દિલ્હીમાં G20 સમિટ માટે રખડતા શ્વાનો પર નિર્દયતા! જીવદયા કાર્યકરોમાં આક્રોશ
G-20 સમિટ માટે ભારતની રાજધાની નવી દિલ્હીમાં વિશ્વના કદવાર નેતાઓ એકઠા થયા છે. તેમની નજરોથી ભારતના ગરીબોને છુપાવવા દિલ્હી અને નોઈડાના ઘણા વિસ્તારોમાં આવેલી ઝુપડપટ્ટીઓને કાપડ પાછળ ઢાકી દેવામાં આવી છે તો કેટલીક વસાહતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેથી વિદેશી મહેમાનો નજરમાં ભારતની છબીને કલંકિત ન થાય. ઝુપડપટ્ટી ઉપરાંત શહેરના પ્રાણીઓનો પણ નિર્દયતા પૂર્વક હટાવવામાં આવ્યા છે. મધ્ય દિલ્હી, દક્ષિણ દિલ્હી અને એરપોર્ટ સહિત ઘણા વિસ્તારોમાંથી રખડતા શ્વાનોને નિર્દયતા પૂર્વક પકડીને કેદ કરવામાં આવ્યા છે.
પ્રસાશને G-20 સમિટ પહેલા જાહેર જગ્યાઓ પરથી વાંદરાઓને દૂર કરવા માટે લંગુરના કટઆઉટ મુક્યા હતા. ત્યાર બાદ રસ્તા પર રખડતા શ્વાનોને પકડવાનું અભિયાન ચલવવામાં આવ્યું હતું. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ રખડતા શ્વાનોને હટાવવાને સમિટ સાથે સીધી કોઈ સંબંધ નથી એવું કહ્યું હતું. MCDએ કહ્યું કે શ્વાનોને ફક્ત તાત્કાલિક જરૂરિયાતના આધારે હટાવવામાં આવી રહ્યા છે. જોકે સુત્રોના જણાવ્યા મુજબ આ માટે જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના પર”ઓન ડ્યુટી G-20″ લખેલું બોર્ડ લગાવેલું હતું.
શ્વાનોને પકડવાના અભિયાનના હ્રદયસ્પર્શી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વિડિયોમાં દેખીતી રીતે અપ્રશિક્ષિત કામદારો ધાતુના વાયરો અને નૂઝનો ઉપયોગ કરીને શ્વાનને પકડીને વાહનોમાં અને નાના પિંજારામાં પુરતા જોવા મળે છે, કેટલાક કિસ્સાઓમાં પ્રતિબંધ રોડ અને દોરડાનો ઉપયોગમાં આવ્યો હતો.
એક અહેવાલ મુજબ આ રખડતા શ્વાનને ઉપાડવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના વાહનો અનેક પાલતુ શ્વાનો(Pet Dogs)ને ઉપાડી ગયા છે. આ શ્વાનોને પાળનારા લોકો હવે શેલ્ટર હોમના ચક્કર લગાવી રહ્યા છે.
ઓગસ્ટ મહિનામાં MCDએ ‘G-20 સમિટને ધ્યાનમાં રાખીને મહત્વના સ્થાનોએથી રખડતા શ્વાનોને દૂર કરવા’ માટેનો આદેશ જાહેર કર્યો હતો, પરંતુ લોકોના વિરોધ બાદ બે દિવસમાં આદેશ પાછો ખેંચવામાં આવ્યો હતો. જીવદયા કાર્યકરોના જણાવ્યા મુજબ આદેશ પરત લીધા બાદ પણ પ્રસાશને “નેટ કેચિંગ અથવા હેન્ડ કેચિંગ” જેવી પદ્ધતિઓ ને બદલે શ્વાનોને “નિર્દયતા પૂર્વક” પકડવાનું શરૂ કર્યું હતું.
સાક્ષીઓના જણાવ્યા મુજબ MCD ટીમો એક છેડે દોરડાની લૂપ વાળા સળિયાનો ઉપયોગ કરીને શ્વાનોને પકડી રહ્યા છે. ત્યારબાદ પ્રાણીઓને ખેંચી વાહનમાં પુરવામાં આવતા હતા. એક NGOના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, “ભારત G20 ની થીમ એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય રાખીને જે કરી રહ્યું છે તે વ્યંગાત્મક છે. જ્યારે આપણે આપણા સાથે જીવતા જીવ માટે જગ્યા ન બનાવી શકીએ ત્યારે સહિયારા ભવિષ્યની વાત કરવી દંભ છે.”
MCD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પકડાયેલા શ્વાનો પર નજર હેઠળ રાખવામાં આવ્યા છે અને તેને જ્યાંથી લઈ જવામાં આવ્યા હતા ત્યાં જ પાછા છોડવામાં આવશે (પરંતુ કોઈ MCDએ આ માટે કોઈ સમયમર્યાદા આપી નથી). તમામ શ્વાન સલામત છે અને તેમને જરૂરી તબીબી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે
એક અહેવાલ મુજબ શેલ્ટર હોમમાં શ્વાનને ખૂબ નાની જગ્યામાં રાખવામાં આવ્યા છે. ત્યાં ગંદકી પણ ઘણી છે. એટલું જ નહીં, તેમના ખાવા-પીવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જો કે, શેલ્ટર હોમની સંભાળ લેતા લોકો દાવો કરે છે કે તેઓ તેમની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે..
એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં લગભગ 1,000 થી વધુ શ્વાનને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.