શરારત કે સ્યુસાઈડ: જયપુરની સ્કૂલમાં 9 વર્ષની બાળકીએ રેલિંગ પરથી છલાંગ મારી, જુઓ વીડિયો

જયપુર: આજના સમયમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો પણ આત્મહત્યા જેવું મોટું પગલું ભરી રહ્યા છે. તાજેતરમાં આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં ચોથા ધોરણમાં ભણતી માત્ર નવ વર્ષની વિદ્યાર્થીનીનું શાળાના ચોથા માળ પરથી પડી જવાથી કરૂણ મૃત્યુ થયું છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજે ઊભા કર્યા અનેક સવાલ
અમાયરા(ઉ. 9 વર્ષ) નામની બાળકી જયપુરની નીરજા મોદી સ્કૂલમાં(Neerja Modi School suicide)
અભ્યાસ કરતી હતી. આ બાળકીએ સ્કૂલના ચોથા માળની રેલિંગ પર ચઢીને નીચે છલાંગ મારતા તેનું મૃત્યુ નીપજ્યું છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, અમાયરા થોડીવાર માટે આકસ્મિક રીતે ચાલે છે, પછી રેલિંગ પાસે જાય છે અને તેના પર ધીમે ધીમે ચઢે છે. થોડીક સેકન્ડ માટે તે પોતાનું સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક સંતુલન ગુમાવીને જમીન પર પડી જાય છે. આ દૃશ્ય હૈયુ કંપાવે એવું છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે, અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શાળાએ કર્યો પુરાવા ભૂંસવાનો પ્રયાસ
જયપુરમાં થયેલી આ ઘટનામાં નીરજા મોદી સ્કૂલના પ્રશાસનનું વર્તન શંકાસ્પદ જણાઈ રહ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવે તે પહેલાં જ, શાળા પ્રશાસને ઘટનાસ્થળને પાણીથી ધોઈ નાખ્યું હતું અને લોહીના ડાઘ તથા અન્ય મહત્વપૂર્ણ પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી શાળા વહીવટીતંત્રે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.
આ ઘટનાની ગંભીરતાને જોતા શિક્ષણ મંત્રી મદન દિલાવરે છ સભ્યોની તપાસ સમિતિ શાળામાં મોકલી હતી, પરંતુ શાળા મેનેજમેન્ટે ટીમને ગેટ પર જ રોકી દીધી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી મણિવાસ શર્મા સહિત તમામ અધિકારીઓ દોઢ કલાક સુધી બહાર ઊભા રહ્યા હતા. કારણ કે શાળાના આચાર્ય કે મેનેજમેન્ટ ટીમના કોઈ સભ્ય હાજર રહ્યા નહીં. જેથી અધિકારીઓએ સ્કૂલની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી હતી.
પોલીસે શરૂ કરી તપાસ
પોલીસે તાત્કાલિક CCTV સિસ્ટમનો આખો DVR જપ્ત કર્યો છે. ફોરેન્સિક ટીમે દિવાલો અને ફ્લોર પરથી લોહીના ટ્રેસ સેમ્પલ એકત્રિત કર્યા છે, અને તેઓ ફૂટેજમાં કોઈ ફેરફાર કે છેડછાડ કરવામાં આવી છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. તપાસ અધિકારી લખન ખટાનાએ મીડિયાને જણાવ્યું હતું કે, ફૂટેજમાં છોકરી રેલિંગ પર ચઢતી સ્પષ્ટ દેખાય છે, પરંતુ ફોરેન્સિક ટીમ હવે તપાસ કરી રહી છે કે શું વિડિઓમાં કોઈએ તેની આસપાસ એવું કંઈ કહ્યું કે કર્યું? જેનાથી તેણીને આવું પગલું ભરવા માટે પ્રેરિત કરવામાં આવી હોય.
ઉલ્લેખનીય છે કે, અમાયરાને શાળામાં કોઈએ અમાયરાને માનસિક રીતે હેરાન કરી હતી? શું આ માત્ર એક અકસ્માત હતો કે તેને આવું કરવા માટે મજબૂર કરવામાં આવી હતી? શાળા વહીવટીતંત્રે ઘટનાસ્થળના પુરાવાનો નાશ કેમ કર્યો? આવા ઘણા સવાલો ઊભા થયા છે. જેના જવાબોની સાથોસાથ બાળકીનો પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે.



