જૈનોનો વિરોધ: ‘સંમેત શિખરજી’ અને ‘પાલિતાણા’ને મુદ્દે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ અને મુંબઈના ઘાટકોપરમાં દેખાવ કરી રહેલા જૈન સમુદાયના લોકો. (તસવીર: પીટીઆઈ અને અમેય ખરાડે)
નવી દિલ્હી: ઝારખંડની રાજ્ય સરકારે સંમેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવા અને પાલિતાણાના જૈન દેરાસરમાં તોડફોડની ઘટના સામે જૈન સમુદાયે રસ્તા પર ઊતરીને આંદોલન કર્યું હતું. ઉક્ત ઘટનાઓ બાબતે વિરોધ પ્રદર્શન માટે મુંબઈ, અમદાવાદ સહિત ગુજરાતનાં શહેરો, દિલ્હી, મધ્ય પ્રદેશ અને કર્ણાટક સહિતના પ્રાંતોમાં હજારો જૈનોએ મોરચા કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારીઓએ તેમની માગણીઓ બાબતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ભાવનગર જિલ્લાના પાલિતાણા પાસેના શેત્રુંજય પર્વત પરના લોહસ્તંભ અને બોર્ડની અસામાજિક તત્ત્વોએ કરેલી તોડફોડ સામે ઉગ્ર વિરોધ જાગ્યો છે. તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી. ત્યાર પછી બે ધાર્મિક ટ્રસ્ટો વચ્ચે તંગદિલી સર્જાઇ હતી. એ વિસ્તારમાં ગોચરની જમીન પર ઘર બાંધવામાં આવ્યા હોવાનો પણ વિવાદ છે. ઝારખંડની રાજ્ય સરકારે દિગંબર અને શ્ર્વેતાંબર બન્ને જૈન સમુદાયોના તીર્થધામ સંમેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવા સામે વિવિધ જૈન સંગઠનોએ વિરોધ કર્યો હતો. ઝારખંડના ગિરિદિહ જિલ્લામાં સમેત શિખરજી ભગવાન પારસનાથનો પર્વત હોવાથી જૈન તીર્થધામ તરીકે ત્યાં યાત્રા માટે આવતા હોય છે. વિરોધ પ્રદર્શકોનું કહેવું છે કે સંમેત શિખરજીને પર્યટન સ્થળનો દરજ્જો પ્રાપ્ત થતાં ત્યાં હોટેલો ખૂલશે અને પર્યટન સંબંધી અન્ય પ્રવૃત્તિઓ પણ શરૂ થશે. એ પ્રવૃત્તિઓ પેદા થનારા સામાજિક દૂષણો તીર્થધામની પવિત્રતાનો ભંગ કરી શકે એમ છે. ચોવીસમાંથી વીસ તીર્થંકરો અને કેટલાક સાધુઓએ એ પર્વત પર મોક્ષ પ્રાપ્ત કર્યો હોવાથી તેને પર્યટન સ્થળને બદલે તીર્થધામ જાહેર કરવાની માગણી કરવામાં આવે છે.
જૈન સમુદાયના સાધુઓ, મુનિઓએ શ્રાવકોને સમાજની માગણીઓ શાંતિપૂર્ણ રીતે રજૂ કરવા જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શકોએ એમ પણ જણાવ્યું હતું કે દેશની વસતીમાં જૈન સમાજની જનસંખ્યા ફક્ત એક ટકો છે અને જૈનો દેશના કરવેરાના ચોવીસ ટકા ચૂકવે છે. (એજન્સી)