એનડીએનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ઉમેદવારીપત્રક ભર્યું

દેશ વિદેશ

સર્વોચ્ચપદ માટેની ચૂંટણી: રાષ્ટ્રપતિપદ માટેનાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે સંસદભવનમાં ઉમેદવારીપત્રક ભર્યું હતું ત્યારે વડા પ્રધાન મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. (પીટીઆઈ ફોટો)

નવી દિલ્હી: આગામી ૧૮ જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ પ્રણિત નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) તરફથી દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે ઉમેદવારી નોંધાવી હતી. દ્રૌપદી મુર્મૂની ઉમેદવારી માટેનાં પત્રકો સંસદ ભવન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી માટેના રિટર્નિંગ ઑફિસર પી.સી.મોદીને સુપરત કર્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીના રિટર્નિંગ ઑફિસર તરીકે રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી.સી.મોદીની નિમણૂંક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ઉમેદવારને ઓછામાં ઓછા ૫૦ લોકપ્રતિનિધિઓની પ્રસ્તાવકાર રૂપે અને ૫૦ લોકપ્રતિનિધિઓની અનુમોદનકાર રૂપે આવશ્યકતા હોય છે.
ઉમેદવારીપત્રકોની નીચે પ્રસ્તાવકાર અને અનુમોદનકાર રૂપે ૫૦૦ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓએ સહીઓ કરી હતી. સહી કરનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના પ્રધાનો અમિત શાહ, રાજનાથસિંહ અને ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાનો સમાવેશ છે. ઉમેદવારી માટે પત્રકોના ચાર સેટ રિટર્નિંગ ઑફિસરને આપવામાં આવ્યા હતા. દરેક સેટમાં ૬૦ કે વધુ પ્રસ્તાવકાર અને અનુમોદનકારો છે. પ્રથમ સેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવકાર તથા રાજનાથસિંહ અને અમિત શાહ અનુમોદનકાર છે. બીજા સેટમાં જે.પી. નડ્ડા પ્રસ્તાવકાર છે. ત્રીજા સેટમાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે સમર્થનમાં સહી કરી છે. ચોથા સેટમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમર્થનકાર રૂપે સહી કરી છે.
રાષ્ટ્રપતિપદ માટે દ્રૌપદી મુર્મૂના ઉમેદવારીપત્રકો પર સહી કરનારા લોકપ્રતિનિધિઓમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈ અને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતનો સમાવેશ છે. ઉમેદવારીપત્રકોમાં સહી કરનારા ભાજપના સાથી પક્ષોના નેતાઓમાં જનતા દળ (યુ)ના નેતા રાજીવરંજનસિંહ ઉર્ફે લાલનસિંહ, અપના દલનાં નેતા અનુપ્રિયા પટેલ, નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને મેઘાલયના મુખ્ય પ્રધાન કૉન્રાડ સંગમા, બિજુ જનતા દળના નેતાઓ અને ઓડિસાની સરકારમાં પ્રધાનો જગન્નાથ સરાકા અને તુકુની સાહુ, વાયએસઆર કૉંગ્રેસના નેતાઓ વિજયસાઈ રેડ્ડી અને મિથુન રેડ્ડી, એઆઈએડીએમકેના નેતા ઓ. પનીરસેલ્વમનો સમાવેશ છે. દ્રૌપદી મુર્મૂની ઉમેદવારીને સમર્થનમાં ભાજપના લગભગ તમામ આદિવાસી અને મહિલા લોકપ્રતિનિધિઓએ સહી કરી છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.