પરિવર્તન સંસારનો નિયમ છે. જમાનો ધરખમ બદલાઈ ગયો છે. આપણે બધા હાલ એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ફિલ્મોમાં ઓર્ગેનિક કોમેડી એટલે કે શુદ્ધ મૌલિક કોમેડી ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને યુવાનોને ગમતી ગલગલિયાં કરાવતી રમૂજને સ્થાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે માત્ર સંપૂર્ણ પારિવારિક ફિલ્મોનું નિર્માણ કરતાં ‘કૉકૉનટ મોશન પિક્ચર્સ’ ની આગામી ફિલ્મ, ‘નવા પપ્પા’ એક રસપ્રદ, સંપૂર્ણ મૌલિક કોમેડીનો તદ્દન નવો આધુનિક રંગ લાવી રહી છે.
પ્રેક્ષકોની અપેક્ષા પહેલેથી જ વધારે છે અને એક સુંદર દમદાર વાર્તાની પણ અપેક્ષા છે કારણ કે આ ફિલ્મ જાણીતા ગુજરાતી નાટ્ય-લેખક અને દિગ્દર્શક સુરેશ રાજડા દ્વારા લખવામાં આવી છે. જેમના કાર્યને પ્રેક્ષકોએ હંમેશાં વધાવ્યું છે. તેઓ સફળ, ઉત્તમ વાત રજૂ કરવામાં પારંગત છે. નામાંકિત, કુશળ દિગ્દર્શક અશોક પટેલની નિપુણતાના સહયોગમાં તેમની શ્રેષ્ઠતા ચોક્કસપણે કલાનો નમૂનો બની રહેશે.
ફિલ્મના નિર્માતા શ્રી રશ્મિન મજીઠિયાએ જણાવ્યું હતું કે, “નવા પપ્પા અમારા બધા દર્શકો માટે હાસ્યનો ડબલ ડોઝ લઈને આવી રહી છે. કારણ કે તેને જોવા યોગ્ય બનાવવા માટે અમે અમારા પ્રયત્નોને અનેક ગણા વધાર્યા છે. દરેક કલાકારોએ શાનદાર કામ કર્યું છે. ખાસ તો મુખ્ય ભૂમિકામાં મનોજ જોશીએ ફરીથી એમની ઉત્કૃષ્ટ અભિનય ક્ષમતા દર્શાવી છે. તેઓ વધુમાં જણાવે છે, “એક પ્રોડક્શન હાઉસ તરીકે, અમે હંમેશા કંઈક એવું બનાવવાનો પ્રયાસ કરીએ છીએ કે જે અમારા માનવંતા દર્શકો તેમના સંપૂર્ણ પરિવાર સાથે માણી શકે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ પરિવાર સાથે મળીને ફિલ્મ જોવાનાં આનંદની અનુભૂતિ કરે. અને “નવા પપ્પા ફિલ્મમાં રમૂજ અને કૉમેડી એવા છે જે સહકુટુંબને ચોક્કસ એકસાથે મોટેથી હસાવશે. ફરી એક વાર અમે અમારી ફિલ્મ દ્વારા આ અનુભવ કરાવીશું. એમ અમે ગર્વથી કહી શકીએ. શ્રી રશ્મિન મજીઠિયાના આ વિઝનને સમર્થન આપવા માટે ફિલ્મની રિલીઝ તારીખ, આજની પસંદ કરવામાં આવી છે. વેકેશનનો સમયગાળો હોવાથી, સમગ્ર પરિવાર, કુટુંબ, મિત્રો તેને એક સાથે જોઈ શકે છે અને તેના માટે સરળતાથી સમય કાઢી શકે છે.
ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું ત્યારથી પ્રેક્ષકો ‘નવા પપ્પા’ તરફ આકર્ષાયા છે અને તેના વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે. વધુમાં, રિલીઝ થયેલ ગીત ‘પપ્પા કહેતા’તા’ એ એમની ઉત્સુકતા બમણી કરી નાખી છે.
કૉકૉનટ મોશન પિક્ચર્સની ફિલ્મોને હંમેશાં પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી છે અને ‘નવા પપ્પા’ માટે તેમનો ઉત્સાહ એ વાત સાબિત કરે છે. જો કે, પરિસ્થિતિ પણ થોડી અલગ છે, ઉત્સાહિત કરતાં વધુ, તેઓ મનોજ જોશીના શંકાશીલ પાત્ર વિશે જાણવા માટે અધીરા છે. પરંતુ, એમની આ આતુરતાનો જલ્દી અંત આવવાનો છે. આ બધું જાણવા માટે તમે તમારા પરિવાર સાથે આજે જ જુઓ નજીકનાં સિનેમાઘરોમાં, “નવા પપ્પા.