Homeઆપણું ગુજરાતગુજરાતમાં સુરત બાદ નવસારી સહિતના જિલ્લાઓમાં માવઠું

ગુજરાતમાં સુરત બાદ નવસારી સહિતના જિલ્લાઓમાં માવઠું

અમદાવાદ: ગુજરાતમાં રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી છેલ્લા કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સોમવારે સાંજે સુરત, વડોદરા, ભાવનગર, છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ મંગળવારે નવસારીમાં કમોસમી વરસાદ વરશ્યો હતો. આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ગતિના તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત ઉપરાંત બારડોલીના પલસાણા, કડોદરા, કામરેજ અને નિઝર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું હતું. જેથી ઉનાળાની શરૂઆત સાથે જ ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત વડોદરા શહેર અને જિલ્લામાં સોમવારે મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. શહેરના સયાજીગંજ, રાવપુરા સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. છોટા ઉદેપુર જિલ્લામાં સોમવારે સવારથી જ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. આખો દિવસ વાદળીયો વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે અચાનક વરસાદ શરૂ થયો હતો. જ્યારે સંખેડા ખાતે સામાન્ય વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેતીના કપાસ, દિવેલા, સોયાબીન, મકાઈ, મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભાવનગરના તળાજાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થતા જગતનો તાત ચિંતિત થવા પામ્યો હતો. ભાવનગર તેમજ તળાજા સહિત ગ્રામ્ય વિસ્તાર અલંગ, મણાર, સથરા, કઠવા, ત્રાપજમાં વરસાદ વરસવા પામ્યો હતો. કમોસમી વરસાદ વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીંતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી માવઠાંની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular