Homeલાડકીયુવાનીમાં વિહરતી ‘યુવતી’ઓની આહાર પ્રત્યે અવગણના...

યુવાનીમાં વિહરતી ‘યુવતી’ઓની આહાર પ્રત્યે અવગણના…

સવારે ઊઠતાંવેંત લેવામાં આવતા પીણાથી લઇને, ઊંઘતાં પહેલાં સુધી લેવામાં આવતું દરેક ભોજન કેટલું, કેમ, ક્યારે અને કેવી રીતે લેવું જોઈએ એનો ખૂબ જ ખ્યાલ રાખવો જરૂરી છે

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ઉંમર વધવી, ઘરડા થવું, ધીરે ધીરે યુવાનીનો જોમ, જુસ્સો ગુમાવતા જવું એ એક ના રોકી શકાય એવી ઘટના છે. તરુણાવસ્થાને આવજો કહીને બારણું વાસો કે નહીં, યુવાની ગૃહપ્રવેશ કરી જ લેશે. અને એ સાથે જ આળસ, થાક, નીરસતા, ઉદાસી, સ્થૂળતા આવું ઘણુબધું અણગમતું પણ બાકાયદા તમારા જીવનનો ભાગ બની જશે, પરંતુ એનો મતલબ એવો જરાપણ નથી કે, તમારી પાસે આ બધાને કાઢી મૂકવાનો કોઈ રસ્તો નથી. બારણું વસાયેલું છે તો શું થયું? ડોકાબારી તો ખુલ્લી છે જ. થોડા મજબૂત મનોબળ અને મનોયુદ્ધ પછી આ વણકહ્યા મહેમાનોને યુવાનીમાં જાકારો આપવો અઘરો નથી.
ત્રીસીનો તરવરાટ અને ટીન એઈજની તાજગી અનુભવવા માટે સ્વાસ્થ્યનું મેઇક ઓવર કરવું પડે. જેનો મુખ્ય આધાર જો કોઈ હોય તો એ છે આહાર. આહાર અને આરોગ્ય એ એક સિક્કાની બે બાજુઓ છે. યીન અને યાનની માફક એકબીજામાં ગૂંથાયેલી અને એકબીજાને અર્થપૂર્ણ અસ્તિત્વ આપતી બે અલગ અલગ વસ્તુઓ. આપણે ત્યાં ઘણી કહેવતો, માન્યતાઓ, ગેર માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને શ્રદ્ધાઓ આહાર તેમ જ આરોગ્ય સાથે વણાયેલી છે. ક્યારેક આપણે મૂંઝાઈ જઈએ એટલી હદે અલગ અલગ સલાહો તેમ જ સૂચનો વિષય નિષ્ણાતો, અનુભવીઓ, સલાહકારો તેમ જ ડોશીશાસ્ત્ર ને શાસ્ત્રમાં માનનારાઓ દ્વારા આપવામાં આવતી હોય છે. કઈ વાત માનવી, કઈ વાત અનુસરવી અને કઈ અનુભવવી એના ત્રિભેટે અટવાતા આપણે અંતે બધું જ અનુસરવાનું કે વિચારવાનું બંધ કરી દેતા હોઈએ છીએ.
આહાર કે ખોરાક એ આપણા જીવનનો ખૂબ અગત્યનો ભાગ છે. જે આપણને પોષણ તેમ જ શક્તિ આપે છે. જેની મદદથી આપણે આપણી રોજિંદી ક્રિયાઓ કોઈ જ પ્રકારની રુકાવટ વગર કરી શકીએ છીએ. દરેક સજીવે સ્વસ્થ તેમ જ કાર્યરત રહેવા માટે, હલનચલન કરવા માટે, શ્ર્વાચ્છોશ્ર્વાસની પ્રક્રિયા માટે તેમ જ વિચારવા માટે પણ ખોરાક લેવો અતિ આવશ્યક છે.
ભૂખ લાગવી કે તરસ લાગવી આ દરેક વાતનો સીધો તાર મગજ તેમ જ ચેતાતંત્ર સાથે જોડાયેલો હોય છે, પરંતુ આપણે આહારને એટલી અગત્યતા આપતા નથી જેટલી અપાવી જોઈએ, કારણો એના એક નહીં અનેક હોય શકે, પરંતુ પરિણામ એકસરખું ગંભીર આવે છે.
જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ બાહ્ય શારીરિક ફેરફારોની માફકજ આંતરિક શારીરિક ફેરફારો પણ ઉદ્ભવતા હોય છે. જેના કારણે અંત: સ્ત્રાવોમાં ફેરફાર થવાની સાથોસાથ શરીરની ચયાપચયની ક્રિયાઓમાં પણ ફેરફારો જોવા મળે છે. જેના કારણે માત્ર આહાર લેવો એટલું જ નહીં, પણ એ પૂરતા પ્રમાણમાં લેવો અને યોગ્ય પોષકતત્ત્વો સાથે લેવો એ ખૂબ જરૂરી બની જાય છે. સ્વાસ્થ્યમાં સુધારો થવો અને નકામી ચરબીનો વ્યય થવો તેમ જ બિનજરૂરી ચરબી વધે નહીં એ અત્યંત ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અંત: સ્ત્રાવોમાં ફેરફારો થવાના કારણે શરીરના એનર્જી લેવલમાં પણ નોંધનીય ફેરફારો જોવા મળે છે. ઉપરાંત શક્તિની બનાવટ તેમ જ તેની વપરાશ વચ્ચેનું સમતોલન પણ ખોરવાઈ જાય છે જેના કારણે યુવાનીમાં ઘણીખરી તકલીફો વધતી જોવા મળે છે.
સવારે ઊઠતાંવેંત લેવામાં આવતા પીણાથી લઇને, ઊંઘતા પહેલા સુધી લેવામાં આવતું દરેક ભોજન કેટલું, કેમ, ક્યારે અને કેવી રીતે લેવું જોઈએ એનો ખૂબ જ ખ્યાલ રાખવો જરૂરી છે. આહારને લગતી આદતો આપણે બહુ ખરાબ પાડેલી હોય છે. મોટાભાગે યુવતીઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાની કુટેવ ધરાવે છે, ઘણીખરી યુવતીઓ વધુ પડતા બિનજરૂરી જંકફૂડ્સ લાંબાગાળા સુધી લીધા રાખે છે, ક્યારેક અમુક પ્રકારનો ખોરાક ખાવાનું બિલકુલ બંધ કરી દે છે અથવા તો ચરબીયુક્ત ખોરાક વધુ લે છે, સાથોસાથ બજારની તૈયાર મળતી ચીજવસ્તુઓનો ખોરાકમાં બહોળો ઉપયોગ કરે છે. બેઠાડું જીવન, વધુ પડતું એકીસાથે જમી લેવાની આદત, વધારે પડતું નમક ખાવાની તેમ જ મીઠાઈ ખાવાની ટેવ, આવી અનેક આદતો અંતે નાની ઉંમરમાં મોટી બીમારીઓને નોતરે છે, ખાસ કરીને તરુણાવસ્થા તેમ જ યુવાવસ્થા દરમિયાન અમુક ચોક્કસ પ્રકારની સમસ્યાઓ થવાની શક્યતાઓમાં ધરખમ વધારો કરે છે.
આજકાલ ટીવી કે મોબાઈલ ફોન જેવાં માધ્યમો દ્વારા આપણા સુધી સ્વાસ્થ્ય સંબંધી માહિતીઓ પહોંચતી હોય જ છે, પરંતુ એને અવગણવાની સૌથી મોટી કુટેવ નવી પેઢી ધરાવતી હોય છે. જે બીજાના સ્વાસ્થ્ય માટે હંમેશાં કાર્યરત હોય છે તે પોતાના માટે કશુંજ કરતી નથી, આજની આધુનિક પેઢીએ આહાર પ્રત્યેનો આ અભિગમ બદલાવવો જ રહ્યો!
આહાર અને વિજ્ઞાન. આ વિષયક ઘણુંખરું લખાયું છે, લખાતું રહ્યું છે અને લખાતું રહેશે. આપણાં શાસ્ત્રોમાં પણ ઘણું મહત્ત્વ આહારોજ્ઞાનનું આલેખાયેલું જોવા મળે છે. આયુર્વેદ તેમ જ નેચરોપેથી દ્વારા આપવામાં આવતી સારવારોમાં પણ આહારનું મહત્ત્વ ખૂબ ઊંચું અંકાયેલું છે. અન્ન, ભોજન, ખોરાક, આહાર જેટલા ભિન્ન નામો એટલા જ જરૂરી તત્ત્વો સંકળાયેલા છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા જરૂરી પોષકતત્ત્વો કયા કયા છે એ દરેક વિશે આપણે માહિતી મેળવતા રહીશું, આહાર સંબંધી કેવા ફેરફારો આવશ્યક છે એ પણ જાણતા રહીશું તો આહારથી નુકસાન થવાની માત્ર બિલકુલ શૂન્ય બનાવી શકાય છે. આહાર અને વિજ્ઞાનના સમન્વયથી રચાતો સ્વાસ્થ્યનો સરવાળો જો ગણતા આવડી જાય તો જિંદગીની પરીક્ષામાં વિના વિઘ્ને પાર પડી જવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -