અજિત પવારે કર્યો બચાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રમાં અનેક મુદ્દે સત્તાધારી અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. દિશા સાલિયાનના મૃત્યુની તપાસને મુદ્દે વિધાનસભામાં થયેલી ધમાલ બાદ જયંત પાટીલે ગૃહમાં બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો હોવાથી તેમને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે ત્યારે તેઓ વધુ એક વાંધાજનક નિવેદન કરીને નવા વિવાદમાં સપડાયા છે.
તેમના પર સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી ત્યાર પછી પત્રકારોને સંબોધતાં તેમણે એક નિવેદન એવું કર્યું હતું કે ‘રાષ્ટ્રવાદીની સેના’ છે. હવે તેમના આ નિવેદનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને ચારે તરફ તેની ટીકા થઈ રહી છે ત્યારે એનસીપીના નેતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે જયંત પાટીલનો
બચાવ કર્યો છે.
વિધાનભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં જયંત પાટીલે શુક્રવારે કહ્યું હતું કે અમારી શિવસેના છે, રાષ્ટ્રવાદીની શિવસેના છે. આ નિવેદન પર ભાસ્કર જાધવે હસીને દાદ આપી હોવાનું પણ વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
આ મુદ્દા પરથી મનસેએ જયંત પાટીલ અને શિવસેનાની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી. પેટમાં રહેલું હોઠ પર આવી ગયું. એનસીપી પાસે શિવસેનાને ગિરવે મૂકી દીધી છે. અમારી શિવસેના, રાષ્ટ્રવાદીની શિવસેના-જયંત પાટીલ. ભાસ્કર જાધવે પણ તેને માન્ય રાખ્યું હતું. એવી ટીકા સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.
આ બધાની વચ્ચે શનિવારે અજિત પવારે એવી સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘કારણ વગર ધ નો મ કરશો નહીં. તેમની શિવસેના તેમની પાસે છે. અમારા રાષ્ટ્રવાદીના વિચારો અમે પહોંચાડીએ છીએ. બધા પક્ષો પોતપોતાની રીતે કામ કરતા હોય છે. બધા પક્ષો પોતાની રીતે તેમની વિચારસરણી લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે. આ મુદ્દે વધુ વિવાદ કરવાની આવશ્યકતા નથી.’