માસ્ટરશેફ ઇન્ડિયા આ લોકપ્રિય કુકિંગ શોનો ગ્રાન્ડ ફિનાલે શુક્રવારે યોજાયો હતો. આ શોના ફિનાલેમાં સાંતા સર્મા, મહારાષ્ટ્રના સુવર્ણા બાગુલ અને નયનજ્યોતી સૈકિયા ટોપ 3 ફાઇનલિસ્ટ હતાં. સાંતા અને સુવર્ણાને પાછળ મૂકી આખરે નયનજ્યોતીએ માસ્ટરશેફ ઇન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો.
માસ્ટરશેફ ઇન્ડિયાના ગ્રેન્ડ ફિનાલેમાં અનુભવી અને જાણીતા શેફ સંજીવ કપુર સાથે શેફ રણવીર બ્રાર, વિકાસ ખન્ના અને ગરિમા અરોરા ઉપસ્થિત હતાં. તેમના દ્વારા શોના ત્રણ ફાઇનલિસ્ટને સિગ્નેચર થ્રી-કોર્સ મીલનું ચેલેન્જ આપવામાં આવ્યું હતું. ત્રાણ મહિનાનો પ્રવાસ અને ફાઇનલ કોર્સ મીલનું ચેલેન્જ સફળતા પૂર્વક પાર કરી નયનજ્યોતી સૈકિયા આ શોના વિજેતા જાહેર થયા હતાં.
શોના વિજેતા બનેલ નયનજ્યોતીને ઇનામના ભાગ રુપે 25 લાખનો ચેક, માસ્ટર શેફ ઇન્ડિયાની પ્રતિષ્ઠિત ટ્રોફી અને ગોલ્ડન શેફ કોટ પણ મળ્યો હતો. આ શોમાં આસામના સાંતા સર્મા ફર્સ્ટ રનરઅપ બન્યા હતાં, જ્યારે મહારાષ્ટ્રના સુવર્ણા બાગુલ સેકન્ડ રનરઅપ બન્યા હતા. આ બંનેને પાંચ-પાંચ લાખનો ચેક અને મેડલ આપવામાં આવ્યા હતાં. શો જીત્યાં બાદ નયનજ્યોતી પ્રતિક્રિયા આપતાં બોલ્યા કે, મારું એક સાધારણ સપનું હતું કે માસ્ટર શેફ ઇન્ડિયામાં જઇને કુકીંગ કરું, પણ હવે લાગે છે કે જીવનના મારા તમામ ધ્યેય પૂર્ણ થઇ ગયા છે. મેં માત્ર માસ્ટર શેફ ઇન્ડિયામાં ભાગ જ નથી લીધો પણ મને ગોલ્ડન એપ્રન પણ મળ્યું. આટલી મોટી કુકીંગ સ્પર્ધા જીતવી મારા માટે અશક્ય હતી. મને પોતાના પર જ શંકા હતી. પણ ત્રણે જજીસે મને પ્રોત્સાહન આપ્યું. ખાસ કરીને શેફ વિકાસે મને ઓડિશનના દિવસથી ખૂબ જ મદદ કરી છે.