દેશનું નામ થયું રોશન
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા સોમવાર, 22 મેના રોજ પુરૂષોની જેવલિન થ્રોમાં વિશ્વ નંબર 1 રેન્કિંગ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચી દીધો છે. ટોક્યો ઓલિમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતનાર એથલીટ નીરજ ચોપરા હવે વિશ્વનો નંબર વન જેવલિન થ્રોઅર બની ગયો છે. વર્લ્ડ એથ્લેટિક્સે તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં નીરજ ચોપરા પુરુષોની ભાલા ફેંક રેન્કિંગમાં નંબર-1 બની ગયો છે. આ સિદ્ધિ મેળવનાર તે દેશનો પ્રથમ એથ્લેટ છે. નીરજ ચોપરાને 1455 માર્કસ છે. તેણે વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સને પાછળ છોડી દીધા છે.
એન્ડરસનના હાલ 1433 પોઈન્ટ છે. પાકિસ્તાનનો અરશદ નદીમ પણ ટોપ-5 રેન્કિંગમાં છે. નદીમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા ઈજાના કારણે તેમાં ભાગ લઈ શક્યો ન હતો. નીરજ ચોપરાએ દોહામાં આયોજિત ડાયમંડ લીગમાં ગોલ્ડ જીત્યો હતો. ટૂર્નામેન્ટમાં તેણે 88.67 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરાની આગામી ટુર્નામેન્ટ નેધરલેન્ડના હેંગલોમાં રમાવવાની છે. આ ટુર્નામેન્ટ 4 જૂનથી શરૂ થશે. આ પછી, નીરજ 13 જૂને ફિનલેન્ડના તુર્કુમાં યોજાનારી પાવો નુર્મી ગેમ્સમાં ભાગ લેશે. તે જ સમયે, આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી તે ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સમાં પોતાનું ટાઇટલ બચાવવા એક્શનમાં આવશે.