા પાછળ ગંભીર વિચાર કરવાનો સમય પાકી ગયો છે. સમાજશાસ્ત્રીઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ આ બાબતે ચિંતન કરવા જેવું છે.
સામાજિક રીતે પુરુષો લાગણીની બાબતમાં ઓછા સજાગ હોય છે.તેના કારણે પત્નીને એવું લાગતું હોય છે કે ઘરમાં ભાવનાત્મક બાબતોનો બોજ પોતાના ઉપર જ છે. મહિલાઓ ભાવનાત્મક બાબતોને વધુ મહત્ત્વ આપતી હોવાને કારણે સંબંધોમાં ઉષ્મા અને લાગણીનો અભાવ તરત સમસ્યા રૂપ બને છે. મહિલાએ સંબંધમાં સંવાદ અને સહાનુભૂતિની મુખ્ય ભૂમિકા પોતાની હોવાનું માની લીધેલું હોય છે, એટલે આવી ઊણપ જ્યારે વર્તાય ત્યારે તેનો મુદ્દો ઉપસ્થિત કરવામાં પણ મહિલાએ જ પહેલ કરવાની થતી હોય છે.તેના કારણે જ આખરે વાત સંબંધોના વિચ્છેદ સુધી પહોંચતી હોય છે. સંતાનો સંભાળવાની જવાબદારી પણ સ્ત્રીઓની જ હોવાથી વર્કિંગ વુમન ઉપર વધુ બોજો આવે છે. વર્કિંગ વુમનને ત્રિપાંખિયો જંગ ખેડવો પડે છે. બાળકોનો ઉછેર કરવાનો, ઘરના તમામ કામ કરવાના અને નોકરી પણ કરવાની.આવા સમયે આવી મહિલાઓ સ્ટ્રેસ – તાણનો અનુભવ કરતી હોય છે. આવા પરિવારમાં પુરુષ પણ જો પોતાની જવાબદારી સમજી મહિલાને કામકાજમાં મદદરૂપ થાય તો સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે.
સુખી લગ્નજીવન જીવવા માટે પત્ની સાથે પ્રેમ અને પ્રશંસા ભર્યો વ્યવહાર કરવો જોઈએ. આવું કરવામાં વાંધો શું હોય છે? પત્નીના નાના-મોટા કામના વખાણ કરો. પત્નીએ બનાવેલી રસોઈના વખાણ કરો, પરંતુ કમનસીબી એ છે કે પુરુષ આવું કરી શકતો નથી. પુરુષનો અહમ ટકરાય છે. ઈગો હર્ટ થાય છે. ધણીપણું સતત લલકાર્યા કરે છે. અને તેથી જ પુરુષ એવું નથી કરી શકતો. ઉપર વાત કરી એમ જો મિત્ર ભાવ દાખવીએ તો એ કરવું અઘરું નથી. પતિ-પત્નીએ મિત્ર બનવાનું છે. મિત્રતામાં નાના મોટાનો ભેદ જ નથી હોતો. ઘરમાં બન્નેનો વ્યવહાર સુમેળ ભર્યો હોવો જોઈએ.પત્નીને એવું લાગવું જોઈએ કે તમારા જેવા પતિ ક્યારેય નહીં મળે અને પતિને એવું લાગવું જોઈએ કે એમના જેવી પત્ની મને ક્યારેય નહીં મળે.જ્યારે આવું થશે ત્યારે તમારું લગ્ન જીવન મહેકી ઊઠશે.
નોકરીમાં જેમ દરેક વ્યક્તિની પોતાની ડ્યૂટી ફિક્સ કરેલી હોય છે. આ ફિક્સ કરેલી ડ્યૂટીની સીમા રેખામાં દરેક વ્યક્તિએ કામ કરવાનું હોય છે.પોતાની ફરજ બજાવવાની હોય છે. આવું જ કંઈક જો ગૃહસ્થાશ્રમમાં અપનાવવામાં આવે તો ઘર સંસાર ખૂબ સારી રીતે ચાલી શકે. લગ્ન જીવનની જવાબદારીઓની ભેદરેખા આપણે ન જાળવી શકીએ ? એક વખત એ સ્પષ્ટ થઈ જાય કે કોના ડિપાર્ટમેન્ટમાં શું આવે. પતિએ કરવાના કામ અને પત્નીએ કરવાની કામગીરીની વહેંચણી થઈ જાય. ત્યારબાદ એ મુજબ જ બંને પોતપોતાના કાર્ય ક્ષેત્રમાં જ રહે, તો એવું ચોક્કસ કહી શકાય કે મોટાભાગનો કંકાસ ટળી જતો હોય છે. હા, એવું થઈ શકે કે એકબીજાના ડિપાર્ટમેન્ટમાં મદદની જરૂર જણાય કે પછી કોઈ સલાહની જરૂર જણાય તો ચોક્કસ આવી મદદ કરી શકાય કે સલાહ આપી શકાય. જો આમ વર્તવામાં આવે તો નથી લાગતું કે કોઈ વિવાદ સર્જાવાની નોબત આવે.
મધુર દામ્પત્યમાં પતિ પત્નીએ અન્યોન્ય વફાદારીપૂર્વક વર્તવું એ સફળ દામ્પત્યની પૂર્વ શરત છે. જો એક બીજા પ્રત્યે વફાદારી જ ના દાખવે તો દામ્પત્યમાં તિરાડ પડતા વાર નથી લાગતી. આજકાલ દામ્પત્યમાં બનતા છૂટાછેડાના બનાવોમાં મોટા ભાગના કિસ્સા આવા જોવા મળે છે. પતિ કે પત્ની પોતાના પૂર્વ પ્રેમી સાથેના વ્યવહારો ચાલુ રાખે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાંધે કે પછી લગ્ન બાહ્ય સંબંધ રાખે, કે પછી પુરુષ પોતાના કોઈ નાણાકીય વ્યવહાર છુપાવે. જ્યારે આવું બને છે,ત્યારે પરસ્પર વિશ્ર્વાસ તૂટી જતો હોય છે. જે તૂટેલો વિશ્ર્વાસ ઘર સંસાર તોડવા સુધી આગળ વધી શકે છે. સંસારમાં વિશ્ર્વાસ ખૂબ જરૂરી હોય છે.
પતિ કે પત્ની વચ્ચે સ્પર્ધા થાય અથવા તો અન્ય કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરવામાં આવે તો દુ:ખની શરૂઆત થઈ જાય છે. ઘણા પતિ અન્ય સ્ત્રીઓ સાથે પોતાની પત્નીની સરખામણી કરે છે. પેલી સ્ત્રી આવી સુંદર છે. આવું સરસ ગાતા આવડે છે. આવી રસોઈ બનાવતા આવડે છે. વગેરે વગેરે … જ્યારે પત્ની આવું સાંભળે છે, ત્યારે તે સહન કરી શકતી નથી અને દુ:ખની શરૂઆત થાય છે. આવી જ રીતે પત્નીએ પણ પોતાના પતિની સરખામણી અન્ય પુરુષ સાથે ન કરવી જોઈએ. પેલાનો આટલો પગાર છે. થોડા સમયમાં કેટલી પ્રગતિ કરી. એ તો કેવો હેન્ડસમ છે. પતિ કે પત્નીએ ક્યારે ય પણ અન્ય પુરુષ કે સ્ત્રી સાથે સરખામણી કરાય જ નહીં. એવું બનશે તો જ તમારું દામ્પત્ય મધુર બની રહેશે. વગેરે વગેરે. આ બાબતે દીકરીના મા બાપે પણ દીકરીને સાસરે વળાવતા પહેલા આવી સમજણ આપવાની જરૂર જણાય છે. દીકરી નાની નાની વાતમાં માતાને ફોન કે મેસેજ દ્વારા ફરિયાદ કર્યા કરે છે. આવા સમયે માતાએ ફરિયાદ સાંભળવાને બદલે દીકરીને સમજણ આપવાની હોય છે. દીકરીના પિયરમાં ખૂબ સુખ સાહ્યબી હોય, ને પતિનું ઘર સરખામણીમાં ઓછું અદકું હોય, દીકરી પિયારમાં સુખમાં ઉછરી હોય, કામકાજ કરવું ન પડ્યું હોય, તો દીકરી કામકાજ કરતી થાય, પરિસ્થિતિ નભાવતા શીખે, એવું ડહાપણ દીકરીના મા બાપે આપવું જોઈએ. આજે આવી સરખામણીના ભોગે પણ ઘણાં લગ્ન વિચ્છેદ થઈ રહ્યાં છે.
સંસારમાં સમસ્યાઓ તો ઉદભવતી જ રહેવાની. પતિ પત્ની વચ્ચે મતભેદો તો થયા જ કરવાના. કહેવાય છે ને કે ‘ઘર હોય ત્યાં વાસણ ખખડે પણ ખરા!’ આવા સમયે સમસ્યાને વધારે ખરાબ સ્વરૂપ આપવાને બદલે સમસ્યાને હલ કરવામાં જ સમજદારી રહેલી છે. સમસ્યાને ઘરની ચાર દીવાલો પૂરતી સીમિત રાખવી જોઈએ. જ્યારે જીવનસાથી ક્રોધિત થાય ત્યારે શાંતિપૂર્ણ વલણ અપનાવવું જોઈએ. ક્લેશ તો ન જ હોવો જોઈએ. જો તેઓ ક્રોધ કરે અને સામા પક્ષે તમારાથી પણ ક્રોધ કરવામાં આવે તો ભડકો થતાં વાર ન લાગે. આવા સમયે એક વ્યક્તિએ શાંત થઈ જવું પડે. કોઈ કેરોસીન કે પેટ્રોલ લઈ આગ લગાડવા આવે, ત્યારે આપણે પણ સામે કેરોસીન કે પેટ્રોલ લઈને જઈએ તો આગ વિકરાળ રૂપ ધારણ કરે.આવા સમયે આપણે કેરોસીન કે પેટ્રોલ લઈને ન જવાય. આપને પાણી લઈને જવું પડે. તો જ આગ શમી જાય.
મધુર દામ્પત્યમાં એડજસ્ટમેન્ટ અર્થાત અનુકૂલન ખૂબ જ જરૂરી હોય છે. પતિ અને પત્નીએ સાથે મળીને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. જયારે માણસને એક હાથમાં દુખાવો હોય ત્યારે કોઈને કહ્યા વગર બીજા સારા હાથથી દુ:ખતા હાથમાં મસાજ કરી શકે છે. આવું જ કંઈક ગૃહસ્થાશ્રમમાં થઈ શકે. એડજસ્ટમેન્ટથી બધું થઈ શકે. કલેશથી કાંઈ પ્રાપ્ત ન થઈ શકે.ક્લેશ કોઈને ગમતો નથી. તેમ છતાં થઈ જાય છે. સામેની વ્યક્તિ અડગ રહે છે. પક્કડ રાખે છે, તો આપણે પક્કડ છોડી દેવી જોઈએ. બંને વ્યક્તિ સામ સામે પક્કડ રાખે તો વાત વણસી જાય છે. બંને વ્યક્તિ સામસામે દોરી ખેંચે તો દોરી તૂટી જાય છે. એક વ્યક્તિએ દોરી ઢીલી મૂકવી પડે.
દરેક વ્યક્તિના ઇન્ટરેસ્ટ જુદા જુદા હોવા એ સ્વભાવિક છે. ઇન્ટરેસ્ટ અલગ અલગ હોવા એ કુદરતી બાબત છે. આવા સમયે શું કરીએ તો ગમતી પ્રવૃત્તિનો આનંદ માણી શકીએ? સંસારમાં પણ એકબીજાના ઇન્ટરેસ્ટ બદલ્યા વગર એક એવી નાની ચાવી વાપરો કે જેથી અન્યોન્ય ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. એક વ્યક્તિને બહાર જવું ગમતું હોય. બીજી વ્યક્તિને ઘરમાં રહેવું ગમતું હોય, ત્યારે થોડા દિવસ બહારના પ્રોગ્રામ બનાવી શકાય. થોડા દિવસ ઘરમાં રહેવાના પ્રોગ્રામ બનાવી શકાય. રસોઈ બાબતમાં પણ બધાની રુચિને ન્યાય મળે એવો રસ્તો કાઢી વ્યંજનો બનાવવા જોઈએ, તો બધા આનંદ માણી શકે.
ઘર સંસારમાં એકબીજાને સંબોધન કરવામાં આવે ત્યારે એવી રીતે બોલવું જોઈએ કે સામેની વ્યક્તિમાં ઉશ્કેરાટ ઉત્પન્ન ન થાય.આવું બોલવાથી ક્લેશ ઉત્પન્ન થાય છે.એટલું જ નહીં બલકે બાળકો પર પણ અવળી અસર ઉત્પન્ન થાય છે.બાળકોની હાજરીમાં જો પુરુષ કે સ્ત્રી એલફેલ શબ્દનો પ્રયોગ કરે,કે મારઝૂડ કરે તો બાળકો પર ઘેરી અસર પડતી હોય છે.
આ જગતમાં સારું ખોટું ગણવા જેવું જ નથી. જે રૂપિયો ચાલ્યો એ સાચો અને જે રૂપિયો ના ચાલ્યો એ ખોટો. મહત્ત્વનું એ છે કે લગ્ન જીવન કલેશ વગર જીવો!
લગ્ન એ ગૃહસ્થ જીવનની કઠિન જવાબદારી ઉપાડવાની શરૂઆત છે. પરસ્પર દિવ્ય પ્રેમ વડે એકબીજાના પૂરક થઈને, શક્તિનો વિકાસ કરીને જીવનમાં ઉપસ્થિત થતી સમસ્યાઓ અને પ્રાપ્ત થતી સુખની ક્ષણોમાં અતુલ ભાગીદાર બની રહો, એ જ તો છે ગૃહસ્થ જીવનની ધન્યતા! લગ્ન તો છે, પુરુષના કર્તૃત્વ અને સ્ત્રીના સમર્પણનું સુભગ મિલન. પુરુષ એ ગદ્ય હશે તો સ્ત્રી પદ્ય છે. આ ગદ્ય-પદ્ય સંગ્રહનું નામ જ છે, જીવન! લગ્ન એ તો સહિયારી ભાગીદારીનો ચોપડો છે. આ ચોપડામાં ઉધાર પાસું વધી ન જાય, તેની સતત દેખરેખ રાખવી પડે છે.
પત્ની જ્યારે એવું કહે કે બાવીસ સો રૂપિયાની સાડી લાવી આપો. વાસ્તવમાં ત્રણ સો રૂપિયાની સાડી લાવી આપવાની પણ સગવડ ન હોય તો શું કરવું? પાંચ હજાર રૂપિયાની આવક હોય તો એક હજાર રૂપિયા રાખીને ચાર હજાર રૂપિયા પત્નીને આપી દેવા. ઘરનો આર્થિક વ્યવહાર પત્ની ચલાવે. આવું બનશે તો એ સામે ચાલીને સાડી લેવાનું માંડી વાળશે!

RELATED ARTICLES

Most Popular