દિલ્હી એરપોર્ટ પર “વિકાસ છલકાયો”! વરસાદથી શેડ તૂટતા કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર…

નવી દિલ્હી: આજે વહેલી સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-1ના બહારના શેડનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનાનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિપક્ષ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યું છે.
વીડિયોમાં જોવા મળે છે કે એરપોર્ટની બહાર ઓવરહેંગ શેડનો પર પાણી પડી રહ્યું છે, પાણીના વજનને કારણે શેડ ધીમે ધીમે નીચે નમી રહ્યો છે. થોડી વાર પછી શેડ તૂટી પડે છે, પાણી વહેવા લાગે છે. જોકે, સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
કોંગ્રેસના કેરળ યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કર્યો, જેમાં કટાક્ષ કરતા લખ્યું, “ઝરમર વરસાદ પછી દિલ્હી એરપોર્ટ પર વિકાસ છલકાઈ ગયો.” અહેવાલ મુજબ ભારે વરસાદ અને પવનને કારણે દિલ્હી એરપોર્ટ પર 17 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સહિત 49 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.
દિલ્હી એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દિલ્હીમાં 24મેની રાત્રે ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. શહેરમાં સવારે 2:૦૦ વાગ્યાની આસપાસ 30 થી 45 મિનિટના ટૂંકા ગાળા માટે 70-80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વરસાદને કારણે IGI એરપોર્ટ અને તેની આસપાસ થોડા સમય માટે પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે કામગીરી પર થોડા સમય માટે અસર પડી હતી.”
એરપોર્ટે જણાવ્યું કે ગ્રાઉન્ડ ટીમો દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થિતિ ફરી સામાન્ય કરવામાં આવી હતી.