સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
*ધાર્મિક સ્થાપત્યની રચનામાં ભવ્યતા વ્યક્ત થાય એ સ્વાભાવિક છે
*એક તરફ બારીકાઈથી રખાયેલું ધ્યાન તો બીજી તરફ મોટી મોટી વાતો
*આબોહવા તથા જીવનશૈલી અનુસારની સ્વાભાવિક રચના
સ્થાપત્યએ કળાનું વિશેષ ક્ષેત્ર છે. પ્રત્યેક કળામાં હોય છે તેમ આ ક્ષેત્રમાં પણ કેટલીક બાબતો સ્વાભાવિક ગણાય અને કેટલીક બાબતો પ્રયોજિત. ચિત્રકામમાં આકારોની ગોઠવણી તે સ્વાભાવિક બાબત છે. રેખાઓ વડે કે અન્ય કોઈ સંરચના થકી ચિત્રકળામાં આકારની હાજરી હોય જ. આમ તો ચિત્રકળામાં રંગની હાજર પણ સ્વાભાવિક ગણાય; પરંતુ કેટલાંક લોકો શ્ર્વેત-શ્યામ આલેખનને ‘રંગીન’ ન ગણતાં હોવાથી તેમની માટે રંગોની હાજરીવાળું ચિત્રણ પ્રયોજિત ગણાય. ફિલ્મમાં પણ આ જ પ્રકારનો ખ્યાલ પ્રવર્તમાન છે. અહીં પણ શ્ર્વેતશ્યામ તથા રંગીન એમ બે શ્રેણી જોવાં મળે છે.
સંગીતમાં સ્વરોની ચઢ-ઉતર સ્વાભાવિક છે. વાર્તામાં કથા-વસ્તુની હાજરી સ્વાભાવિક છે. નાટ્યકળામાં મંચ પરના વિવિધ સ્થાનનું મહત્ત્વ સ્વાભાવિક છે. શરીરના મરોડદાર હલનચલન વગરના નૃત્યને નૃત્ય ન કહી શકાય. સ્થાપત્યમાં પણ આવી જ રીતે સ્વાભાવિક બાબતો છે અને સ્થાપત્યનું ફલક વિસ્તૃત હોવાથી તથા તેની રચનામાં જટીલતા હોવાથી તેમાં સ્વાભાવિક બાબતોની સંખ્યા વધુ હોય તે પણ સ્વાભાવિક છે.
સ્થાપત્યને નિર્ધારિત કરતી બાબતોમાં મુખ્યત્વે ત્રણ પરિબળોની ગણના કરાય છે; ઉપયોગિતા, મજબૂતાઈ તથા સુંદરતા. આની સાથે આજના પરિપ્રેક્ષ્યમાં કાયદાકિય જોગવાઈ, આસપાસના સંદર્ભો, પર્યાવરણને લગતી બાબતો તથા વ્યક્તિગત પસંદ-નાપસંદનો સમાવેશ પણ કરાય છે. પ્રવર્તમાન પ્રવાહો તથા નિર્ધારિત સમયગાળો પણ ક્યાંક મહત્ત્વનાં બની રહે છે. સ્થાપત્ય જેવા વિસ્તૃત ક્ષેત્રમાં જે તે બાબતોની સ્વીકૃતિ તથા અસ્વીકૃતિ માટે સંવેદનશીલ રહેવું ખૂબ જરૂરી ગણાય.
સ્થાપત્ય ચોક્કસ કાર્ય હેતુ માટે રચવામાં આવે છે. જે તે વ્યક્તિ/સમાજમાં કાર્યશૈલી પ્રમાણે સ્થાન-નિર્ધારણ થાય તે સ્થાપત્યમાં સ્વાભાવિક છે. જો આમ ન થાય તો તે રચનાનો હેતુ જ સિદ્ધ ન થાય. આ ઉપયોગિતાનો પ્રકાર, તેની માત્રા તથા તેના પુનરાવર્તનનો આવર્તન-ગાળો ધ્યાનમાં રખાતો હોય છે. આ ઉપયોગિતામાં અનુકૂળતા ઉપરાંત તે કાર્યક્ષમ બને તે વાતનું ધ્યાન રખાય તે સ્વાભાવિક છે. મકાનની એક જ પ્રકારની ઉપયોગિતામાં પણ સંસ્કૃતિ, સ્થળ કાળ તથા અગ્રતાક્રમ પ્રમાણે બદલાવ રહેતો હોય છે અને તે બાબત પણ સ્થાપત્યની રચનામાં મહત્ત્વની બની રહે છે.
સ્થાપત્યના દેખાવમાં ઉગ્રતા ઈચ્છનીય નથી. સ્થાપત્ય એ એક એવી કળા છે કે જેમાં તેનો ઉપયોગ ન કરનાર વ્યક્તિ પણ પ્રભાવિત થાય છે. તેટલા માટે જ બહુજનહિતાય સ્થાપત્યના દેખાવમાં રમ્યતાની સાથે સૌમ્યતા વણાયેલી હોય છે. તે ધ્યાનાકર્ષક હોવાની સાથે સરળ હોય તે સ્વાભાવિક છે. અહિં માપ અને પ્રમાણમાપ યોગ્ય માત્રામાં તથા સંતુલિત કહી શકાય તેવું હોય છે. સ્થાપત્યમાં દૃશ્ય-કલાત્મકતા પાછળનો ભાવ પણ સર્વસ્વીકૃત હોવો જોઈએ. બેંકનું મકાન જોતાં જ એક પ્રકારની ‘સ્થિરતા’નો ભાવ જાગવો જોઈએ. બેંકના મકાનનો દેખાવ જ જો કંઈ અનિશ્ર્ચિત તથા હંગામી પ્રકારનો દેખાય તો કદાચ તે બેંકને વિશ્ર્વસનીયતા સ્થાપતા ઘણો સમય જતો રહે. તેથી જ સ્થાપત્યની રચનાનો દેખાવ તેની ઉપયોગિતાના અનુસંધાન પ્રમાણેનો હોય તે સ્વાભાવિક ગણાય છે.
સ્થાપત્યમાં સામાજિક સંસ્થાઓનું માળખું પ્રતિબિંબિત થાય તે સ્વાભાવિક છે. ઘરની રચનામાં કુટુંબનું માળખું કે લગ્નની વાડીની રચનામાં જે તે સામાજિક પરંપરાનું માળખું વ્યક્ત થતું જોવા મળે છે. સ્થાપત્યનો પ્રત્યેક નમૂનો એક રીતે સહઅસ્તિત્વની ભાવના દૃઢ કરે છે. માનવી એ સામાજિક પ્રાણી છે તે સહઅસ્તિત્વનું મૂલ્ય સમજતો હોય છે અને તેથી જ આ સહઅસ્તિત્વનો ભાવ તથા તેનો પ્રકાર સ્થાપત્યમાં વણાય જાય તે સ્વાભાવિક છે. જે તે સમાજ-સંસ્થાની કાર્યશૈલી પરંપરાથી નિર્ધારિત થતી હોય છે. તેનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાંસ્કૃતિક મૂલ્ય હોય છે. આમ સ્થાપત્યમાં પરંપરા તથા સંસ્કૃતિ પણ વણાતી હોય છે તેથી જ સ્થાપત્યને સમાજના વિવિધ મૂલ્યોનું તથા તેનાથી ઊભરતી વિવિધ ક્રિયાઓનું પ્રતિબિંબ ગણાય તે સ્વાભાવિક છે. સ્થપતિનું આ ઉત્તરદાયિત્વ ગણાય કે તે આવી પરંપરાને યોગ્ય ન્યાય આપે.
સ્થાપત્યની રચનામાં તે બાંધકામની સામગ્રીનો અસરકારક ઉપયોગ થાય તે જરૂરી છે. આમાં પણ સ્થાનિક સામગ્રી તથા સ્થાનિક તકનિકી જાણકારી મહત્તમ ઉપયોગમાં લેવાય તે ઈચ્છનીય છે. બાંધકામની સામગ્રી તથા તેના તકનિકી ઉપયોગના પ્રકારથી જ મકાનની આવરદા નિર્ધારિત થતી હોય છે; અને આ બાબતો થકી જ તેની જાળવણી તથા માવજત પાછળ થનારો સંભવિત ખર્ચ નક્કી થાય છે. સ્થાપત્યની રચના ચોક્કસ કાર્યહેતુ માટે તો થાય છે જ પણ સાથે સાથે તેની રચના ચોક્કસ સમયગાળા માટે પણ થાય છે. દાદા બનાવે અને દીકરાનાં દીકરા વાપરે એ પ્રકારની ઈચ્છા સમયાંતરે ક્ષીણ થતી ગઈ છે. તેથી જ પ્રાપ્ય સંસાધનો થકી ચોક્કસ સમયગાળા માટે મકાનની રચના થતી જોવા મળે છે જે સ્વાભાવિક અને ઈચ્છનીય પણ છે. જો સંસાધનો વિપુલ હોય તો સામગ્રી તથા તકનિક એ બન્ને અ-સ્થાનિક પણ હોઈ શકે.
મકાનની રચના ચોક્કસ સ્થાને કરાતી હોય છે અને તેમાં આ સ્થાન અને તેની આજુબાજુની પરિસ્થિતિ ધ્યાનમાં રખાય તે સ્વાભાવિક છે. વળી આ સ્થાનની આબોહવા પણ ધ્યાનમાં રાખવી પડે. સ્થાપત્યની રચનામાં સ્થાનિક આબોહવાના વિપરિત પરિબળોનું નિયંત્રણ થવું જોઈએ અને ઈચ્છનીય પરિબળોને માણવાના સંજોગો રચાવા જોઈએ. મકાન સ્થાનિક આબોહવાને યોગ્ય પ્રતિભાવ આપે તે સ્વાભાવિક છે. વળી જ્યાં મકાન બનાવવામાં આવે ત્યાંની જો કોઈ સ્થાપત્ય-શૈલી પ્રવર્તમાન-પ્રચલિત હોય તો તેના પ્રત્યે હકારાત્મક અભિગમ રાખવો એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે.
સ્થાપત્યના નમૂનાને ઉપયોગમાં લેનાર વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહની પસંદગી, આકાંક્ષાઓ, સપનાઓ વગેરે સ્થાપત્યમાં વણાય જવા જોઈએ. જે તે વ્યક્તિનું ઘર તેની પસંદગી તથા સપનાઓની સાથે સાથે તેના વ્યક્તિત્વને અનુરૂપ પણ હોવું જોઈએ. મકાન જે તે વ્યક્તિ કે વ્યક્તિસમૂહના અગ્રતાક્રમ તથા કળાત્મક-મૂલ્યોનું પ્રતિપાદન કરે તે સ્વાભાવિક લેખાય.
સ્થાપત્ય વૈશ્ર્વિક પરિબળોને પણ ધ્યાનમાં રાખે તે ઈચ્છનીય છે. તેની રચનામાં ઊર્જાની ખપત ઓછી થવી જોઈએ. તેના બાંધકામમાં એવી બાબતો ન વણાવવી જોઈએ કે જેનાથી અન્ય કોઈ સ્થળે પર્યાવરણનું સંતુલન ખોરવાય કે જોખમાય. સંવેદનશીલ સ્થપતિ સામગ્રીનો વ્યય અટકાવે તે સ્વાભાવિક છે. કોઈની પાસે અઢળક સંપત્તિ હોય તો તેનાથી તેને કયાંક પર્યાવરણનું સંતુલન ખોરવવાનો અધિકાર નથી મળી જતો. આ ઉપરાંત સ્થાપત્યની રચના થકી સ્થાનિક રોજગાર ઊભો થાય તે ઈચ્છનીય છે.
સ્થાપત્યની રચનામાં ઈચ્છનીય બાબતો પણ હોય છે અને સ્વાભાવિક બાબતો પણ. જો ઈચ્છનીય બાબતો પણ સ્વાભાવિક બનતી જાય તો સ્થાપત્યની મઝા જ કંઈ ઓર થઈ રહે. એમ કહી શકાય કે સ્થાપત્યમાં એ બાબતો સ્વાભાવિક બની રહેવી જોઈએ જેનાથી માનવના જીવનની ગુણવત્તા સુધરે; તે વધુ આનંદથી અને સંલગ્ન થઈ જીવન માણી શકે. તેને ફરિયાદની તક ભાગ્યે જ મળે. તે જીવનની ઊર્જા અને ચેતનાની હકારાત્મકતામાં પોતાને ઢાળી છે. આ પ્રકારની સ્થિતિ સર્જવામાં સ્થાપત્ય જો સહાયરૂપ થાય તો જ સ્થપતિનો શ્રમયજ્ઞ સફળ થયો ગણાય. બાકી પૈસા તો પાનના ગલ્લાવાળો પણ કમાય છે.