વિશેષ -સોનલ કારિયા
આપણે ત્યાં કોઈ એમ કહે કે હું કવિ છું તો તેને પૂછવામાં આવે કે એ બરાબર પણ તમે કરો છો શું? કવિ તરીકે કોઈ કારકિર્દી હોઈ શકે, એમાંથી આજીવિકા જ નહીં સગવડભર્યું જીવન જીવી શકાય એવી કલ્પના પણ કોઈ કરી શકતું નહોતું, પરંતુ રાજસ્થાનના શ્રીગંગાનગરની છવ્વીસ વર્ષની છોકરીએ પોતાની કવિતા દ્વારા લોકોને ઘેલાં કર્યા છે, એટલું જ નહીં તે કમાણી પણ કરી રહી છે. સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પછી એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યૂટ્યુબ હોય- દરેક જગ્યાએ તેના લાખ્ખો ફોલોઅર્સ છે અને તેની ઘણી બધી કવિતાને કરોડો વ્યૂ મળી રહ્યા છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને ગાળો ભાંડવાની ફેશન છે, પણ આ બન્નેનો ઉપયોગ કરીને નાયાબ મિધા નામની યુવતી કમાણી કરવાની સાથે-સાથે વિશ્ર્વભરના લોકોને જીવનનો એક જુદો અને હકારાત્મક તેમ જ પ્રેરણાદાયક દૃષ્ટિકોણ આપી રહી છે.
દસ વર્ષની ઉંમરથી વાંચનનો શોખ ધરાવતી નાયાબ નાનપણથી જ કવિતાઓ કરતી. તેને તો કવિ અને લેખક જ બનવું હતું, પરતું તે ભણવામાં અને ખાસ તો ગણિતમાં હોશિયાર હોવાને લીધે તેના પિતા ઇચ્છતા હતા કે તે ડૉક્ટર બને. તેણે સાયન્સમાં એડમિશન તો લીધું પણ પછી તેણે સોફ્ટવેઅર એન્જિનિયર બનવાનું પસંદ કર્યું. ભણવા માટે તે શ્રીગંગાનગરથી દિલ્હી ગઈ. ત્યાં દિલ્હીની કોલેજમાં તેણે કાવ્ય-સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યો. આ કાવ્ય-સ્પર્ધાઓને સ્લેમ પોએટ્રી કોમ્પિટિશન પણ કહે છે. જેમાં પોતે લખેલી કવિતાનું અભિનય સાથે ભાવવાહી રીતે પઠન કરવાનું હોય છે. બુદ્ધિશાળી અને શિસ્તબદ્ધ હોવાને કારણે તે સોફ્ટવેઅર એન્જિનિયર બની ગઈ અને તેને ચંદીગઢમાં ઇન્ફોસીસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા પગારે નોકરી પણ મળી ગઈ, પરંતુ બે વર્ષની નોકરી દરમિયાન તેને સતત લાગતું રહ્યું કે તેનું મન તો વાંચન-લેખન અને કવિતાઓમાં જ રમતું રહે છે. ચંદીગઢમાં બે વર્ષની તેની નોકરી દરમિયાન તે દર વીકએન્ડમાં દિલ્હીમાં જુદી-જુદી જગ્યાએ પોતાની કવિતાઓ વાંચવા જતી રહેતી હતી.
આ જ રીતે એક વાર તેને દિલ્હીમાં એક મંચ પર પોતાની સ્લેમ પોએટ્રી રજૂ કરવાની હતી. નાયાબે ખૂબસૂરત નામનું કાવ્ય રજૂ કર્યું. ત્યાંથી તે પોતાની ફેવરિટ હોટલમાં જમવા ગઈ. તે જમતી હતી ત્યારે જે મંચ પર તેણે ખૂબસૂરત કાવ્ય રજૂ કર્યું હતું એના આયોજકનો ફોન આવ્યો. તેમણે નાયાબ પાસે પરવાનગી માગી કે જે કાવ્ય તેણે રજૂ કર્યું હતું એનો વિડીયો તેઓ યૂટ્યુબ પર અપલોડ કરવા માગે છે. નાયાબે તેમને મંજૂરી આપી દીધી. હોટલમાં નાસ્તો કરીને તે પાછી ચંદીગઢ જવા ઉપડી ગઈ. આ દરમિયાન તેનાથી ભૂલથી પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઑફ્ફ થઈ ગયો હતો. રાતે ચંદીગઢ પહોંચ્યા પછી તેને ખ્યાલ આવ્યો અને તેણે ફોન સ્વીચ ઑન કરીને જોયું તો એ ચાર-પાંચ કલાકમાં જ તેની ખૂબસૂરત કવિતાના વિડીયોને ત્રણ લાખ વ્યૂ મળી ચૂક્યા હતા અને બીજા દિવસ સવાર સુધીમાં તો એ આંકડો ત્રીસ લાખ અને પછી જોતજોતામાં દોઢ કરોડ સુધી પહોંચી ગયો હતો.
ત્યારબાદ તો તેણે કવિતાને એટલે કે સ્લેમ પોએટ્રીને જ પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય લઈ લીધો અને નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેના આ નિર્ણયને તેના માતા-પિતાએ પણ વધાવી લીધો. હવે તો નાયાબ ભારતભરમાં જુદી-જુદી જગ્યાએ જઈને પોતાની કવિતાઓનું પઠન કરી રહી છે. સોશ્યલ મિડિયા પર તેના કરોડો ફોલોઅર્સ છે અને તેની કવિતાઓ વાઇરલ થઈ ચૂકી છે.
આપણે ત્યાં સોશિયલ મીડિયાની ટીકા થતી રહે છે પણ આ જ સોશિયલ મીડિયા નાયાબ જેવા કળાકારોને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. નાયાબ કહે છે કે સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં ગમે તે વર્ગ, જાતિ, જ્ઞાતિ, ગરીબ કે તવંગર વ્યક્તિ પોતાની કળાની રજૂઆત કરી શકે છે. જો એ કળાકારની કળામાં તાકાત હોય તો તમામ સીમાડાઓ વિંધીને તે ભાવકો અને ચાહકો સુધી પહોંચે છે.
પરંપરાગત કારકિર્દીને બદલે નવી કેડી કંડારવા ઇચ્છતા યુવાન-યુવતીઓ માટે નાયાબ મિધા એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થઈ રહી છે. જે કામમાં તમારું દિલ લાગતું હોય, જેમાં તમે પોતાનું શ્રેષ્ઠ આપી શકતા હો એવી કારકિર્દી નામ અને દામ પણ અપાવી શકે છે એ નાયાબે સિદ્ધ કરી આપ્યું છે.
નાયાબની જ એક ખૂબ જ વાઇરલ થયેલી કવિતાના શબ્દોથી જ સમાપન કરીએ-
——————–
મુસ્કુરાઓ, અગર આજ કહીં સે હાર ગએ હો
કિસી કો ઉસ જીત કી તુમસે જ્યાદા જરૂરતથી શાયદ
મુસ્કુરાઓ, અગર કુછ ખો ગયા હૈ
જિસકે નસીબ કા થા ઉસકો મિલ ગયા હૈ શાયદ.
મુસ્કુરાઓ, અગર દિલ ટૂટ ગયા હૈ
કિસી કા જોડને કે લિએ કિસી કા તોડના પડતા હોગા શાયદ
ઔર રહ જાએ અગર દિલ મેં ફિર ભી દર્દ કહીં તો બાંટકર મુસ્કુરાઓ
ઔર હૈ અગર દિલ મેં ખુશી જ્યાદા તો સેમ પ્રોસેસ દોહરાઓ.
મુસ્કુરાઓ, જબ બાર-બાર યે સોચકર હતાશ હો જાતે હો
કિ ઇસસે અચ્છા યે હો જાતા, ઇસસે અચ્છા વો હો જાતા
તબ યે સોચકર મુસ્કુરાઓ કિ ઇસસે બૂરા હો જાતા તો ક્યા હો જાતા
મુસ્કુરાઓ, અગર સર પે હૈ છત,
બદન પર કપડા ઔર હૈ થાલી મેં ખાના
ઔર હૈ અગર જરૂરત સે જ્યાદા તો બાંટકર ઘર આના
મુસ્કુરાઓ, જબ પૂછે કોઈ કિ જિંદગી જીના કા હૈ ક્યા સલીકા
મુસ્કુરાઓ યે કહકર કિ હમને જિંદગી સે મુસ્કુરાના હી સીખા
મુસ્કુરાઓ, મુસ્કુરાઓ, ઇવન…
ઇવન ઇફ યુ હેવ ટુ વોક માઇલ્સ એન્ડ માઇલ્સ
બિકોઝ ઇટ્સ ઓકે ઇફ યોર ગ્લાસ ઇઝ હાફ એમ્પ્ટી
યુ કેન ઓલ્વેઝ ફિલ ઇટ વીથ સ્માઇલ્સ, મુસ્કુરાઓ.