ગુજરાતીઓની ઉપેક્ષા પાલિકાની ચૂંટણીમાં ભારે પડશે?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જોકે ફરી એક વખત ગુજરાતીઓેની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. કેબિનેટમાં એક પણ મુંબઈના ગુજરાતી ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. તેથી મુંબઈના ગુજરાતી સમુદાયમાં નારાજગી જોવા મળી છે અને તેનો પરચો બહુ જલદી આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જોવા મળશે એવું માનવામાં આવી રહ્યું છે.
મુંબઈમાં લગભગ ૩૫ લાખની આસપાસ ગુજરાતી વસતી છે. વિધાનસભા, લોકસભાની હોય કે પછી મુંંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હોય વસતીના પ્રમાણમાં ગુજરાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં દરેક પક્ષે હંમેશાં અન્યાય કર્યો છે. મુંબઈની સવા કરોડની વસતીમાં એક તૃતીયાંશ ગુજરાતી હોવા છતાં ૨૨૭માંથી ફક્ત બધા પક્ષના મળીને ૨૦થી ૨૧ નગરસેવકો ગુજરાતી છે. તો એક સાંસદ અને માત્ર ચાર વિધાનસભ્યો ગુજરાતી છે.
હાલ મુંબઈમાં દક્ષિણ મુંબઈમાંથી કોંગ્રેસના અમીન પટેલ, પૂર્વ ઉપનગરમાં ભાજપના પરાગ શાહ અને મિહીર કોટેચા અને પશ્ર્ચિમ ઉપનગરમાં ભાજપના યોગેશ સાગર છે. દેશનું આર્થિક પાટનગર કહેવાતા મુંબઈમાં મોટી સંખ્યામાં ગુજરાતી હોવા છતાં માત્ર ચાર ગુજરાતી વિધાનસભ્ય છે, તેમાંથી ત્રણ ગુજરાતી વિધાનસભ્ય તો ભાજપના છે.
મજાની વાત એ છે કે ભાજપની મોટા ભાગની વોટ બેંક ગુજરાતી છે અને મુંબઈના મોટા ભાગના ગુજરાતી મતદારોના મતથી ભાજપ મુંબઈ મહાનગરપાલિકા સહિત મુંબઈની વિધાનસભાની બેઠકો જીતતી હોવાનો માનવામાં આવે છે. છતાં પણ શિંદે-ફડણવીસ સરકારની બનેલી નવી કેબિનેટમાં એક પણ ગુજરાતી ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી.
કેબિનેટમાં ગુજરાતીઓ સાથે અન્યાય કરનારા ભાજપને જોકે તેની અસર આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં થઈ શકે છે. શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને એકનાથ શિંદે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયા છે. તેથી મરાઠીઓના મત તો ઉદ્ધવ અને શિંદેની શિવસેનામાં વહેંચાઈ જવાના છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતીઓના મત બહુ મહત્ત્વના બની રહેશે. એવામાં ભાજપ દ્વારા વખતોવખત ગુજરાતીઓ સાથે અન્યાય કરવામાં આવતો હોવાની મુંબઈના ગુજરાતી સમાજની અવગણના કરવી આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે છે.
——–
મહારાષ્ટ્રની ૨૦ સભ્યોની કેબિનેટ એકેય મહિલાને સ્થાન નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ૨૦ સભ્યોની કેબિનેટમાં એકેય મહિલાને સ્થાન આપવામાં ન આવ્યું હોવાની બાબતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને રાજ્યની મહિલા રાજકારણીઓએ આની ટીકા કરી હતી.
મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય હતું કે જ્યાં મહિલાઓને ૫૦ ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જ્યારે દેશની પચાસ ટકા વસ્તી મહિલાઓની છે ત્યારે કેબિનેટમાં તેમનું પ્રતિનિધિત્વ ન હોય તે અયોગ્ય છે, એવી ટીકા કરતાં એનસીપીના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે આમાંથી ભાજપની પૌરુષી વિચારધારા સ્પષ્ટ થાય છે. અન્ય રાજકીય પક્ષો અને મહિલાઓ માટે કામ કરનારા બિન સરકારી સંગઠનો (એનજીઓ)એ પણ આની ટીકા કરી છે.
————-
મહિલાઓને પછી સમાવવામાં આવશે: ફડણવીસ
કેબિનેટમાં એકેય મહિલાને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ટીકાનો સામનો કરી રહેલા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે મહિલા વિધાનસભ્યોનો ચોક્કસ કેબિનેટમાં સમાવેશ કરવામાં આવશે. પહેલાં બધા કેબિનેટના વિસ્તરણમાં વિલંબ માટે અમારી ટીકા કરી રહ્યા હતા અને હવે તેમને ટીકા કરવા માટે નવો મુદ્દો મળી ગયો છે. આગામી વિસ્તરણમાં મહિલાને ચોક્કસ સ્થાન આપવામાં આવશે.
સંજય રાઠોડને કેબિનેટમાં સ્થાન: ફડણવીસે કર્યો બચાવ
મુંબઈ: મહારાષ્ટ્રની કેબિનેટમાં સ્થાન આપવામાં આવેલા સંજય રાઠોડને મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે નારાજગી હોવાનું જાણવા મળ્યું છે. સંજય રાઠોડ સામે સૌથી વધુ વાંધો ભાજપે ઉઠાવ્યો હતો અને તેમની ધરપકડની પણ માગણી કરી હતી, પરંતુ ભાજપની સરકારમાં તેમને સ્થાન મળ્યું હોવાથી વિપક્ષીઓને ભાજપની ટીકા કરવાનો મુદ્દો મળી ગયો છે.
એકનાથ શિંદેએ જોકે સંજય રાઠોડના સમાવેશનો બચાવ કરતાં એવું કારણ આપ્યું હતું કે પોલીસે સંજય રાઠોડને પુજાના કેસમાં ક્લિન ચીટ આપી છે. જોકે, રાજ્યના પ્રધાનમંડળમાં સંજય રાઠોડનો સમાવેશ કરવામાં આવ્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક જૂનો વિડીયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ફડણવીસ તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી રહ્યા છે અને રાઠોડનો બચાવ કરવાની તેમની વૃત્તિની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે આટલા બધા પુરાવા હોવા છતાં રાઠોડની ધરપકડ કરવામાં આવી નથી તેમાં મુખ્ય પ્રધાનની લાચારી દેખાય છે. હવે રાઠોડને ફરી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હોવાથી આ મુદ્દે હવે ભાજપને માટે મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે.
જોકે ફડણવીસે મંગળવારે રાઠોડને કેબિનેટમાં સ્થાન આપવાના નિર્ણયનો બચાવ કરતાં મુંબઈમાં જણાવ્યું હતું કે જેમના નેતાઓ અત્યારે જેલમાં હોય, તેમ જ જેમના નેતાઓ સામે અનેક ખટલા ચાલી રહ્યા હોય તેમને બોલવાનો નૈતિક અધિકાર નથી. એનસીપીના બે નેતા ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં છે તેમને રાઠોડ પર બોલવાનો અધિકાર છે? પહેલાં તેમણે અરીસો જોવો અને પછી વાત કરવી એમ તેમણે પુછ્યું હતું.
————-
પરંપરાગત અને વફાદાર ગુજરાતીઓને રાજ્યની કેબિનેટમાં સ્થાન નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં જનસંઘના સમયથી પરંપરાગત અને વફાદાર ગુજરાતી મતદારો રહ્યા છે, પરંતુ મંગળવારે થયેલા કેબિનેટના વિસ્તરણમાં ભાજપે એકેય ગુજરાતી વિધાનસભ્યોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ગુજરાતીઓની કેબિનેટના વિસ્તરણમાં ભારોભાર અવહેલના કરવામાં આવી છે અને તેથી ગુજરાતી સમાજમાં નારાજગી ફેલાઈ છે.
મહારાષ્ટ્રની ૧૧ કરોડની વસ્તીમાં સવા કરોડ જેટલા ગુજરાતીઓ છે અને મુંબઈમાં લગભગ ૩૦ ટકા જેટલા ગુજરાતીઓ વસવાટ કરે છે. આ ગુજરાતીઓ વર્ષોથી ભાજપને વફાદાર રહેલા છે અને ભાજપના પરંપરાગત મતદારોમાં સ્થાન ધરાવે છે. મુંબઈમાં જનસંઘની સ્થાપના ગુજરાતીઓના ભરોસે જ કરવામાં આવી હતી. ભાજપની સ્થાપના
થઈ ત્યારથી ગુજરાતી મતદારો ભાજપની સાથે રહ્યા છે. મુંબઈના છમાંથી ત્રણ સંસદસભ્યો અને ૩૬માંથી ૧૮ વિધાનસભ્યો ગુજરાતીઓના મતોને જોરે વિજયી થતા હોય છે, આમ છતાં જ્યારે સત્તામાં સહભાગ આપવાનો વારો આવે ત્યારે ગુજરાતી સમાજની સતત અવહેલના કરવામાં આવી રહી છે.
એક ગુજરાતી સમાજના અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભાજપને આટલા વર્ષોથી સતત વફાદાર રહેલા ગુજરાતીઓને હવે ટેકન ફોર ગ્રાન્ટેડ (ગૃહિત માનવું) લેવામાં આવી રહ્યા હોવાની લાગણી થઈ રહી છે. રાજ્યની કુલ વસ્તીમાં ૧૦ ટકા જેટલા ગુજરાતી હોવા છતાં કેબિનેટમાં એકેય ગુજરાતીને સ્થાન આપવામાં ન આવે આનાથી વધુ અવહેલના શું હોઈ શકે?
અન્ય એક ગુજરાતી અગ્રણીએ જણાવ્યું હતું કે મુંબઈમાં વિધાનસભાની ૩૬ બેઠકમાંથી ૧૮ બેઠક પરના ઉમેદવાર ગુજરાતીઓના મતદાનને આધારે વિજયી બને છે. ૨૦૧૪થી બધી જ લોકસભા-વિધાનસભા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતીઓને કારણે મુંબઈમાં ભાજપને અકલ્પનીય સફળતા મળી શકી છે, તેમ છતાં જ્યારે સત્તાનો લાડવો ખાવાનો વારો આવે ત્યારે તેમને પોતાના જ માણસો દેખાય છે.
બીજી તરફ ભાજપના એક ગુજરાતી વિધાનસભ્યને આ બાબતે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે હજી તો અડધું જ પ્રધાનમંડળ તૈયાર થયું છે, હજી ઘણા પ્રધાનોને સમાવવાના બાકી છે. અગાઉની ફડણવીસ સરકારમાં ગુજરાતી પ્રધાન હતા અને આ સરકારમાં પણ ગુજરાતી પ્રધાન હશે. જસ્ટ વેઈટ એન્ડ વોચ.
આગામી દિવસોમાં રાજ્યના પ્રધાનમંડળમાં ગુજરાતીને સ્થાન આપવામાં આવે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે, કેમ કે વારંવારની અવહેલનાથી ગુજરાતી મતદારો હવે થાક્યા છે અને જો ગુજરાતી નેતાઓને સન્માનપુર્વક નહીં રાખવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાતી મતદારો કૉંગ્રેસની જેમ જ ભાજપને પણ બાય-બાય કરતાં અચકાશે નહીં.
———–
ભાજપના પ્રધાનો પર ફડણવીસની છાપ
મુંબઈ: મહારાષ્ટ્રના મંગળવારે શપથગ્રહણ કરનારા પ્રધાનોની યાદી જોવામાં આવે તો ભાજપના પ્રધાનો પર ફડણવીસની છાપ જોવામાં આવે છે. રવીન્દ્ર ચવાણ, અતુલ સાવે, મંગલ પ્રભાત લોઢા વગેરે ફડણવીસના નિષ્ઠાવંત લોકોનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બાકીના સિનિયરોમાં પણ મોટા ભાગના પ્રધાનો ફડણવીસની કેબિનેટમાં હતા ત્યારે તેમને અત્યંત નિષ્ઠા સાથે વળગી રહ્યા હતા.
———
મુંબઈ ભાજપના અધ્યક્ષપદનું ગુજરાતીને ગાજર?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની કેબિનેટનું વિસ્તરણ મંગળવારે હાથ ધરવામાં આવ્યું અને તેમાં મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને મુંબઈ પ્રદેશ અધ્યક્ષ મંગલપ્રભાત લોઢાને કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. હવે મુંબઈના પ્રદેશાધ્યક્ષ તરીકે આગામી દિવસોમાં ગુજરાતી જોવા મળે એવી શક્યતા જોવાઈ રહી છે. કેબિનેટમાં સ્થાન ન મળવાથી નારાજ ગુજરાતીઓને મુંબઈ પ્રદેશાધ્યક્ષ આપીને મનાવી લેવાના પ્રયાસ થાય એવી શક્યતા છે.
ભાજપમાં વર્ષોથી એક નેતા એક પદનો નિયમ અપનાવવામાં આવ્યો છે. આ બાબતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ચંદ્રકાંત પાટીલ અને મંગલ પ્રભાત લોઢાને રાજીનામું આપવાની ફરજ પડશે અને ત્યારપછી આ બંને સ્થાન માટે નેતાની પસંદગી કરવામાં આવશે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષપદ માટે આશિષ શેલાર, ચંદ્રશેખર બાવનકુળે સહિત અનેક નેતાઓ દોડમાં લાગ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં મુંબઈ ભાજપના પ્રદેશાધ્યક્ષ પદે ગુજરાતીની નિયુક્તિ થવાની
આશા રાખવામાં આવી રહી છે. મુંબઈમાં ૩૦ ટકા જેટલા ગુજરાતીઓ રહે છે અને આ વર્ગ ભાજપનો નિષ્ઠાવંત અને પરંપરાગત મતદાર રહ્યો છે. ૨૦૧૪થી મુંબઈ શહેરમાં ભાજપને દરેક ચૂંટણીમાં મળેલી અકલ્પનીય સફળતામાં ગુજરાતીઓનું યોગદાન અમુલ્ય છે. ગુજરાતી મતદારોની તાકાતને લીધે જ ભાજપ ગયા વખતે મુંબઈ મનપામાં ૮૦થી વધુ બેઠકો પર વિજય મેળવી શકી હતી. આ બાબતને ધ્યાનમાં લેતાં મુંબઈ મનપામાં એકલેહાથે સત્તા પર કબજો કરવા માટે મુંબઈના અધ્યક્ષ તરીકે ગુજરાતીની નિયુક્તિ કરવી આવશ્યક જણાઈ રહ્યું છે. જોકે પ્રદેશાધ્યક્ષ પદ માટે હિન્દીભાષીઓ પણ લોબીઈંગ કરી રહ્યા છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.