દિલ ચાહતા હૈ -પાર્થ દવે
ઑસ્કર ૨૦૨૩ના ફાઇનલ નોમિનેશન્સ આવી ગયા છે. દુ:ખ અને સુખ, બેઉની વાત ભેગી છે. ભારતની ઑફિશિયલ ઑસ્કર એન્ટ્રી, આપણી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (લાસ્ટ ફિલ્મ શો) શોર્ટ લિસ્ટ થઈ હતી, પણ નોમિનેશન્સમાં નથી બિરાજી શકી. પણ કંઈ નહીં, એક ગુજરાતી ફિલ્મ વિશ્ર્વફલક પર ચમકી, ત્યાં સુધી પહોંચી એનો હરખ છે.
હવે પોઝિટિવ વાત એ છે કે, રાજામૌલીની આરઆરઆરના ગીત ‘નાટુ નાટુ’ની પસંદગી બેસ્ટ ઑરિજનલ સોન્ગમાં થઈ છે. આરઆરઆર ફિલ્મ વિશે તો તમે જાણો જ છો. તેમાં સીતારામ રાજૂ અને કોમારામ ભીમના જીવન પર આધારિત, કાલ્પનિક વાર્તા હતી.
નાટુ નાટુ ગીત એમ. એમ. કિરવાનીએ કમ્પોઝ કર્યું છે અને તેના શબ્દો લખ્યા છે ચંદ્રબોસે. કાલ ભૈરવ તથા રાહુલ સિપ્લિંગજે તે ગાયું છે. અદ્ભુત કોરિયોગ્રાફ કર્યું છે પ્રેમ રક્ષિત. આ સૌ સર્જકોને ખૂબ ખૂબ અભિનંદન.
બીજું નોમિનેશન મળ્યું છે ઑલ ધેટ બ્રિથ્સ નામની ડોક્યુમેન્ટ્રીને. દિલ્હીમાં રહેતા બે ભાઈઓ પર આધારિત આ ડોક્યુમેન્ટ્રીમાં પક્ષીઓ, પ્રાણીઓને બચાવવાની, તેમના રક્ષણ કરવાની વાત છે. શૌનક સેને આ ડોક્યુમેન્ટ્રીનું દિગ્દર્શન કર્યું છે. તેમાં સલિક રહેમાન, મોહમ્મદ સાઉદ અને નદીમ શહઝાદ દેખાય છે. ત્રીજું નોમિનેશન મળ્યું છે ધ એલિફન્ટ વ્હિસ્પર્સને, જેમાં એક આદિવાસી કપલની વાર્તા છે, જે મધુમલાઈ વાઘ અભયારણ્યમાં રહેનારા હાથીના એક અનાથ બચ્ચાને દત્તક લે છે. તેનું નામ રઘુ રાખે છે અને તેનો ઉછેર કરે છે. તે મોટો થતો હાથી કઈ રીતે તે બેઉની જિંદગી બદલી નાખે છે તે ધ એલિફન્ટ વ્હિસ્પર્સમાં જોવા મળે છે.
આ ફિલ્મ કાર્તિકી ગોન્ઝાલ્વેસે ડિરેક્ટ કરી છે. તેની સ્ક્રીપ્ટ કાર્તિકી સાથે મળીને ગરિમા પુરા પટિયાલવીએ મળીને લખી છે. આ ડોક્યુમેન્ટ્રી નેટફ્લિક્સ પર અવેલેબલ છે.
———–
રોહિત શેટ્ટી, લોકેશ કનગરાજ બાદ હવે યશરાજનું યુનિવર્સ!
આ લખાઈ રહ્યું છે ત્યારે પઠાન ફિલ્મ રિલીઝ થઈ છે. અમુક જગ્યાએ મોર્નિંગ શો હાઉસફૂલ છે, અમુક જગ્યાએ સો સો પબ્લિક છે. ૨૦૨૩ની બોક્સિ ઑફિસ પર ટંકશાળ સાબિત થનારી ફિલ્મ પઠાણ બનશે, એમાં કોઈ ડાઉટ નથી લાગી રહ્યો.
વાત કરવી છે યશરાજના સ્પાય યૂનિવર્સની. પઠાણના ટ્રેલરમાં તમે જોયું હોય તો ઢછઋ જાુ ઞક્ષશદયતિય નો લોગો આવે છે. આ યૂનિવર્સ હેઠળ જુદાં જુદાં પાત્રો એક જ વાર્તાનો ભાગ બનશે. આપણે માર્વેલ યૂનિવર્સ વિશે સાંભળ્યું છે. તે ફિલ્મો પણ જોઈ છે. તેની શરૂઆત ૨૦૦૮માં આવેલી આયર્ન મેનથી થઈ હતી. ઇન્ડિયન સિનેમામાં પણ ક્રિએટર્સે પોતાનું યૂનિવર્સ ઊભું કરવાની શરૂઆત કરી દીધી છે.
રોહિત શેટ્ટી પોતાનું યૂનિવર્સ બનાવી રહ્યો છે. સિંઘમથી તેની શરૂઆત થઈ હતી. પછી સિમ્બા અને સૂર્યવંશી આવી. રિપોર્ટ્સ મુજબ, હવે સિંઘમ ૩માં પણ સિમ્બા અને સૂર્યવંશી એટલે કે રણવિર સિંહ અને અક્ષય કુમાર જોવા મળશે. કૈથી અને વિક્રમના સર્જક લોકેશ કનગરાજ, લોકેશ સિનેમેટિક – કઈઞ યૂનિવર્સ બનાવી રહ્યા છે.
કૈથીનું પાત્ર, વિક્રમમાં ક્રોસ થાય છે. વિક્રમના અંતમાં આવતું રોલેક્સનું કેરેક્ટર હવે બિલ્ટ-અપ થશે. લોકેશ ક્રાઇમ થ્રિલર યૂનિવર્સ બનાવી રહ્યા છે, જેની
આગામી ફિલ્મમાં થલાપથી વિજય જોવા મળશે. જેમાં વિક્રમનું કમલ હાસનનું પાત્ર ક્રોસ થશે! ઉપરાંત કહેવાઈ રહ્યું છે કે તમિળ ઍક્ટર વિક્રમ પણ વિલન તરીકે જોવા મળશે.
પઠાણના ઇન્ટરવલ બાદના પોર્શનમાં ટાઇગર સિરીઝનું સલમાન ખાનનું પાત્ર જોવા મળશે. જેની એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ ફિલ્મો સફળ રહી હતી. જોકે, હજુ સુધી આદિત્ય ચોપરાએ ફ્રેન્ચાઇઝિને યૂનિવર્સમાં તબ્દીલ કરવાનો વિચાર નહોતો આવ્યો. તે વિચાર હૃતિક રોશન – ટાઇગર શ્રોફની વોર ફિલ્મ દરમ્યાન આવ્યો હતો. વોરમાં હૃતિક રોશન રો એજન્ટ હતો, જે બાદમાં બાગી થઈ જાય છે. આદિત્ય ચોપરાને આઇડિયા આવ્યો કે બધા રો એજન્ટ એકસાથે આવી જાય તો? જોકે, વોરમાં અન્ય વાર્તા ક્રોસ ન કરી, પણ હૃતિકના પાત્ર કબીરને સંપૂર્ણ રીતે વિક્સવા દીધું.
ઘણી વખત જાણીતા થયેલા જુદાં જુદાં પાત્રોને એક ફિલ્મમાં બતાવવાથી નુક્સાન પણ થતું હોય છે.
એવું હોલીવૂડની ફિલ્મોમાં થયું પણ છે. માટે
સિફ્તપૂર્વક, ચાહકોને ગમે એ રીતે સ્ક્રીન પર બિગ સ્ટાર્સને દર્શાવવામાં ફાયદો છે. નહિતર બોલીવૂડમાં આજકાલ બધું ઊંધું પડે છે!
————
હંસલ મહેતાની ‘ફરાઝ’ ઢાકામાં થયેલા આતંકવાદી હુમલા પર આધારિત
હંસલ મહેતાની ફિલ્મ ‘ફરાઝ’નું ટ્રેલર રિલીઝ થયું છે. ૨૦૧૬ના જુલાઈ મહિનામાં ઢાકામાં થયેલા એક આતંવાદી હુમલાની ઘટના પડદા પર દેખાવાની છે. આતંકવાદીઓએ ઢાંકાના એક કેફેમાં નિર્દોષો ઉપર કત્લેઆમ કરી હતી, ત્યારે તેમનો જીવ બચાવવા માટે આતંકવાદીઓ સામે એક યુવાન ઊભો રહ્યો હતો.
તે યુવાન એટલે કે ફરાઝ હુસ્સૈનનું પાત્ર ઝહાન કપૂર ભજવી રહ્યો છે. ઝહાન, શશિ કપૂરનો પૌત્ર છે. ફિલ્મમાં ઝહાન ઉપરાંત પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ અને રાજ બબ્બરની પુત્રી જુહી બબ્બર પણ જોવા મળવાની છે. રિતેશ શાહ, કશ્યપ કપૂર અને રાઘવ કક્કરે આ ફિલ્મ લખી છે. ફરાઝનું બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલ – ૨૦૨૨માં પ્રીમિયર યોજાયું હતું. ૩જી ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.