મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોંકાવનારી બાબતોનો ઘટનાક્રમ શરૂ થયો છે, પરંતુ હવે તેમાં વધુ એક વાતનો ઉમેરો થયો છે. શિવસેના સામે એકનાથ શિંદેના બળવાને કારણે રાજ્યના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઇ હતી. શિવસેના વિભાજિત થઈ ગઇ. આ બધા પછી આશ્ચર્ય એ હતું કે ભાજપે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ સોંપ્યું હતું. આ પછી ચોંકાવનારી ઘટનાઓની હારમાળા અટકે તેવી અપેક્ષા હતી. જોકે, થોડા કલાકો પછી બીજી આશ્ચર્યજનક ઘટના બની. એવું માનવામાં આવે છે કે ગઈકાલે રાત્રે એકનાથ શિંદેના શપથ લીધા બાદ એનસીપીના નેતા ધનંજય મુંડે દેવેન્દ્ર ફડણવીસને સાગર બંગલોમાં મળ્યા હતા. આ મુલાકાતને ટોપ સિક્રેટ રાખવામાં આવી હતી. જો કે આજે સવારે આ માહિતી બહાર આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસ અને ધનંજય મુંડે વચ્ચે લગભગ અડધો કલાક ચર્ચા થઈ હતી. ત્યારબાદ ધનંજય મુંડે સાગર બંગલામાંથી બહાર આવ્યા હતા. મુલાકાતનું ચોક્કસ કારણ હજુ પણ રહસ્ય છે. જો કે, વર્તમાન અસ્થિર રાજકીય પરિસ્થિતિને જોતા, ધનંજય મુંડે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની બેઠકને લઈને ઘણી દલીલો થઈ રહી છે. ધનંજય મુંડેને અજિત પવારના જૂથમાં ગણવામાં આવે છે. 2019માં જ્યારે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે રાજભવનમાં શપથ લીધા ત્યારે પણ ધનંજય મુંડે અજિત પવારના જૂથમાં હતા. તેથી, રાજકીય તજજ્ઞો માને છે કે હજી પણ નવા રાજકીય સમીકરણો રચાઇ શકે છે.
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે છેલ્લા કેટલાક કલાકોમાં રાજ્યના રાજકારણ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. તેઓ હાલમાં કોરોનાને કારણે અન્ય લોકોથી દૂર છે. જોકે, હવે જ્યારે તેમના નજીકના મનાતા ધનંજય મુંડે ફડણવીસને મળ્યા છે, ત્યારે બધાની નજર હવે અજિત પવાર પર છે.
