પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા નવાઝ શરીફ ટૂંક સમયમાં લંડનથી પાકિસ્તાન પરત આવી શકે છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં 9 એપ્રિલે યોજાનારી ચૂંટણી પહેલા નવાઝ શરીફ પરત આવી શકે છે. આ અટકળોને વધુ બળ એટલા માટે પણ મળ્યું છે કારણ કે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે લંડનના ડોક્ટરોએ નવાઝ શરીફને પાકિસ્તાન જવાની પરવાનગી આપી દીધી છે.
આ પહેલા પણ અનેક પ્રસંગે તેમની પાર્ટીના મોટા નેતાઓ નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાની વાત કરી ચૂક્યા છે. જોકે, હજુ સુધી તેમની પરત ફરવાની કોઈ સ્પષ્ટ તારીખ આપવામાં આવી નથી, પરંતુ આ વખતે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નવાઝ આગામી ચૂંટણી પહેલા પાકિસ્તાન પરત ફરી શકે છે. આ પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા અને શહેબાઝ શરીફ સરકારમાં મંત્રી અયાઝ સાદીકે પણ નવાઝની વાપસી અંગે વાત કરી હતી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને 2018માં વિશેષ અદાલત દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે નવાઝ શરીફને અલ-અઝીઝિયા સ્ટીલ મિલ્સ ભ્રષ્ટાચાર કેસમાં સાત વર્ષની જેલની સજા ફટકારી છે. જ્યારે શરીફને કુલ 11 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ સાથે જ એવેનફિલ્ડ પ્રોપર્ટી વિવાદ કેસમાં 80 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.જોકે, બાદમાં 2019માં લાહોર હાઈકોર્ટે નવાઝ શરીફની સજા રદ કરી હતી, ત્યારબાદ તેમને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
‘પંજાબના સિંહ’ તરીકે ઓળખાતા શરીફ રાજકીય રીતે અસ્થિર પાકિસ્તાનમાં વિક્રમી ત્રણ ટર્મ માટે વડાપ્રધાન બન્યા હતા. તેમણે શાસક પીએમએલ-એન પાર્ટીનું ત્રણ દાયકાથી વધુ સમય સુધી નેતૃત્વ કર્યું છે.