Mumbai: મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ દિવસેને દિવસે હિંસક બની રહ્યો છે. એકનાથ શિંદેનું જૂથ મજબૂત થઈ રહ્યું છે ત્યારે એમવીએ સરકાર પરની મુશ્કેલીઓ વધતી જાય છે. એમ છતાં શિવસેના મજબૂત હોવાનો દાવો કરી રહી છે.
માતોશ્રીમાં સીએમ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી સુપ્રીમો શરદ પવાર વચ્ચે બેઠક ચાલી રહી છે. બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, જયંત પાટીલ અને પ્રફુલ પટેલ પણ પહોંચ્યા છે. આ બેઠકમાં મહાવિકાસ આઘાડી સરકાર બચાવવા માટે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. એનસીપીના સૂત્રોએ જણાવ્યું છે કે શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યો શિંદે સાથે છે. દરરોજ શિંદેનો સાથ આપનારા વિધાનસભ્યોનો આંકડો વધતો જાય છે. એવામાં એનસીપીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે આ મામલાને વધુ ખેંચવામાં આવે તો એમવીએ સરકાર સંકટમાં આવી શકે છે.
આ ઉપરાંત શિવસેનાએ આવતી કાલે એટલે કે શનિવારે બપોરે એક વાગ્યે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બોલાવી છે. રાજ્ય પર આવેલા આ સંકટમાંથી બહાર આવવાના માર્ગો વિશે ચર્ચા થઈ શકે છે.