ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું, નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામમાં યોજાવાની છે. આ પહેલા જ ભારતની આશાઓને મોટો આંચકો લાગ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ અને તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરા ઇજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બાદ નીરજનું એમઆરઆઈ સ્કેન થયું હતું. આમાં તેમની જંઘામૂળની ઈજાની વાત સામે આવી હતી. નીરજને લગભગ એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ કારણે તે કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી બહાર થઈ ગયા છે. કોમનવેલ્થ ગેમ્સમાં નીરજની મેચ 5 ઓગસ્ટના રોજ થવાની હતી. પરંતુ નીરજની એક્ઝિટને કારણે ભારતને મોટો ઝટકો લાગ્યો છે.
ભારત મોટા ભાગે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતું આવ્યું છે અને ટોપ-3માં પોતાની જગ્યા કન્ફર્મ કરે છે. આ વખતે પણ સહુને આશા હતી કે નીરજ ચોપરાને કારણે ભારતનો જૈવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ તો નક્કી જ છે, પરંતુ હવે નીરજ ચોપરાએ પોતે કન્ફર્મ કર્યું છે કે, તે ઇજાગ્રસ્ત હોવાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ શકશે નહીં. જૈવલિન થ્રોમાં ભારતની આશા હવે ડી પી મનુ અને રોહિત યાદવ પાસેથી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી આ વખતે 200થી વધારે સભ્યનું પ્રતિનિધિમંડળ મોકલવામાં આવ્યું છે, જેમાં સવાસોથી વધુ ખેલાડી સામેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.