નઝર-નઝર મેં તમાશે દિખા દિયે ઐસે, મુઝે ભી એક તમાશા બના ગયા કોઈ

વીક એન્ડ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

નઝર-નઝર મેં તમાશે દિખા દિયે ઐસે,
મુઝે ભી એક તમાશા બના ગયા કોઈ

યાદ રખના તો આપ ભૂલ ગયે,
ભૂલ જાના મગર હૈ અબ તક યાદ.
*
મૌત હી ઈન્સાન કી દુશ્મન નહીં,
ઝિન્દગી ભી જાન લે કર જાયેગી.
*
આદમી તો કયા ફરિશ્તે કી નઝર,
આપ કી સૂરત સે ધોખા ખાયેગી.
*
પી લોગે તો ઐ શેખ! ઝરા ગર્મ રહોગે;
ઠંડા હી ન કર દે કહીં જન્નત કી હવાએં.
*
એક ભી પાયા ન રાહત કા મકાં મેરે લિયે,
ઠોકરેં ખાતી ફિરી ઉમ્રે-રવાં મેરે લિયે.
– જોશ મલસિયાની
પંડિત લમ્ભૂરામ ઉર્ફે ‘જોશ’ મલસિયાનીનો જન્મ જાલન્ધર જિલ્લાના કસ્બા મલસિયામાં ૧ ફેબ્રુઆરી, ૧૮૮૨ના રોજ થયો હતો. ૧૪ વર્ષની ઉંમરે તેમના પિતાનું નિધન થયું હતું. અંગ્રેજી ભાષાનું ખર્ચાળ શિક્ષણ મેળવી શકાય તેવી કુટુંબની આર્થિક સ્થિતિ ન્હોતી. વળી પરિવારના ભરણપોષણની જવાબદારી આ કિશોરના માથે આવી પડી હતી. છતાં તેમણે ‘મુનશી ફાઝિલ’ અને ‘અદીબ ફાઝિલ’ જેવી પરીક્ષા પાસ કરી હતી અને હાઈસ્કૂલમાં ફારસી ભાષાના શિક્ષક તરીકેની નોકરી મેળવી હતી. નાનપણમાં જ તેમને શાયરીનો ચસ્કો લાગ્યો હતો અને તેમાં તેમણે નિપુણતા મેળવી હતી. તેમની વેશ-ભૂષા અને તેમનું ખાવું-પીવું સાદું હતું. શરાબ અને માંસને તેમણે ક્યારેય સ્પર્શ કર્યો ન્હોતો.
તેમને ઈ.સ. ૧૯૦૨ની સાલમાં મિરઝા દાગ સાહેબના શિષ્ય થવાનું ગૌરવ મળ્યું હતું, પરંતુ આ લાભ તેમને લાંબો સમય મળી શક્યો ન્હોતો. ઈ.સ. ૧૯૦૬માં દાગનું અવસાન થતાં ‘જોશ’ પોતે પોતાના ગુરુ બન્યા હતા. એટલું જ નહીં અનેક શાયરોના તેઓ ગુરુ બન્યા હતા અને તેઓને માર્ગદર્શન આપતા રહ્યા હતા. તેમના સુપુત્ર બાલમુકુન્દ ઉર્ફે ‘અર્શ’ મલસિયાની (૧૯૦૮-૧૯૮૦) પણ નામાંકિત શાયર હતા.
‘જોશ’ મલસિયાનીએ કાવ્ય-જીવનનો આરંભ નઝમોથી કર્યો હતો. તે પછી તેઓ ગઝલ તરફ વળ્યા હતા. આ શાયર અરુઝ એટલે કે ફારસી કાવ્યશાસ્ત્રનું પાલન કરવાના આગ્રહી હતા. ફારસી કાવ્યશાસ્ત્રમાં તેમને પૂરેપૂરો વિશ્ર્વાસ હતો. તેમની રચનાઓ ભાવ તત્ત્વ અને લાલિત્યથી સભર છે. તેમની શાયરીની ભાષા
પ્રવાહી છે.
તેઓ તેમની શાયરીમાં કહેવતો-રૂઢિપ્રયોગોનો સભાનતા સાથે ખૂબીપૂર્વક પ્રયોગ કરતા હતા. ઈ.સ. ૧૯૪૦માં ૨૪૦ પાનાંનો તેમનો કાવ્યસંગ્રહ ‘નાદએ સરજોશ’ પ્રગટ થયો હતો. તેમાં ગઝલો, નઝમો, રૂબાઈ, શે’ર, નૌહા, તારીખ વગેરે ગ્રંથસ્થ કરાયાં છે. ત્યાર પછી ‘જુનૂનો-હોશ’ શીર્ષકથી તેમનો બીજો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો હતો.
વિવિધ રસ, રંગ, મુદ્રા ધરાવતા આ શાયરના કેટલાક નમૂનેદાર શે’રનું હવે આચમન કરીએ:
* ઈક મૈં કિ ઈન્તેઝાર મેં ઘડિયાં ગિના કરું,
ઈક તુમ કિ મુઝ સે આંખ બચા કર ચલે ગયે.
એક તરફ હું તમારી પ્રતીક્ષાની ક્ષણો ગણ્યા કરું છું તો બીજી તરફ તમે છો કે તમે આવ્યાં છતાં નજર ચુકાવીને ચાલ્યાં ગયાં! આ કેવો વિરોધાભાસ છે.
* ઈશ્ક કો મહઝ જૂનું મૈંને સમઝ રખા થા,
અકલ આઈ મુઝે મિલ કે તેરે દીવાને સે.
અરે ભાઈ! પ્રેમને હું માત્ર પાગલપણ સમજતો હતો. પણ તારી પાછળ પડેલા પાગલોને હું મળ્યો ત્યારે મારામાં બુદ્ધિ પેદા થઈ અને આ વાતને સમજતો થયો.
* ઉસ કે ચક્કર મેં દોબારા તો મૈં આને કા નહીં,
ઢૂંઢતી ફિરતી હૈં ક્યૂં યે ગર્દિશે-દૌરાં મુઝ કો.
હવે ફરીથી હું એના ચક્કરમાં આવવાનો નથી. તો પછી દુનિયાની મુસીબતો શા માટે મારી શોધમાં ફર્યા
કરે છે!
* જાન દે કર ભી રસાઈ કી નહીં હૈ ઉમ્મીદ,
હાય! દુશ્વાર હૈ યે મંઝિલે-ઉલ્ફત કૈસી!
પ્રાણ ન્યોછાવર કરી દઈએ છતાં મુલાકાત થાય તેવી હવે કોઈ આશા નથી. અરે રે! આ પ્રેમની યાત્રા કેટલી બધી કઠિન છે!
* જિસ મોહબ્બત પે તુઝે નાઝ હૈ ઈતના ઐ ‘જોશ’,
ઉસ કા અંજામ ભી તુમને કભી સોચા દિલ મેં.
એ ‘જોશ’! પ્રેમ પર તને ખૂબ જ ગૌરવ છે તે સારી બાબત છે. પણ તેં એના પરિણામ વિશે ક્યારેય વિચાર્યું છે ખરું!
* તમાશા દેખને કો આગ ખુદ ઘર મેં લગાલી હૈ,
મેરે એહલે-વતન કી દીપમાલા કયા નિરાલી હૈ.
મારા દેશવાસીઓનો દીપમાળાનો અનોખો વિચાર-અમલ તો જુઓ! તમાશો જોવા મળે તે માટે તેઓએ પોતાના ઘરમાં જ આગ લગાડી દીધી છે!
* તર્કે-દુનિયા ભી કરું, તર્કે-તમન્ના ભી કરું;
તૌબા તૌબા યે મુસીબત મુઝે મંજૂર નહીં.
હું દુનિયાનો ત્યાગ કરું અને વળી આશાઓને પણ ત્યજી દઉં? મને માફ કરો ભાઈ. આ મુશ્કેલી મને મંજૂર નથી.
* ના-શગુફતા હી રહી દિલ કી કલી,
મૌસમે-ગુલ બાર-હા આતા રહા.
આ ઋતુને તો શું કહીએ? ફૂલોની મૌસમ કેટલીયે વાર આવતી રહી. પણ મારા દિલની કળી ખીલ્યા વગરની જ રહી.
* બહરે-ગમ કી ગોદ ખાલી હમને દેખી હી નહીં,
એક અગર મઝધાર સે નિકલા, તો ડુબા એક ઔર.
મેં દુ:ખના સાગરનો ખોળો કદી પણ ખાલી થતો જોયો નથી. કોઈ મધદરિયેથી નીકળી કિનારે પ્હોંચી ગયું તો કોઈ વળી કાંઠે જ ડૂબી ગયું.
* અકલ સે કયા પૂછતા આફત કો સર પર દેખ કર,
વહ તો ખુદ ચકરા ગઈ, કિસ્મત કા ચક્કર દેખ કર.
મુસીબતને માથા પર ચઢેલી જોઈને હવે તું બુદ્ધિને શું પૂછવા બેઠો છે? ભાગ્યનું ચક્કર ફરતું જોઈને પોતાને જ ચક્કર આવી ગયા છે.
* આજ વો શાને-કરીમા હૈં દિખાનેવાલે,
કહીં રુસ્વા ન કરે તંગિયે-દામાં મુઝકો.
આજે એ એમની મહેરબાની-કૃપાદૃષ્ટિનું ગૌરવ બતાવવાના છે. મારા ખેસનો પનો નાનો પડીને મારી બદનામી ન કરે તો સારું!
* ઈતના ગુમરાહ ન કર નાસેહે-નાદાં! મુઝકો;
બઢ કે ઈમાં સે હૈ વો દુશ્મને-ઈમાં મુઝકો.
ઓ નાદાન ઉપદેશક! તું મને ખોટા રવાડે ન ચઢાવ. મારે મન તો મારી પ્રેયસી મારા માટે દૃઢ વિશ્ર્વાસ અને આસ્થાથી પણ ચઢી જાય છે.
* ઈન મેં જો અચ્છા હૈ ચુન લે, ઐ નિગાહે-ઈન્તિખાબ,
એક ગુલશન ખાર મે હૈ, એક ગુલશન ફૂલ મે.
ઓ પારખું નજર, આ બેમાંથી જે વધુ સારું હોય તેને તું પસંદ કરી લે. એક બગીચો કાંટામાં છુપાયેલો છે, તો બીજાઓને ફૂલોમાં બગીચો દેખાઈ રહ્યો છે.
* ઐ શેખ! ઉસ જગહ કો તેરા મુકામ સમઝે,
તું કુછ ઝમીન પર હૈ, કુછ આસમાન પર હૈ.
ઓ શેખજી! તમે તો (બે ભાગમાં) વહેચાયેલા લાગો છો. ક્યારેક તમે જમીન-ધરા પર હોવ છો. તો ક્યારેક વળી આકાશમાં ચઢેલા હોવ છો. અરે શેખજી, તમારું ખરું ઠેકાણું કયાં છે તે તો કહો.
* ઉન સે હમ તર્કે-તગાફુલ કા તકાઝા ન કરે,
ઈસ કા મતલબ હૈ કે જીને કી તમન્ના ન કરે.
ઓ (સજની), ઉપેક્ષા કરવાનું છોડી દે એવી માગણી મારે એમની પાસે ન કરવી. એનો અર્થ શું એવો થયો કે મારે જીવવાની આશા જ છોડી દેવી!
* ક્યું ફલસફી કો ગુર્રા અપને કમાલ પર હૈ,
જિતના વો બાખબર હૈ, ઉતના વો બેખબર હૈ.
આ તત્ત્વજ્ઞાનીને એની આવડત પર આટલું બધું અભિમાન કેમ છે? એ વાત પણ એટલી જ સાચી છે કે તેઓ જેટલા જ્ઞાની છે એટલા જ એ અજ્ઞાત
પણ છે.
* ઐ અઝલ! ગિરાયે સે અગર ગિર ભી ગયે,
દોશે-એહબાબ કા ઉઠ્ઠેંગે સહારા લે કર.
એ મૃત્યુ! તારા પછાડવાથી હું કદાચ ભોંય ભેગો થઈ જઈશ. પણ મને ખાતરી છે કે દોસ્તોના ખભાનો આશરો લઈને હું પાછો જરૂર ઊભો થઈ જઈશ.
* ના-કરદા ગુનાહોં મેં ગિરફતાર હુવા હું,
અબ દેખિયે ઈસ જુર્મ કી મિલતી હૈ સઝા કયા?
ન કરેલાં પાપ માટે હું પકડાઈ ગયો છું. મને આ ગુનાની હવે કેવી સજા મળે છે તે જોઈએ!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.