Homeઆમચી મુંબઈNCP નેતા જિતેન્દ્ર આવ્હાડ અને તેમના સમર્થકોએ મલ્ટિપ્લેક્સમાં કરી ધાંધલ, હર હર...

NCP નેતા જિતેન્દ્ર આવ્હાડ અને તેમના સમર્થકોએ મલ્ટિપ્લેક્સમાં કરી ધાંધલ, હર હર મહાદેવ ફિલ્મ અધવચ્ચે રોકાવી

મહારાષ્ટ્ર એનસીપીના નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જિતેન્દ્ર આવ્હાડ અને તેમના સમર્થકોએ સોમવારે સાંજે થાણેમાં મરાઠી ફિલ્મ ‘હર હર મહાદેવ’નો શો અધવચ્ચે રોકાવ્યો હતો. ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની છબીને ખરડવામાં આવ્યો હોવાનો આરોપ એનસીપી નેતા દ્વારા લગાવવામાં આવ્યો હતો.

જિતેન્દ્ર આવ્હાડ અને તેમના સમર્થકોએ ફિલ્મ બંધ કરાવી હતી અને દર્શકોને થિયેટરમાંથી બહાર જવાનું કહેવામાં આવ્યું હતું. દરમિયાન દર્શકોએ વિરોધ કર્યો તો તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમના કેટલાક સમર્થકોએ તેમનો વિરોધ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને ખરાબ રીતે માર માર્યો અને તેનું શર્ટ ફાડી નાંખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને શિવાજી મહારાજના વંશજ સંભાજી છત્રપતિએ રવિવારે મરાઠી ફિલ્મ ‘હર હર મહાદેવ’ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તેના એક દિવસ બાદ વર્તક નગરના મલ્ટિપ્લેક્સમાં આ ઘટના બની હતી. આ પ્રકરણે જિતેન્દ્ર આવ્હાડે સવાલ કર્યો હતો કે, ફિલ્મમાં એવી ઐતિહાસિક ઘટનાઓ બતાવવામાં આવી છે જે વાસ્તવિકતામાં ક્યારેય ન બની હોય. આવી ફિલ્મ શા માટે બતાવવામાં આવે છે?

ભારતીય જનતા પાર્ટીએ ગુંડાગીરી કરનારા NCP નેતાની નિંદા કરી હતી અને તેમની સામે FIR નોંધવાની માંગ કરી હતી. મહારાષ્ટ્રના બીજેપીના નેતા અતુલ ભાતખલકરે ‘હર હર મહાદેવ’ ફિલ્મનું સ્ક્રિનિંગ અટકાવવા બદલ જીતેન્દ્ર આવ્હાડ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, “છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનને મારી નાખ્યો એવું ફિલ્મ ‘હર હર મહાદેવ’માં બતાવવામાં આવ્યું છે. તેથી જિતેન્દ્ર અવહાડે ફિલ્મને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અમે જીતેન્દ્ર આવ્હાડની તાત્કાલિક ધરપકડની માંગ કરીએ છીએ. રાષ્ટ્રીય ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેમની સામે એફઆઈઆર થવી જોઈએ.”
“જિતેન્દ્ર આવ્હાડ વારંવાર કાયદો પોતાના હાથમાં લે છે. જ્યારે પણ રાષ્ટ્રવાદી વિચારોની વાત આવે છે, ત્યારે તેઓ તેમની સામે આંદોલન કરવાનો પ્રયાસ કરે છે. ભાજપ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરે છે,” એમ બીજેપી નેતાએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આવ્હાડ કે તેમના સમર્થકો વિરુદ્ધ કોઈ સત્તાવાર કેસ દાખલ કરવામાં આવ્યો નથી.
વર્તકનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 141,143,146,149,323,504 અને મુંબઈ પોલીસની કલમ 37/135 હેઠળ ગઈકાલે રાત્રે થાણેના મોલમાં હર હર મહાદેવ ફિલ્મનો શો બળજબરીથી બંધ કરીને ફિલ્મના દર્શકો પર હુમલો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES

Most Popular