વેક્સિનેશન આપણને સુરક્ષિત અને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને આપણને ઘણા પ્રકારની બીમારીઓ સામે રક્ષણ આપે છે. જન્મની સાથે જ નવજાત શિશુઓને વેક્સિનેશન કરાવવામાં આવે છે. વેક્સિનેશન અંગે લોકોમાં જાગરૂક્તા લાવવા માટે 16મી માર્ચના નેશનલ વેક્સિનેશન ડે તરીકે ઊજવવામાં આવે છે.
કોરોના જેવી મહામારી બાદ પણ જ્યાં લોકોને વેક્સિનેશનનું મહત્ત્વ સમજાઈ ગયું છે ત્યાં આજે પણ કેટલાય એવા લોકો છે કે જેઓ વેક્સિનેશનનું મહત્ત્વ સમજતાં નથી. આજે પણ અનેક લોકોના મગજમાં વેક્સિનેશનને લઈને અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આજે આપણે અહીં નેશનલ વેક્સિનેશન ડે નિમિત્તે આવી જ કેટલીક મિથ અને ફેક્ટ્સ વિશે વાત કરીશું.
મિથઃ વેક્સિનેશન સુરક્ષિત નથી
ફેક્ટઃ કોઈ પણ બીમારી માટે બનાવવામાં આવેલી વેક્સિનેશનની પૂરતા ટેસ્ટ અને પરિક્ષણ બાદ જ લાઈસન્સ આપવામાં આવે છે, જેથી એ વાતની ચોક્સાઈ કરી શકાય કે વેક્સિનેશન સુરક્ષિત અને અસરકારક છે. સાથે સાથે જ વેક્સિનેશન લાઈસન્સ આપ્યા બાદ ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે હુ તેની દેખભાળ કરે છે.
મિથઃ વેક્સિનેશન ઓટિઝમ માટે કારણભૂત બને છે
ફેક્ટઃ મીઝલ્સ, મંપ્સ, રૂબેલા (એમએરઆર)ની વેક્સિનેશન કે પછી બીજી કોઈ પણ વેક્સિન અને ઓટિઝમ વચ્ચે કોઈ સંબંધ છે એવા પુરાવાઓ નથી. વેક્સિનેશન અને ઓટિઝમ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતાં 1998માં આવેલી એક સ્ટડી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું, પછી એને પ્રકાશિત કરનાર જર્નલ દ્વારા સંશોધનના આ પેપરને પાછા ખેંચવામાં આવ્યા હતા. આજ સુધી એવા કોઈ પુરાવાર નથી મળી આવ્યા કે જેને કારણે એવું સાબિત થાય કે વેક્સિનેશન અને ઓટિઝમ વચ્ચે કોઈ કનેક્શન છે.
મિથઃ એક જ સમયે બાળકને એકથી વધુ વેક્સિનેશન આપવી હાનિકારક હોય છે અને બાળકની રોગ પ્રતિકારક ક્ષમતાને પ્રભાવિત કરે છે.
ફેક્ટઃ વૈજ્ઞાનિક તારણો એવું જણાવે છે કે એક જ સમયમાં એકથી વધુ વેક્સિનેશન આપવાને કારણે બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા પર તેની કોઈ અસર જોવા મળતી નથી.
મિથઃ વેક્સિનેશનમાં પારો હોય છે, જે આરોગ્ય માટે જોખમી છે
ફેક્ટઃ થિયોમર્સલ એક ઓર્ગેનિક, એથિલમરકરી કંપાઉન્ડ છે અને તેને અમુક વેક્સિનેશનમાં પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ ખૂબ જ ઓછા વેક્સિનમાં થિયોમર્સલ હોય છે. જો વેક્સિનમાં એનો ઉપયોગ કરવામાં આવે તો તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ વાતનું કોઈ પ્રમાણ નથી કે કોઈ પણ વેક્સિનમાં ઉપયોગમાં લેવામાં આવતા થિયોમર્સલનું પ્રમાણ આરોગ્ય માટે હાનિકારક છે.
મિથઃ વેક્સિન ન લગાવવાની સરખામણીએ વેક્સિન લગાવનારા બાળકોમાં એલર્જી, ઓટોઈમ્યુન અને રેસ્પિરેટરી સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે
ફેક્ટઃ વેક્સિનેશન એ આપણી રોગ પ્રતિકારક શક્તિને અમુક એન્ટિજનો પર પ્રતિક્રિયા કરવાનું શિખવાડે છે. પણ વેક્સિન એના કામને કોઈ પણ રીતે પ્રભાવિત નથી કરતી. એવામાં વેક્સિનને કારણે એલર્જી, ઓટોઈમ્યુન અને રેસ્પિરેટરી સંબંધિત બીમારીઓ સાથેના સંબંધના કોઈ પુખ્ત પુરાવા નથી મળ્યા.
મિથઃ કેન્સરના વધતા પ્રમાણ માટે વેક્સિનેશન આંશિક રીતે જવાબદાર છે
ફેક્ટઃ વેક્સિનેશનને કારણે કેન્સર નથી થતો અને એનાથી વિપરીત હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી)ની સામે વેક્સિનેશનલના ઉપયોગને કારણે અનેક પ્રકારના કેન્સર જેવા કે સર્વાઈકલ, એનલ, ઓરોફરીન્જિયલ વગેરેને રોકવામાં મદદ મળે છે.