નવી દિલ્હી: ભારતીય નૌકાદળ આવતા વર્ષથી મહિલાઓ માટે તેની તમામ શાખાઓ ખોલવાનું આયોજન કરી રહી છે.
નૌકાદળ દિવસના એક દિવસ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધતી વખતે નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે શનિવારે આ માહિતી આપી હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ વખત
નૌકાદળ મહિલા ખલાસીઓને પણ સામેલ કરી રહી છે. અમારા માટે આ એક સીમાચિહ્નરૂપ ઘટના છે કારણ કે અમે છેલ્લા ૧૬-૧૭ વર્ષથી મહિલા અધિકારીઓને સામેલ કરીએ છીએ, પરંતુ હવે અમે મહિલાઓને ખલાસી તરીકે સામેલ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે આવતા વર્ષથી તમામ શાખાઓ મહિલા અધિકારીઓ માટે પણ ખોલવામાં આવશે. હાલ ફકત ૭-૮ શાખા માટે જ એમને પ્રવેશ અપાય છે.
લગભગ ૩૦૦૦ ‘અગ્નિવીર’ની પ્રથમ બેચને નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે અને તેમાં ૩૪૧ મહિલાઓ સામેલ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રમાદિત્ય સહિત લગભગ પંદર યુદ્ધ જહાજો પર ૨૮ મહિલા અધિકારીને તૈનાત કરવામાં આવી હતી અને આ સંખ્યા વધવાની તૈયારીમાં છે. (એજન્સી)
નૌકાદળ આવતા વર્ષથી મહિલાઓ માટે તમામ શાખાઓ ખોલશે
RELATED ARTICLES