સુપ્રીમ કોર્ટે 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષ જેલની સજા ફટકારી હતી. જેલમાં તેમને કેદી નંબર 241383 ફાળવવામાં આવ્યો હતો. હવે સિદ્ધુ વિશે મોટા સમાચાર આવ્યા છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી અને કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનું માનીએ તો તેમના સ્ટાર પ્રચારકોની યાદીમાં નંબર વન રહેલા નવજોત સિંહ સિદ્ધુ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઈ શકે છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ વડા સિદ્ધુને જેલમાં સારા વર્તન માટે ગણતંત્ર દિવસ પર મુક્ત કરવામાં આવી શકે છે. સિદ્ધુ એ કેદીઓની યાદીમાં પણ સામેલ છે જેમના નામ આ વર્ષે જેલ પ્રશાસન દ્વારા મુક્તિ માટે મોકલવામાં આવ્યા છે.
નવજોત સિંહ સિદ્ધુ 6.5 મહિનાની સજા ભોગવી ચૂક્યા છે. સિદ્ધુનું જેલમાં વર્તન પણ સારું રહ્યું છે. તેમને કારકૂનીનું કામ આપવામાં આવ્યું હતું જે તેમણે યોગ્ય રીતે કર્યું હતું. જેલમાં નિયમો હોવા છતાં તેમણે એક પણ દિવસ રજા લીધી નહોતી. આ તમામ બાબતો સિદ્ધુની તરફેણમાં છે. જોકે, બોલ હવે પંજાબ સરકારની કોર્ટમાં છે અને અંતિમ નિર્ણય તેમણે લેવાનો છે.
જોકે, જેલમાંથી વહેલી રિલીઝ સિદ્ધુ માટે લિટમસ ટેસ્ટથી ઓછી નહીં હોય. તેમના બહાર આવ્યાના એક વર્ષમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ જશે. કોંગ્રેસ માટે બળવાખોરોને મનાવવા અને તેમની નારાજગી દૂર કરવી આસાન નહીં હોય. સિદ્ધુ બહાર આવતાની સાથે જ કૉંગ્રેસના બીજા ઘણા નેતાઓ ભાજપ સાથે હાથ મિલાવે તેવી શક્યતાઓ છે, કારણ કે આ વરિષ્ઠ નેતાઓ અગાઉ પણ સિદ્ધુ વિરુદ્ધ બોલતા રહ્યા છે. આવા પડકારો વચ્ચે પ્રિયંકા ગાંધી ભવિષ્યમાં સિદ્ધુના શિરે મોટી જવાબદારી સોંપી શકે છે.